તા.10 થી 12 જાન્યુઆરીએ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ, સોમનાથ-રાજકોટ-અમદાવાદમાં વિકાસ, ઉત્સવ અને વૈશ્વિક સમાગમ

તા.10 થી 12 જાન્યુઆરીએ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ, સોમનાથ-રાજકોટ-અમદાવાદમાં વિકાસ, ઉત્સવ અને વૈશ્વિક સમાગમ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ સોમનાથ, રાજકોટ અને અમદાવાદમાં મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાનના પ્રવાસને લઈને રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
 

સોમનાથથી પ્રવાસની શરૂઆત, ગૌરવભર્યા કાર્યક્રમો

વડાપ્રધાન મોદી તા.10 જાન્યુઆરીના રોજ સોમનાથ પહોંચશે અને રાત્રિ નિવાસ કરશે. ગીર સોમનાથ જિલ્લામાં તેમના આગમનને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી યોજાશે. આ પ્રસંગે 108 અશ્વો સાથે ઐતિહાસિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન મોદી મુખ્ય આકર્ષણ રહેશે.

સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ-શો યોજાશે. શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી યોજાનારી આ યાત્રામાં જનસામાન્યનો ઉત્સાહ શિખરે રહે તેવી શક્યતા છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન જાહેરસભાને સંબોધશે.
 

રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન

તા.11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી રાજકોટ પહોંચશે, જ્યાં તેઓ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. તા.11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો, નીતિનિર્માતાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ભાગ લેશે.

રાજકોટને મેન્યુફેક્ચરિંગ અને ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે વૈશ્વિક ઓળખ અપાવવાના ઉદ્દેશ્ય સાથે આ કોન્ફરન્સને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોન્ફરન્સ દરમિયાન કરોડો રૂપિયાના એમઓયુ (MoU) થવાની શક્યતા છે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગક્ષેત્રને નવી દિશા મળશે.
 

જર્મન ચાન્સેલરની હાજરીથી કોન્ફરન્સને વૈશ્વિક મહત્તા

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું મુજબ રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજરી આપશે. વિદેશી મહેમાનોની હાજરીને કારણે કોન્ફરન્સને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્વ પ્રાપ્ત થયું છે.
 

સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર એલર્ટ

વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. પોલીસ, એસઆરપી, કમાન્ડો અને અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા, રૂટ મેનેજમેન્ટ અને જાહેર સલામતી માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
 

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી પ્રવાસના અંતિમ દિવસે તા.12 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે. અહીં તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ઉત્તરાયણ પર્વના માહોલમાં વડાપ્રધાનની હાજરીથી શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

આ ઉપરાંત વડાપ્રધાન સાબરમતી આશ્રમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ગાંધીનગરમાં તેઓ મેટ્રો દ્વારા મહાત્મા મંદિર સુધી મુસાફરી કરશે, જેને લઈને પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
 

વહીવટી તંત્ર તૈયારીમાં, રાજ્યમાં ઉત્સાહ

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને મંત્રીમંડળની તાજેતરની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના તમામ સંબંધિત વિભાગો સંકલન સાથે કામ કરી રહ્યા છે. સોમનાથ, રાજકોટ અને અમદાવાદમાં તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક બની ગયું છે.

વિકાસ, રોકાણ, સાંસ્કૃતિક ઉત્સવ અને વૈશ્વિક સમાગમ સાથે વડાપ્રધાનનો આ ગુજરાત પ્રવાસ રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ