28 કલાક રોકાશે, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર... જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો Dec 04, 2025 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત આ વખતે અનેક રાજકીય, વ્યૂહાત્મક અને આર્થિક ચર્ચાઓના કેન્દ્રમાં રહી છે. પુતિન 4 ડિસેમ્બર 2025ના રોજ નવી દિલ્હી પહોંચશે અને લગભગ 28 કલાક સુધી ભારતની રાજકીય યાત્રા પર રહેશે. તેમના આગમન સમયે સાંજે 4:30 વાગ્યે એરપોર્ટ પર વિશેષ સ્વાગત થશે અને ત્યારબાદ પીએમ મોદી તેમની માટે પ્રાઇવેટ ડિનરનું આયોજન કરશે. ગયા વર્ષે જ્યારે મોદી મોસ્કો ગયા હતા ત્યારે પુતિને તેમને આપેલા વિશેષ ખાનગી આતિથ્યનું આ એક પ્રતિભાવરૂપ સ્વાગત માનવામાં આવે છે. આ મુલાકાતનું મહત્વ વધુ વધી ગયું છે કારણ કે છેલ્લા એક વર્ષમાં ભારત-અમેરિકા સંબંધોમાં મોટું તણાવ સર્જાયું છે. અમેરિકાએ ભારતીય નિકાસ પર 50% સુધીની ભારે ડ્યૂટી અને રશિયન તેલ ખરીદી પર 25% વધારાનો શુલ્ક લગાવ્યા પછી આ સંબંધોમાં સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં પુતિનની ભારત મુલાકાત રાજદ્વારી દૃષ્ટિએ બહુ મહત્વપૂર્ણ બની છે.દિલ્લીમાં પુતિનના 28 કલાકના કાર્યક્રમમાં અનેક મહત્વપૂર્ણ બેઠકઓ અને સમારોહો સામેલ છે. તેમની શુક્રવારની સવાર રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિથી શરૂ થશે. ત્યારબાદ 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર વાર્તા યોજાશે, જેમાં બંને દેશોના વડાપ્રધાન-રાષ્ટ્રપતિ સામસામે ચર્ચા કરશે. આ વાર્ષિક બેઠક બે દેશો વચ્ચે ચાલી રહેલા સહકારની સમીક્ષા તેમજ ભાવિ આયોજન માટેનું અગત્યનું મંચ છે. શિખર બેઠક બાદ હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી પુતિન અને તેમના પ્રતિનિધિમંડળ માટે લંચનું આયોજન કરશે. ત્યારબાદ સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુતિનના સન્માનમાં રાજકીય ભોજન સમારંભનું આયોજન કરશે અને પછી પુતિન રાત્રે 9:30 વાગ્યે ભારતથી રવાના થશે.આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા છે. જેમાં 2030 સુધીનો આર્થિક સહયોગ કાર્યક્રમ, વેપાર, ઊર્જા, કૃષિ, આરોગ્ય, મીડિયા જેવા ક્ષેત્રોમાં સેક્ટોરલ કરારો, રક્ષા ક્ષેત્રમાં લોજિસ્ટિક સપોર્ટ કરાર, સુરક્ષા સહયોગ ડીલ, મોડ્યુલર રિએક્ટર ટેકનોલોજી તેમજ ઊર્જા સહયોગ જેવા મુદ્દાઓ સામેલ છે. ખાસ કરીને SU-57 સ્ટેલ્થ ફાઇટર જેટ તથા બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમના અપગ્રેડ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. પેટ્રોલિયમ ક્ષેત્રે બંને દેશો વચ્ચે ભાગીદારી મજબૂત કરવાની દિશામાં ગંભીર વિચારણા થશે, કારણ કે ભારત રશિયન ક્રૂડ ઓઇલની સૌથી મોટી ખરીદદારોમાંનું એક દેશ બની ગયું છે.ભારત-રશિયા વેપાર વ્યવસ્થામાં હાલમાં મોટું અસંતુલન છે, જેમાં ભારતનું રશિયાથી આયાત મૂલ્ય આશરે $65 બિલિયન છે જ્યારે ભારતની રશિયામાં નિકાસ માત્ર $5 બિલિયન છે. આ વેપાર ખાધ ઘટાડવા માટે ભારત ફાર્મા, કૃષિ, ખાદ્ય ઉત્પાદન અને ગ્રાહક સામાન જેવી વસ્તુઓના નિકાસમાં વધારો કરવા ઇચ્છે છે. ઉપરાંત ખાતર સપ્લાયમાં રશિયા ભારત માટે અગત્યનું દેશ હોવાથી તેમાં પણ સહકાર વધારવાની અપેક્ષા છે. સાથે જ ભારત દ્વારા પ્રસ્તાવિત ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ અંગે યુરેશિયન આર્થિક સંઘ સાથે થયેલી ચર્ચાઓને પણ આ મુલાકાત દરમિયાન આગળ ધપાવવાનો પ્રયાસ થઈ શકે છે.પુતિનની મુલાકાતના એક દિવસ પહેલા ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના રક્ષા મંત્રી આન્દ્રે બેલોઉસોવ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થશે. જેમાં S-400 મિસાઇલ સિસ્ટમ, સુખોઈ-30 ફાઇટર જેટના અપગ્રેડેશન, સૈન્ય સામાનના ઝડપી પુરવઠા અને અન્ય વ્યૂહાત્મક સહકાર અંગે ચર્ચા થશે. ભારત રશિયાથી S-400 મિસાઇલ સિસ્ટમની વધારાની યુનિટ ખરીદીની દિશામાં વિચાર કરી રહ્યું છે, ખાસ કરીને તેને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન અસરકારક સાબિત થતાં. વર્ષ 2018માં ભારતે $5 બિલિયનના ખર્ચે પાંચ યુનિટ ખરીદી કરવાનો કરાર કર્યો હતો, પરંતુ અમેરિકા CAATSA કાયદા હેઠળ પ્રતિબંધોની ચેતવણી આપતું રહ્યું છે.રશિયા અને ભારત છેલ્લા બે દાયકાથી વાર્ષિક શિખર બેઠક કરે છે અને અત્યાર સુધી 22 બેઠકો યોજાઈ ચૂકી છે. પુતિને આખરી વખત 2021માં ભારતની યાત્રા કરી હતી અને પીએમ મોદી 2024માં મોસ્કો ગયા હતા. આ મુલાકાત બંને દેશોના સંબંધોમાં ફરીથી તાજગી લાવતી, રક્ષા-આર્થિક ક્ષેત્રે નવી દિશા દર્શાવતી તથા ભારતની વૈદેશિક નીતિમાં સ્વતંત્રતા અને સંતુલનની નક્કર છાપ છોડી જશે તેવી આશા છે. Previous Post Next Post