મનપાના આસી. ઇજનેર પર હુમલા બાદ ઉગ્ર પ્રતિક્રિયા, દોષિત કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની તાત્કાલિક કાર્યવાહી

મનપાના આસી. ઇજનેર પર હુમલા બાદ ઉગ્ર પ્રતિક્રિયા, દોષિત કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની તાત્કાલિક કાર્યવાહી

રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન કચેરીમાં ફરજ પરના મદદનીશ ઇજનેર પર કોન્ટ્રાકટર દ્વારા થયેલા હુમલાના ઘટનાએ સમગ્ર મહાનગરપાલિકા તંત્રમાં ભારે રોષ ફેલાવ્યો છે. ગઇકાલે સાંજે ઇસ્ટ ઝોન કચેરી ખાતે આસી. ઇજનેર પર લાફો મારી દેવામાં આવતા ટેકનિકલ અધિકારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ગત સાંજે ટેકનિકલ અધિકારીઓ સેન્ટ્રલ ઝોન કચેરીએ એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં. 18ના મદદનીશ ઇજનેર ધવલભાઈ ભરતભાઈ ગોલાણીયા ગઇકાલે તા. 5ના સાંજે સવા પાંચ વાગ્યાના આસપાસ ઇસ્ટ ઝોન કચેરીમાં વોર્ડના નાયબ કાર્યકારી ઇજનેર એન.એ. મકવાણાની ચેમ્બરમાં હાજર હતા. આ દરમિયાન પટેલ કન્સ્ટ્રક્શન તરફથી કામ કરતા પેટા કોન્ટ્રાકટર મનીષ વેકરીયાએ અચાનક ધવલભાઈ ગોલાણીયા પર લાફો ઝીંકી દેતાં મામલો ગંભીર બની ગયો હતો. ફરજ પરના અધિકારી પર થયેલો આ હુમલો તદ્દન ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોવાનું ટેકનિકલ સ્ટાફે જણાવ્યું છે.

આ ઘટના સામે મનપાના ઇજનેરોમાં ભારે રોષ ફેલાતા ગત સાંજે મોટી સંખ્યામાં અધિકારીઓ કોર્પોરેશન કચેરીએ આવી ગયા હતા. હડતાળનું એલાન થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જો કે આજે હડતાળ ન પાડતાં ઇજનેરોએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. સવારથી જ ઇજનેરો ફિલ્ડમાં કામ પર હતા અને બપોરે થોડા સમય માટે સેન્ટ્રલ ઝોન ખાતે એકત્ર થઈ પોતાની રજુઆત રજૂ કરી હતી.
 


રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જિનિયર્સ એસોસિએશનના નેજા હેઠળ ટેકનિકલ સ્ટાફે બપોરે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને મળીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. કમિશનરે વહીવટી વડા તરીકે આ ઘટનાની કડક નિંદા કરી હતી અને વિજિલન્સ પોલીસને જરૂરી તપાસ કરવા તથા પોલીસ ફરિયાદ દાખલ કરાવવા સૂચના આપી હતી. અધિકારીઓની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું કમિશનરે સ્પષ્ટ કર્યું હતું.

આ બાદ ઇજનેરો સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને મળ્યા હતા. રજુઆત સાંભળ્યા બાદ ચેરમેને જણાવ્યું હતું કે, આવી ઘટના ક્યારેય સ્વીકાર્ય નથી. કોઇ અધિકારી સામે કોઇને રજુઆત હોય તો ઉચ્ચ અધિકારીઓ કે ચૂંટાયેલા પદાધિકારીઓ સુધી રજૂઆત કરી શકાય છે, પરંતુ હાથ ઉચકાવવો ક્યારેય માન્ય નથી. તેમણે તાત્કાલિક અસરથી સંબંધિત કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા ઇસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર અને સિટી ઇજનેરને સ્પષ્ટ સૂચના આપી હતી. ચૂંટાયેલી બોડી અધિકારીઓ સાથે છે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.

એન્જિનિયર્સ એસોસિએશન તરફથી કરાયેલી રજુઆતમાં હુમલો કરનાર એજન્સીને મનપાના તમામ કામોમાંથી બ્લેકલિસ્ટ અને ડી-બાર કરવાની માંગ કરવામાં આવી છે. આ એજન્સીના હાલના તમામ કામોના પેમેન્ટ તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ આ બાબતે વિભાગીય રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

આ અંગે એસોસિએશનના પ્રમુખ જયેશ કુકડીયાએ જણાવ્યું હતું કે, કોઇપણ અધિકારી પર હુમલાની ઘટના બનવી ન જોઇએ. કોઇપણ કોન્ટ્રાકટર કે નાગરિકને પ્રશ્ન હોય તો નિયમ મુજબ ડેપ્યુટી કમિશનર સુધી રજૂઆત કરી શકાય છે. આજે વહીવટી પાંખના વડા એવા કમિશનરે સંપૂર્ણ સહકાર અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે. તેમણે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ નજીક આવી રહી છે અને શહેરમાં રસ્તા, બ્યુટિફિકેશન સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઇજનેરો કામ છોડીને હડતાળ પર ઉતરી શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે, આ ગંભીર ઘટના બાદ પણ હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ મનપા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવતા ટેકનિકલ સ્ટાફમાં થોડી શાંતિ જોવા મળી છે. ફરજ પરના અધિકારી પર થયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે અને આવનાર સમયમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ