વિકાસ કામો કરવા હોય તો સંકલન સાથે સંપીને આવોઃ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની કડક સલાહ

વિકાસ કામો કરવા હોય તો સંકલન સાથે સંપીને આવોઃ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની કડક સલાહ

રાજકોટ શહેરના વિકાસને લઈને ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને અસંયુક્ત રજૂઆતોને કારણે શહેરના મહત્વના વિકાસ કામો અટકી રહ્યા હોવાની વાત ગઇકાલે ખુલ્લેઆમ સામે આવી હતી. રાજકોટ મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને શહેરના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન રાજકોટના પ્રશ્નો અંગે થયેલી રજૂઆતો બાદ નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો હતો કે, “વિકાસ કામો કરાવવા હોય તો સંકલન સાથે અને સંપીને આવો, અલગ-અલગ રજૂઆતો કરવાથી કોઈ પરિણામ નહીં આવે.”

બેઠક દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહે રાજકોટ શહેરના માધાપર ચોકડીએ સર્જાતી ભારે ટ્રાફિક સમસ્યાની વિગત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માધાપર ચોકડી પર સતત ટ્રાફિક જામ રહેતો હોવાથી અંડરબ્રિજની તાતી જરૂરિયાત છે. સાથે જ નવા રીંગરોડનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ જેટકો કંપનીના વીજ પોલો રસ્તાની વચ્ચે આવતાં હોવાના કારણે કામ અટકી રહ્યું હોવાનું પણ ધ્યાન દોર્યું હતું. આ બંને મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી.

આ રજૂઆત બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટના ધારાસભ્યો અને મનપાના પદાધિકારીઓને કડક શબ્દોમાં ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાંથી વારંવાર અલગ-અલગ ધારાસભ્યો પોતાની રીતે રજૂઆતો લઈને આવે છે, જેના કારણે કોઈ ચોક્કસ પરિણામ મળતું નથી. તેના બદલે જો તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ મહિને એક વખત એકસાથે બેસી, શહેરના પ્રશ્નોનું સંકલન કરીને સંયુક્ત રજૂઆત કરે તો ચોક્કસ રીતે કામ આગળ વધશે.

નાયબ મુખ્યમંત્રીએ આ બાબતે અમરેલી જિલ્લાનો દાખલો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમરેલીના ધારાસભ્યો સંકલન અને સંપ સાથે સરકાર સમક્ષ પ્રશ્નો રજૂ કરે છે, જેના કારણે ત્યાંના વિકાસ કામો ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે. રાજકોટના પ્રતિનિધિઓને પણ અમરેલીમાંથી પાઠ શીખવા જેવી સ્થિતિ હોવાનું કહી તેમણે મોઢે મોઢ સંભળાવી દીધું હતું.

બેઠક દરમિયાન એક ધારાસભ્ય દ્વારા અશાંતધારા સંબંધિત મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે રજૂઆત કરતા જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલી અશાંતધારાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. આવા વિસ્તારોમાં ફરીથી અશાંતધારાની મુદત વધારવી કે તેને રિન્યુ કરવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા, ધારાસભ્યને નિરાશ થઈને બેસી રહેવાનો વારો આવ્યો હતો.

આ સમગ્ર બેઠક દરમિયાન રાજકોટના વિકાસને લઈને સરકાર અને સ્થાનિક પ્રતિનિધિઓ વચ્ચે સંકલનના અભાવની વાત ખુલ્લી પડી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના કડક વલણથી સ્પષ્ટ થયું કે જો રાજકોટના ધારાસભ્યો અને મનપાના પદાધિકારીઓ એકજુટ થઈને સંકલિત રીતે રજૂઆતો નહીં કરે, તો શહેરના મહત્વના વિકાસ કામો આગળ વધવામાં અડચણો યથાવત રહેશે.

કુલ મળીને, રાજકોટના વિકાસ માટે હવે રાજકીય હુસાતુસી છોડીને સંકલન અને સહકારથી કામ કરવાની જરૂરિયાત પર નાયબ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો છે. જો તેમના સૂચનોનું પાલન કરવામાં આવશે તો રાજકોટના પ્રશ્નો ઝડપથી ઉકેલાઈ શકે, નહીં તો વિકાસના મુદ્દાઓ માત્ર ફાઈલોમાં જ અટવાઈ રહે તેવી ચેતવણી સમાન સંદેશ પણ આ બેઠકમાંથી મળ્યો છે.

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ