રાજકોટ શહેરકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે ભવ્ય રિહર્સલ યોજાયું

રાજકોટ શહેરકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે ભવ્ય રિહર્સલ યોજાયું

દેશના 77મા પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ ઉજવણીને લઈને રાજકોટ શહેર અને જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ શહેરકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને સફળ અને સ્મરણિય બનાવવા માટે વિવિધ વિભાગો દ્વારા સંકલિત આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અન્વયે રાજકોટ શહેરકક્ષાની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં આજે સવારે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.

સવારે ૯ વાગ્યે રિહર્સલનો પ્રારંભ રાષ્ટ્રીય ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ દેશભક્તિના ભાવથી ઓતપ્રોત બની ગયું હતું. ધ્વજવંદન બાદ મુખ્ય અધિકારીશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં શિસ્ત, સમયબદ્ધતા અને વ્યવસ્થાનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યો હતો.

રિહર્સલ દરમિયાન પોલીસ વિભાગ, હોમગાર્ડ્સ તેમજ એન.સી.સી. ગર્લ્સ બટાલિયનની પ્લાટૂન દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ યોજાયો હતો. માર્ચ પાસ્ટ દરમિયાન પ્લાટૂનોએ એકસાથે પગલાં ભરીને દેશભક્તિ અને એકતાનો સંદેશ આપ્યો હતો. આ દ્રશ્ય જોઈ ઉપસ્થિત અધિકારીઓ અને આમંત્રિતો પ્રભાવિત થયા હતા.

આ ઉપરાંત શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પ્રદર્શન તેમજ રંગબેરંગી સાંસ્કૃતિક નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ દેશપ્રેમ, એકતા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરીને રિહર્સલને આકર્ષક બનાવ્યું હતું. ખાસ કરીને યોગ પ્રદર્શન દ્વારા સ્વસ્થ ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો, જ્યારે સાંસ્કૃતિક નૃત્યોમાં ભારતની વિવિધતાનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

સમગ્ર કાર્યક્રમના ઝીણવટપૂર્વક નિરીક્ષણ બાદ પશ્ચિમ મામલતદાર શ્રી એ.એમ. જોશી, દક્ષિણ મામલતદાર શ્રી આર.કે. સરવૈયા તેમજ પૂર્વ મામલતદાર શ્રી એન.પી. અજમેરા સહિતના અધિકારીશ્રીઓએ રિહર્સલમાં સામેલ વિવિધ વિભાગો અને ટીમોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે ખાસ કરીને કાર્યક્રમ દરમિયાન સમય વ્યવસ્થાપન, શિસ્ત, સુરક્ષા અને સમન્વય પર ભાર મૂક્યો હતો.

અધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ માત્ર એક ઔપચારિક ઉજવણી નહીં પરંતુ દેશના બંધારણ, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. તેથી કાર્યક્રમ ગૌરવપૂર્ણ, શિસ્તબદ્ધ અને સૌ માટે પ્રેરણાદાયક બને તે જરૂરી છે. તેમણે તમામ વિભાગોને પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવા અને કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૬ જાન્યુઆરીના રોજ ચૌધરી હાઈસ્કૂલના પ્રાંગણમાં રાજકોટ શહેરકક્ષાના પ્રજાસત્તાક દિવસની મુખ્ય ઉજવણી નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.કે. મુછારની અધ્યક્ષતામાં યોજાશે. આ પ્રસંગે ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અન્ય રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમો યોજાશે.

વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, આમંત્રિત મહેમાનોની વ્યવસ્થા અને નાગરિકોની સુવિધા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી શહેરના નાગરિકો માટે ગૌરવની ક્ષણ બને તે માટે તમામ તબક્કે તૈયારીને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

આ રિહર્સલ દ્વારા કાર્યક્રમની ખામીઓ દૂર કરી અંતિમ દિવસે ઉજવણીને વધુ અસરકારક અને ભવ્ય બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
 
You may also like

વર્ષો બાદ બન્યો દુર્લભ સંયોગ: વસંત પંચમીનો ગજકેસરી યોગ ચમકાવશે ત્રણ રાશિઓનું ભાગ્ય

વર્ષો બાદ બન્યો દુર્લભ સંયોગ: વસંત પંચમીનો ગજકેસરી યોગ ચમકાવશે ત્રણ રાશિઓનું ભાગ્ય

ચાંદી ઐતિહાસિક ટોચે, એક જ દિવસમાં ₹12,638નો ઉછાળો; સોનાએ પણ ₹1.59 લાખ પાર કરી તમામ રેકોર્ડ તોડ્યા

ચાંદી ઐતિહાસિક ટોચે, એક જ દિવસમાં ₹12,638નો ઉછાળો; સોનાએ પણ ₹1.59 લાખ પાર કરી તમામ રેકોર્ડ તોડ્યા

રાજકોટ શહેરકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે ભવ્ય રિહર્સલ યોજાયું

રાજકોટ શહેરકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે ભવ્ય રિહર્સલ યોજાયું

રાજકોટ સહિત ગુજરાતભરના એરપોર્ટ પર એડવાઈઝરી, ફ્લાઇટના નિર્ધારિત સમયથી બે કલાક વહેલા પહોંચવા અનુરોધ મુસાફરોને માટે જાહેર

રાજકોટ સહિત ગુજરાતભરના એરપોર્ટ પર એડવાઈઝરી, ફ્લાઇટના નિર્ધારિત સમયથી બે કલાક વહેલા પહોંચવા અનુરોધ મુસાફરોને માટે જાહેર