અમદાવાદમાં ટ્રાફિક દંડથી 413 કરોડની ઉઘરાણી, પોલીસના પગારથી વધુ આવક છતાં ગ્રાન્ટ માટે રાહ

અમદાવાદમાં ટ્રાફિક દંડથી 413 કરોડની ઉઘરાણી, પોલીસના પગારથી વધુ આવક છતાં ગ્રાન્ટ માટે રાહ

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ છેલ્લા બે વર્ષ દરમિયાન નાગરિકો પાસેથી કુલ રૂ. 413 કરોડની દંડ વસુલાત કરવામાં આવી છે. આ આંકડો એટલો વિશાળ છે કે, પોલીસ કર્મચારીઓને ચૂકવાતા કુલ પગાર કરતાં પણ વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા વસુલવામાં આવતી આ દંડની રકમ સીધી જ રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય છે, પરંતુ આ રકમમાંથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પરત મળતી ગ્રાન્ટ માટે વર્ષોથી રાહ જોવી પડી રહી છે.

આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2024માં અમદાવાદ ટ્રાફિક પોલીસે 21.15 લાખ વાહનચાલકો પાસેથી રૂ.151 કરોડનો દંડ વસુલ્યો હતો. જ્યારે વર્ષ 2025માં દંડ વસુલાતમાં નોંધપાત્ર વધારો થયો અને 40 લાખ જેટલા વાહનચાલકો પાસેથી રૂ.262 કરોડનો દંડ વસુલવામાં આવ્યો. આમ, માત્ર બે વર્ષમાં કુલ રૂ.413 કરોડની દંડ આવક સરકારે મેળવી છે. નોંધનીય બાબત એ છે કે, ટ્રાફિક પોલીસની સંખ્યા મંજૂર મહેકમ કરતાં ઓછી હોવા છતાં દંડ વસુલાતમાં આટલો વધારો થયો છે.

રસ્તા ઉપર ઓછી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ દેખાતાં હોવા છતાં દંડ વસુલાતમાં થયેલો વધારો પ્રજા અને પોલીસ વચ્ચે અસંતોષનું કારણ બની રહ્યો છે. ઘણા નાગરિકોનું કહેવું છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ દંડ વસુલવામાં આવી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાય તેવા દૃશ્યો પણ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળ્યા છે.

ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસુલાતી દંડની રકમ સરકાર દ્વારા ગ્રાન્ટ સ્વરૂપે અમદાવાદ ટ્રાફિક પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક કમિટીને પરત ફાળવવાની વ્યવસ્થા છે. આ રકમમાંથી રોડ એન્જિનિયરિંગ, ઝીબ્રા ક્રોસિંગ, ટ્રાફિક સિગ્નલ, સ્પીડ બ્રેકર, જનજાગૃતિ કાર્યક્રમો તથા અકસ્માતો ઘટાડવા માટે જરૂરી સાધનોની ખરીદી કરવામાં આવતી હોય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા બે-ત્રણ વર્ષથી ટ્રાફિક દંડપેટે વસુલાયેલા અબજો રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે પરત મળ્યા નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક સલામતી વધારવા માટે ટ્રાફિક દંડમાંથી 25 ટકા રેવન્યૂ શેરિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળવાનું હોય છે. આ રકમથી બમ્પ, ઝીબ્રા ક્રોસિંગ, સ્ટ્રીપ્સ તથા ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ વર્ષ 2022-23 બાદથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક દંડમાંથી મળતી રેવન્યૂ શેરિંગની રકમ હજુ સુધી પરત મળી નથી.

ટ્રાફિક પોલીસના સૂત્રો પણ ગ્રાન્ટ પરત ન મળવાના મુદ્દે મૌન સેવતા જોવા મળી રહ્યા છે. દંડપેટે વસુલાયેલા કરોડો રૂપિયા જનહિતના કાર્યોમાં વપરાય તે જરૂરી છે, પરંતુ સરકાર દ્વારા આ રકમ પરત ન આપવામાં આવતાં લોકોમાં નારાજગી વધી રહી છે. પરિણામે એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકારે જનહિતના નામે વસુલેલી રકમ પર ઠાગાઠૈયા કરી છે.

આ વચ્ચે, શિયાળાની ઠંડી વધતાં એક સકારાત્મક બદલાવ પણ જોવા મળ્યો છે. ઠંડીના કારણે લોકો સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવા લાગ્યા છે. જેના પરિણામે ડિસેમ્બર-2025માં હેલ્મેટ વગર વાહન ચલાવવાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024ની સરખામણીએ ડિસેમ્બર-2025માં 1.18 લાખ ઓછા કેસ નોંધાયા હતા અને હેલ્મેટ વગરના 1.68 લાખ વાહનચાલકો પાસેથી રૂ.8.43 કરોડનો દંડ વસુલાયો, જે અગાઉના વર્ષ કરતાં રૂ.5.90 કરોડ ઓછો છે.

પોલીસના મતે ટુ-વ્હીલર ચાલકોમાં વધતી જાગૃતિના કારણે હેલ્મેટ પહેરવાનું પ્રમાણ વધ્યું છે. આમ, એક તરફ દંડ વસુલાતમાં વધારો થયો છે, તો બીજી તરફ ટ્રાફિક જાગૃતિ વધતી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, દંડપેટે વસુલાયેલા અબજો રૂપિયાનું યોગ્ય વપરાશ થાય અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા ખરેખર સુધરે તે દિશામાં સરકાર અને તંત્રએ ઝડપી પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
 

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ