વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર સમિટ પૂર્વે 11 જાન્યુઆરીએ રાજકોટમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે શહેરભરમાં ઉત્સાહ રહેશે Jan 01, 2026 રાજકોટ શહેરમાં આગામી 11 જાન્યુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે. શહેરમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત થનારી વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતને લઈને શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે. તેઓ રાજકોટના જુના એરપોર્ટ ખાતે પહોંચશે, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્વાગત સમારોહ બાદ વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે, જે શહેરના જુના એરપોર્ટથી શરૂ થઈ રેસકોર્સ રિંગ રોડ માર્ગે આગળ વધીને માધાપર ચોક સુધી યોજાશે.વડાપ્રધાનના રોડ શોને લઈ રાજકોટ શહેરમાં વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. માર્ગોની સફાઈ, શોભાકરણ, લાઇટિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર સક્રિય બન્યું છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો, ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. શહેરમાં વડાપ્રધાનના આગમનને એક ઐતિહાસિક પ્રસંગ તરીકે જોવામાં આવી રહ્યું છે.રોડ શો બાદ વડાપ્રધાન મોદી બપોરે 3.30 વાગ્યે મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચશે, જ્યાં તેઓ વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટ તારીખ 11 અને 12 જાન્યુઆરી એમ બે દિવસ સુધી યોજાનારી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ રિજનલ વાયબ્રન્ટ સમિટનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો વિકસાવવાનો છે.આ વાયબ્રન્ટ સમિટમાં ભારત ઉપરાંત વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ ભાગ લેશે. અંદાજે 50 જેટલા દેશોના પ્રતિનિધિઓ તેમજ જાપાન, યુક્રેન સહિત 22થી વધુ દેશોના પ્રતિનિધિઓ આ સમિટમાં હાજરી આપશે. સાથે જ અદાણી, અંબાણી સહિત દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સમિટમાં ઉપસ્થિત રહેશે. ઉદ્યોગ, ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિકાસ, સ્ટાર્ટઅપ અને એમએસએમઈ ક્ષેત્રમાં નવા કરારો અને સહકાર માટે આ સમિટ મહત્વપૂર્ણ સાબિત થશે.આ વાયબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર-કચ્છના અંદાજે 2 લાખથી વધુ ઉદ્યોગકારોને સીધો અને પરોક્ષ ફાયદો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જાશે. આ સમિટ સૌરાષ્ટ્ર-કચ્છના આર્થિક વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થવાની શક્યતા છે.વડાપ્રધાનના આગમન અને સમિટની તૈયારીઓની સમીક્ષા માટે આજે રાજ્યના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમણે જિલ્લા અને શહેરના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહેસાણામાં પ્રથમ રિજનલ વાયબ્રન્ટ સમિટ સફળતાપૂર્વક યોજાઈ હતી અને હવે બીજી રિજનલ વાયબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાઈ રહી છે, જે સૌરાષ્ટ્ર-કચ્છ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ સમિટના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે, જેથી સમગ્ર કાર્યક્રમને ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને સ્વદેશી ભાવના સાથે ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.સમગ્ર રીતે જોવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત, તેમનો રોડ શો અને વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટ શહેર તેમજ સમગ્ર પ્રદેશ માટે ગૌરવપૂર્ણ અને વિકાસલક્ષી પ્રસંગ બની રહેશે. Previous Post Next Post