શહેરી સહકારી બેન્કો પર આરબીઆઈના થાપણ આધારિત કડક નિયંત્રણો, વધતા જોખમ વચ્ચે બેન્કોની વૃદ્ધિ પર પડશે અસર Dec 27, 2025 દેશમાં શહેરી સહકારી બેન્કોના સતત વિસ્તરતા વ્યાપ અને અનેક બેન્કો દ્વારા મલ્ટીસ્ટેટ સ્તરે કામગીરી વધારવામાં આવી રહી હોવાના પગલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હવે સાવચેતીની દિશામાં મહત્વનો નિર્ણય લીધો છે. ફકત થાપણદારોના નાણાં પર આધાર રાખીને ચાલતી શહેરી સહકારી બેન્કોમાં જોખમનું પ્રમાણ વધુ હોવાનું નિરીક્ષણ થતાં આરબીઆઈએ થાપણ આધારિત નવા નિયંત્રણો અમલમાં મૂક્યા છે. આ નવા નિયમોથી બેન્કોની વૃદ્ધિ, શાખા વિસ્તરણ અને ધિરાણ ક્ષમતાને અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નવા માળખા અનુસાર, શહેરી સહકારી બેન્કોને હવે તેની કુલ થાપણોના આધારે ત્રણ અલગ-અલગ વર્ગોમાં વહેંચવામાં આવી છે. આ વર્ગીકરણ રૂા. 100 કરોડ, રૂા. 1000 કરોડ અને રૂા. 10,000 કરોડની થાપણ મર્યાદા પર આધારિત રહેશે. દરેક વર્ગ માટે મૂડી પર્યાપ્તતા, ધિરાણ ક્ષમતા, એસેટ ગુણવત્તા અને સંચાલન માપદંડ અલગ રીતે નક્કી કરવામાં આવ્યા છે.આ નિર્ણય પાછળ આરબીઆઈનું મુખ્ય કારણ એ છે કે ઘણી શહેરી સહકારી બેન્કો બજારમાંથી મૂડી ઉઘરાવવાને બદલે ફક્ત થાપણદારોના નાણાં પર જ આધાર રાખે છે. આવી સ્થિતિમાં જો બેન્કનું સંચાલન નબળું પડે, ધિરાણમાં ગેરરીતિ થાય કે ભ્રષ્ટાચાર ફેલાય તો સૌથી વધુ નુકસાન થાપણદારોને થાય છે. અગાઉના વર્ષોમાં અનેક સહકારી બેન્કો કંગાળ થવાની ઘટનાઓએ આરબીઆઈને વધુ કડક પગલાં લેવા મજબૂર કર્યા છે.નવા નિયમ મુજબ, રૂા. 100 કરોડ સુધીની થાપણ ધરાવતી બેન્કો પ્રથમ વર્ગમાં આવશે, જેમાં મોટેભાગે પગારદારોની સહકારી બેન્કોનો સમાવેશ થાય છે. રૂા. 100 કરોડથી રૂા. 1000 કરોડ સુધીની થાપણ ધરાવતી બેન્કો બીજા વર્ગમાં અને રૂા. 1000 કરોડથી વધુ તથા રૂા. 10,000 કરોડ સુધીની થાપણ ધરાવતી બેન્કોને ત્રીજા વર્ગમાં સામેલ કરવામાં આવશે.ખાસ કરીને રૂા. 1000 કરોડથી વધુ થાપણ ધરાવતી શહેરી સહકારી બેન્કો માટે મૂડી પર્યાપ્તતા (Capital Adequacy)ના માપદંડ વધુ કડક બનાવવામાં આવ્યા છે. આ બેન્કોએ કેપિટલ ટુ રિસ્ક વેઇટેડ એસેટ્સ રેશિયો (CRAR) વધુ ઊંચો જાળવવો પડશે. આરબીઆઈના નિર્દેશ મુજબ, આ કેટેગરીની બેન્કોએ ઓછામાં ઓછો 3 ટકા વધારાનો મૂડી બફર જાળવવો ફરજિયાત રહેશે.જેમ જેમ બેન્કોની થાપણો વધશે અને તે નિશ્ચિત કરેલી મર્યાદા પાર કરશે, તેમ તેમ તેના પર વધુ કડક સંચાલન અને નિયમન માપદંડ આપોઆપ લાગુ પડશે. આમાં ધિરાણ નીતિ, એનપીએ નિયંત્રણ, આંતરિક ઓડિટ, ટેકનોલોજી અપગ્રેડેશન અને જોખમ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.આ નવા માળખાના અમલથી શહેરી સહકારી બેન્કોના સંચાલન ખર્ચમાં આશરે 20 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે. કોમ્પ્લાયન્સ, ઓડિટ, ટેકનિકલ સિસ્ટમ અને માનવ સંસાધન પર વધારાનો ખર્ચ આવતાં બેન્કોની નફાકારકતા પર દબાણ આવી શકે છે. આ સાથે, અગાઉ માત્ર આરબીઆઈને જાણ કરી નવી શાખા શરૂ કરવાની જે સરળ પ્રક્રિયા હતી, તેમાં હવે થાપણ આધારિત મંજૂરી મહત્વની બની જશે.બેન્કિંગ નિષ્ણાતોનું માનવું છે કે ટૂંકા ગાળામાં આ નિયમોથી સહકારી બેન્કોની વૃદ્ધિ પર બ્રેક લાગશે, પરંતુ લાંબા ગાળે થાપણદારોના નાણાં વધુ સુરક્ષિત બનશે. આરબીઆઈનો આ પગલું સહકારી બેન્કિંગ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શક અને જવાબદાર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.કુલ મળીને, શહેરી સહકારી બેન્કો માટે આ નવા થાપણ આધારિત નિયંત્રણો પડકારજનક હોવા છતાં, બેન્કિંગ ક્ષેત્રમાં સ્થિરતા અને વિશ્વસનીયતા વધારવા માટે તેને જરૂરી સુધારા તરીકે જોવામાં આવી રહ્યા છે. Previous Post Next Post