કેનેડાના ટોરેન્ટોમાં યુનિવર્સિટી નજીક ધોળા દિવસે ગોળીબાર, 20 વર્ષના ભારતીય પીએચડી વિદ્યાર્થી શિવાંક અવસ્થીની હત્યા, ભારતીય સમુદાયમાં શોક Dec 26, 2025 કેનેડાના ટોરેન્ટો શહેરમાં ફરી એકવાર ભારતીય નાગરિક હિંસાનો ભોગ બન્યો છે. યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો સ્કારબોરો (UTSC) કેમ્પસ નજીક થયેલા ધોળા દિવસે ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય પીએચડી (PhD) વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ અને સમુદાયમાં ભારે શોક અને અસલામતીની લાગણી વ્યાપી ગઈ છે. કેમ્પસ નજીક ભરબપોરે હુમલોપોલીસના અહેવાલ અનુસાર, મંગળવારે બપોરે હાઈલેન્ડ ક્રીક ટ્રેલ અને ઓલ્ડ કિંગ્સટન રોડ વિસ્તારમાં શિવાંક અવસ્થી પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ શિવાંકને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હુમલાખોરો ઘટનાને અંજામ આપીને તરત જ ફરાર થઈ ગયા હતા.ઉલ્લેખનીય છે કે આ ઘટના ટોરેન્ટોમાં વર્ષ 2025 દરમિયાન નોંધાયેલી 41મી હત્યા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. સુરક્ષાની દૃષ્ટિએ યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો સ્કારબોરો કેમ્પસને થોડા સમય માટે લોકડાઉન પણ કરવામાં આવ્યો હતો. ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યો શોકઆ ઘટનાને લઈને ટોરેન્ટો સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસ દ્વારા ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જાહેર કરાયેલા નિવેદનમાં દૂતાવાસે જણાવ્યું હતું કે,“યુવા ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થીના આકસ્મિક અને દુઃખદ અવસાનથી અમને ઊંડો આઘાત લાગ્યો છે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને સ્થાનિક કેનેડિયન અધિકારીઓ સાથે સંકલન સાધીને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છીએ.”દૂતાવાસે પરિવારને ન્યાય અપાવા માટે તપાસમાં પૂરતો સહકાર આપવાની ખાતરી પણ આપી છે. વિદ્યાર્થીઓમાં રોષ અને અસલામતીની લાગણીઘટના બાદ યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના વિદ્યાર્થીઓમાં વહીવટીતંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે સ્થળે ગોળીબાર થયો તે કેમ્પસનો એવો વિસ્તાર છે જ્યાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે અવરજવર કરે છે.વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, દિનદહાડે કેમ્પસ નજીક આવી હિંસક ઘટના થવી અત્યંત ચિંતાજનક છે. ઘણા વિદ્યાર્થીઓએ મોડી સાંજની ક્લાસ, લેબ સેશન અને પરીક્ષાઓમાં હાજરી આપવા અંગે ડર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પણ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. કોણ હતો શિવાંક અવસ્થી?મૃતક શિવાંક અવસ્થી માત્ર એક તેજસ્વી પીએચડી વિદ્યાર્થી જ નહીં, પરંતુ યુનિવર્સિટીના કેમ્પસ જીવનનો સક્રિય ભાગ પણ હતા. તેઓ યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો સ્કારબોરોની ચીયરલીડિંગ ટીમના સભ્ય હતા. ટીમ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ પાઠવતા લખવામાં આવ્યું હતું કે,“શિવાંક હંમેશા પ્રેક્ટિસ દરમિયાન સૌનું મનોબળ વધારતો, દરેકના ચહેરા પર સ્મિત લાવતો અને ટીમ માટે પ્રેરણારૂપ હતો. તે હંમેશા યુનિવર્સિટી પરિવારનો અભિન્ન હિસ્સો રહેશે.”તેમના મિત્રોએ પણ તેમને શાંત, સહૃદય અને મહેનતુ વિદ્યાર્થી તરીકે યાદ કર્યા છે. કેનેડામાં ભારતીયો પર વધતી હિંસા?છેલ્લા કેટલાક દિવસોમાં કેનેડામાં ભારતીય નાગરિકો સામે હિંસાની ઘટનાઓ વધી રહી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિવાંક અવસ્થીની હત્યા પહેલા પણ 30 વર્ષીય ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાઓને લઈને કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અસુરક્ષાની ભાવના વધુ ઘેરી બની છે. તપાસ ચાલુ, આરોપીઓની શોધખોળટોરેન્ટો પોલીસે જણાવ્યું છે કે, ઘટના અંગે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે. હાલ સુધી હુમલાખોરોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ દ્વારા લોકોને કોઈપણ પ્રકારની માહિતી હોય તો આગળ આવવા અપીલ કરવામાં આવી છે.યુનિવર્સિટી નજીક ધોળા દિવસે થયેલો આ ગોળીબાર કેનેડાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા યુવા ભારતીય વિદ્યાર્થીનું આ રીતે મોત થવું સમગ્ર ભારતીય સમાજ માટે દુઃખદ અને ચિંતાજનક છે. શિવાંક અવસ્થીના પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે. Previous Post Next Post