રાજકોટમાં વડાપ્રધાનના આગમન પૂર્વે લોખંડી સુરક્ષા કવચ, DGP નિરીક્ષણ અને રિહર્સલથી શહેર એલર્ટ મોડમાં Jan 10, 2026 રાજકોટમાં આવતીકાલે મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારી રીજીયોનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને શહેરમાં અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાન સાથે કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના હોવાથી શહેર પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.વડાપ્રધાનના આગમનને પગલે સુરક્ષાની કમાન એસપીજી કમાન્ડોએ સંભાળી લીધી છે. આજે રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ તથા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના વડા ખાસ રાજકોટ પહોંચ્યા હતા અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે વડાપ્રધાનના રૂટ, હેલિપેડ, કાર્યક્રમ સ્થળ તેમજ અન્ય મહત્વના વિસ્તારોમાં જઈને થ્રિ-લેયર સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી હતી.આવતીકાલથી મારવાડી યુનિવર્સિટી કેમ્પસ ખાતે રીજીયોનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન થવાનું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત મુખ્યમંત્રી, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ તેમજ દેશ-વિદેશના ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજરી આપનાર છે.વીવીઆઈપી મુવમેન્ટને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને કચ્છ બોર્ડર એકમના રેન્જ આઈજીની અધ્યક્ષતામાં વિશેષ સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે. બે રેન્જ આઈજીની દેખરેખ હેઠળ અંદાજે 4500થી વધુ પોલીસ જવાનોને સુરક્ષા ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે બપોરથી વડાપ્રધાનનું હેલિકોપ્ટર જ્યાં લેન્ડ થવાનું છે તે બેડી યાર્ડ ખાતે તૈયાર કરાયેલા હેલિપેડ, વડાપ્રધાનના રૂટ અને મારવાડી યુનિવર્સિટી સહિતના તમામ સ્થળોએ 35થી વધુ કારોના કાફલા સાથે રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દરેક બિંદુએ સુરક્ષા વ્યવસ્થાની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી.રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ અને આઈબીના વડાએ બંદોબસ્તની સંપૂર્ણ રૂપરેખા મેળવી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વડાપ્રધાનના આગમનને લઈને રાજકોટ શહેરમાં લોખંડી સુરક્ષા કવચ ઊભું કરવામાં આવ્યું છે અને કોઈપણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા તમામ એજન્સીઓ સંકલિત રીતે કામગીરી કરી રહી છે. Previous Post Next Post