EDની મોટી કાર્યવાહી 15 સ્થળોએ પાડ્યા દરોડા, કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પર સૌથી મોટું ફોકસ Nov 29, 2025 દેશની મેડિકલ શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતું અને હજારો કરોડ રૂપિયાના કથિત લાંચ કૌભાંડને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મોટી કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, દેશભરના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસાથે 15થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, જેમાં ગુજરાતનું કલોલ શહેર સૌથી મોટા ફોકસ તરીકે સામે આવ્યું. અહીં આવેલા સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (SIMSR)માં EDની ટીમે સૌથી વધુ સમય વિતાવ્યો અને મોટી માત્રામાં ડિજિટલ તથા નાણાકીય પુરાવા જપ્ત કર્યા. આ કોલેજના સંચાલક સ્વામી ભક્તવત્સલદાસનું નામ પણ આ કૌભાંડના મુખ્ય આરોપીઓમાં સંકળાયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ વખત 30 જૂન 2025ના રોજ CBIએ કર્યો હતો. દિલ્હીમાં CBIએ નેશનલ મેડિકલ કમિશન (NMC)ના કેટલાક ઉચ્ચ અધિકારીઓ, કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને અનેક ખાનગી મેડિકલ કોલેજોના સંચાલકો સામે FIR નોંધાવી હતી. ત્યારબાદ 3 જુલાઈએ દેશભરની 40થી વધુ મેડિકલ કોલેજોમાં મોટાપાયે દરોડા પડ્યા અને કુલ 36 લોકો સામે ગુના નોંધાયા. આ કાર્યવાહી દરમિયાન 6 લોકોને ધરપકડ કરવામાં આવી હતી અને લાખો રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત થઈ હતી.આ સમગ્ર કૌભાંડનું મધ્યબિંદુ એ હતું કે દેશભરના અનેક મેડિકલ કોલેજોને ફેકલ્ટી, હોસ્પિટલના બેડ, દર્દીઓની સુવિધા, લેબોરેટરી અને અન્ય આધારભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવા છતાં મંજૂરી અપાઈ હતી. નિયમો મુજબ મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવે તે પહેલાં NMC તથા અન્ય સંબંધિત સંસ્થાઓ દ્વારા કડક ચકાસણી થવી જરૂરી છે. પરંતુ અહીં અધિકારીઓએ કરોડો રૂપિયાની લાંચના બદલામાં મેડિકલ કોલેજોને ગેરકાયદેસર રીતે લીલીઝંડી આપી હતી. EDના અનુસંધાનમાં જાણવા મળ્યું છે કે કૌભાંડના મુખ્ય આરોપી અને ત્યારે NMCના જોઇન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ડો. જે. એલ. મીના પાસેથી રૂ. 50 લાખ રોકડ મળી આવી છે. આ રકમ કોલેજોને ખોટી રીતે મંજૂરી અપાવવા બદલ લેવામાં આવેલી લાંચનો ભાગ હોવાનું મનાય છે.EDની ટીમે ગુજરાતના કલોલ સ્થિત SIMSR કોલેજમાં સૌથી વધુ સમય વિતાવ્યો. કોલેજના સર્વર, કમ્પ્યુટરો અને મોબાઇલ ઉપકરણોમાંથી વિશાળ પ્રમાણમાં ડિજિટલ ડેટા મેળવી લેવામાં આવ્યો છે. તેમાં બેંક ટ્રાન્ઝેક્શન, શંકાસ્પદ ચુકવણીઓ, નકલી દસ્તાવેજો તથા અલગ-અલગ સંચાલક સાથેના સંવાદો જેવી મહત્વપૂર્ણ ફાઈલોના પુરાવા સામેલ છે. સૂત્રોની માન્યતા પ્રમાણે અહીંથી મળેલા કેટલાક વ્યવહારો અત્યંત સંવેદનશીલ છે અને આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.કલોલની આ મેડિકલ કોલેજ અગાઉથી જ વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. કોલેજના સંચાલક સ્વામી ભક્તવત્સલદાસનું નામ અનેક મુદ્દાઓમાં ચર્ચામાં રહ્યું છે. આ કોલેજ 2022માં એક ખાનગી યુનિવર્સિટી તરીકે સ્થાપિત થઈ હતી, પરંતુ તે પહેલાં તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સાથે સંકળાયેલી હતી. ગયા વર્ષે મેડિકલ કોલેજ તરીકે શરૂ થયેલી આ સંસ્થા પર પહેલાથી જ ફેકલ્ટી અને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ખામીઓના આરોપો લાગતા રહ્યા છે.CBIએ પણ કોલેજના સંચાલકને સમન્સ પાઠવ્યા છે અને તેમનું નિવેદન નોંધ્યું છે. તપાસ એજન્સીઓને શંકા છે કે ખોટી રીતે મંજૂરી મેળવવા માટે અહીં મોટાપાયે નાણાકીય લેવડદેવડ થઈ હશે. જોકે ED કે CBIના કોઈ અધિકારીઓએ આ બાબતે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ તપાસમાં સામેલ સૂત્રોનું કહેવું છે કે મળેલા પૂરાવા અત્યંત ગંભીર છે અને સમગ્ર રેકેટનો ભાંડો ફોડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.દેશભરમાં મેડિકલ શિક્ષણને લઈને ચાલતા ગેરરીતિઓના કારણે વિદ્યાર્થીઓ અને માતા-પિતામાં ભારે રોષ છે. કોલેજોમાં જરૂરી સ્ટાન્ડર્ડ્સનું પાલન ન થતાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળતું નથી અને ઘણા કોલેજો માત્ર પૈસાના આધાર પર કાર્યરત હોય છે. આ કૌભાંડ સામે સરકાર અને તપાસ એજન્સીઓ દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી ભવિષ્યમાં મેડિકલ શિક્ષણ વ્યવસ્થાને શુદ્ધ બનાવવા માટે એક મોટું પગલું સાબિત થઈ શકે છે.તપાસ આગળ વધી રહી છે અને EDને મળેલા ડિજિટલ પુરાવા આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા કરશે તેવી આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. આવતા દિવસોમાં વધુ ધરપકડો અને વધુ કોલેજો સામે કાર્યવાહી થઈ શકે છે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. Previous Post Next Post