સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી: 12 કલાકમાં 12 ભૂકંપ આંચકા, ઉપલેટા કેન્દ્રબિંદુ, 1.9થી 3.2 તીવ્રતા, લોકોમાં ગભરાટ Jan 09, 2026 સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ભૂકંપની ફોલ્ટલાઈન સક્રિય થતાં ધરા ધ્રુજી ઉઠી છે. ગઈકાલે સાંજથી શરૂ થયેલા ભૂકંપના આંચકાઓનો સીલસીલો આજે સવાર સુધી ચાલુ રહ્યો હતો. ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ, અમરેલીના ખાંભા અને તાલાલા સહિતના વિસ્તારોમાં છેલ્લા 12 કલાક દરમિયાન કુલ 12 ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકાઓની તીવ્રતા 1.9થી 3.2 રિક્ટર સ્કેલ સુધી નોંધાઈ છે. વારંવારના આફટરશોકને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે.ગઈકાલે સાંજના 7:16 વાગ્યાથી શરૂ થયેલા ભૂકંપના આંચકાઓ રાત્રીના 10:54 વાગ્યા સુધી ચાલુ રહ્યા હતા. આ દરમિયાન જેતપુર, ધોરાજી, ઉપલેટા, ખાંભા અને તાલાલા પંથકમાં છ વખત ધરા ધ્રુજી ઉઠી હતી. અનેક સ્થળોએ મકાનો અને દુકાનોના બારી-બારણા ધણધણી ઉઠ્યા હતા. અચાનક આવેલા આંચકાથી લોકો ઘરો અને દુકાનો છોડીને ખુલ્લા મેદાનોમાં દોડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની કે મોટી નુકસાનની ઘટના નોંધાઈ નથી.સિસ્મોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સૌપ્રથમ અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં સાંજના 7:16 વાગ્યે 1.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ત્યારબાદ 8:24 વાગ્યે ફરી 1.9ની તીવ્રતાનો આફટરશોક આવ્યો. આ બંને આંચકાનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 41 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં હતું. ત્યારપછી ઉપલેટા વિસ્તારમાં રાત્રીના 8:30, 9:16 અને 10:03 વાગ્યે ક્રમશઃ 1.9, 2.3 અને 2.2ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. આ તમામ આંચકાનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી આશરે 28 કિલોમીટર દૂર નોંધાયું હતું.રાત્રીના અંતે તાલાલા વિસ્તારમાં પણ 10:54 વાગ્યે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 15 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં હતું. આ રીતે રાત્રી દરમિયાન સતત છ આફટરશોક નોંધાતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી.ગઈકાલે રાત્રી બાદ આજે સવારથી ફરી એકવાર ભૂકંપના આંચકાનો સીલસીલો શરૂ થયો હતો. સવારે માત્ર દોઢ કલાકમાં જ છ આંચકા અનુભવાતા લોકોમાં વધુ ભય ફેલાયો હતો. ઉપલેટા-જેતપુર-ગોંડલ વિસ્તારમાં સવારે 6:56 વાગ્યે 2.9, 6:58 વાગ્યે 3.2, 7:10 અને 7:13 વાગ્યે 2.9, 7:33 વાગ્યે 2.7 અને 8:34 વાગ્યે ફરી 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ તમામ આંચકાનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી અંદાજે 27 કિલોમીટર દૂર હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું છે.વારંવારના ભૂકંપના આંચકાને પગલે ધોરાજી શહેરમાં ખાનગી શાળાના સંચાલકોએ સાવચેતીરૂપે શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક તંત્ર પણ સતર્ક બનીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકાએ લોકોમાં જૂની યાદોને તાજી કરી દીધી છે. આજથી 26 વર્ષ પહેલાં 26 જાન્યુઆરીના વિનાશક ભૂકંપની ભયાનકતા લોકો હજુ ભૂલ્યા નથી. ગઈકાલે ખાંભા તાલુકાના ગીર વિસ્તારના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી અને અનીડા જેવા ગામોમાં સાંજના સમયે 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો હલબલી ઉઠ્યા હતા. આ અંગે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પણ પુષ્ટિ આપી છે.સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાનો સીલસીલો શરૂ થતાં જ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જો કે હાલ સુધી કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. સિસ્મોલોજી વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. Previous Post Next Post