PM મોદીએ પોલીસમાં પ્રોફેશનલિઝમ અને સંવેદનશીલતા વધારવા તથા કોસ્ટલ સુરક્ષા મજબૂત કરવાની જરૂરીયાત ઉજાગર કરી Dec 01, 2025 છત્તીસગઢની રાજધાની રાયપુરમાં યોજાયેલા ૬૦મા અખિલ ભારતીય ડીજીપી-આઈજી કોન્ફરન્સના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પોલીસ ફોર્સને સ્પષ્ટ અને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે દેશના યુવાનો અને સામાન્ય નાગરિકોમાં પોલીસની જે પરંપરાગત છબી બની ગઈ છે, તેને હવે સંપૂર્ણ રીતે બદલવાની જરૂર છે. લોકો પોલીસને માત્ર કડક અને દંડાત્મક વલણ ધરાવતી સંસ્થા તરીકે જુએ છે, પરંતુ સમય અને પરિસ્થિતિ બંને બદલાઈ ચૂક્યા છે. તેથી પ્રોફેશનલિઝમ, સંવેદનશીલતા અને ટેકનોલોજીની દિશામાં આગળ વધવું આજના સમયમાં અગત્યનું બની ગયું છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે પોલીસ સંગઠનને લોકોના વિશ્વાસને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરવાની જરૂર છે. ખાસ કરીને યુવાનોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસનો અભાવ ન રહે તે માટે વ્યવહારિક પરિવર્તન આવશ્યક છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આજની પેઢી ટેકનોલોજી-ડ્રિવન છે અને દરેક સમસ્યાના આધુનિક ઉકેલની અપેક્ષા રાખે છે. તેથી પોલીસ તંત્રએ પોતાનો અભિગમ બદલીને આગ્રેસિવ નહીં પરંતુ રિસ્પોન્સિવ અને સહનશીલ વિચારો સાથે કાર્ય કરવું જોઈએ. વડાપ્રધાને કહ્યું કે લોકોમાં પોલીસની છબી માત્ર કાયદાનું પાલન કરાવતી એજન્સી તરીકે નહીં પરંતુ સમાજની સેવા કરતી અને સમસ્યાઓનું સમાધાન લાવતી સંસ્થા તરીકે બેસે તે સમયની માંગ છે.કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષાના અનેક મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો. તેમણે પ્રતિબંધિત સંગઠનોની ગતિવિધિઓ પર નિયમિત મોનિટરિંગ રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી. માઓવાદથી પ્રભાવિત વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સુધારો થયો છે, પરંતુ ત્યાં વિકાસની ગતિ વધારવી અતિઆવશ્યક છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દરિયાકાંઠા વિસ્તારો રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. તસ્કરી, ગેરકાયદેસર ઘુસણખોરી અને અન્ય સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને કોસ્ટલ સુરક્ષા મજબૂત કરવી હવે પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. ખાલી ટાપુઓને રાષ્ટ્રીય સુરક્ષા નેટવર્ક સાથે જોડવા નવી વ્યૂહરચના અપનાવવાની પણ તેમણે સલાહ આપી.વડાપ્રધાન મોદીએ ભારતીય ન્યાય સંહિતા અને નાગરિક સુરક્ષા સંહિતા વિશે પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે નવા કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં પોલીસ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. પ્રજાને સમજાવવું જરૂરી છે કે આ કાયદાઓ માત્ર દંડાત્મક પ્રક્રિયા નહીં પરંતુ ન્યાય પ્રણાલીને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા તરફનું એક મોટું પગલું છે.ટેકનોલોજીના ઉપયોગ અંગે મોદીએ ખાસ ધ્યાન દોર્યું. તેમણે NATGRID હેઠળ જોડાયેલા ડેટાબેઝનો વધુ અસરકારક ઉપયોગ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી. પોલિસિંગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના role વિશે પણ ચર્ચા કરતા તેમણે કહ્યું કે સ્માર્ટ પોલીસીંગ માટે AI જરૂરી બનશે. ગુનાહિત પ્રવૃત્તિઓના પેટર્ન, સંદિગ્ધ ગતિવિધિઓ અને સાયબરક્રાઇમ જેવા નવા પડકારો સામે લડવા AI અને અદ્યતન ટેકનોલોજી પોલીસ માટે શક્તિશાળી સાધન બની શકે છે.કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, NSA અજિત ડોભાલ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ વર્ષના કોન્ફરન્સની થીમ ‘વિકસિત ભારત – સિક્યુરિટી ડાયમેન્શન્સ’ રાખવામાં આવી હતી. આતંકવાદ, કટ્ટરતા અને તેમની નવી રીતો સામે લડવા માટે કયા પ્રકારની વ્યૂહરચના અપનાવવી તે અંગે વિગતવાર ચર્ચા થઈ. મહિલા સુરક્ષા વધારવા ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે પણ વિચારો રજૂ થયા. વિદેશ ભાગી ગયેલા આરોપીઓને પાછા લાવવા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ તેમજ આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાના માર્ગો પર પણ ચર્ચા થઈ.કોન્ફરન્સ દરમ્યાન એક બાબત સ્પષ્ટ રીતે સામે આવી કે ભારતની સુરક્ષા વ્યવસ્થા હવે પરંપરાગત માળખામાં નહીં પરંતુ નવા યુગની ટેકનોલોજી, આધુનિક વિચારો અને જનસહભાગિતાના આધારે આગળ વધે તે જરૂરી છે. વડાપ્રધાન મોદીના સંદેશનો મુખ્ય અર્થ એ છે કે રાષ્ટ્રની સુરક્ષા માત્ર હથિયારો, દળ અને કાયદાથી જ નહીં પરંતુ માનવીય મૂલ્યો, જવાબદારી અને લોકોનો વિશ્વાસ જીતવાના સંકલ્પથી મજબૂત બને છે. પોલીસની છબી બદલવાની આ અપીલ ભાવિ ભારતમાં વધુ વિશ્વસનીય, સંવેદનશીલ અને જનકેન્દ્રિત પોલીસિંગની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. Previous Post Next Post