રાજકોટ જિલ્લા સ્વાગત કાર્યક્રમથી ખોખરીના ખેડૂતને ન્યાય, સંવેદનશીલ વહીવટ અને ટેક્નોલોજીથી પ્રશ્નનો ત્વરિત ઉકેલ Dec 27, 2025 રાજકોટ જિલ્લામાં જન ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિરાકરણ માટે કાર્યરત ‘સ્વાગત’ કાર્યક્રમ ફરી એકવાર સામાન્ય નાગરિક માટે આશાની કિરણ સાબિત થયો છે. રાજકોટ જિલ્લાના ખોખરી ગામના 69 વર્ષીય નાગરિક શ્રી પથુભા વાટુભા જાડેજાના સિંચાઈની જમીનમાં થયેલા સંપાદન સંબંધિત પ્રશ્નનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સુખદ અને સમયસર ઉકેલ આવ્યો છે. આ નિરાકરણથી માત્ર એક ખેડૂતનો પ્રશ્ન ઉકેલાયો નથી, પરંતુ સંવેદનશીલ અને જવાબદાર શાસનની કાર્યક્ષમતાનો સ્પષ્ટ દાખલો પણ સામે આવ્યો છે.રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પથુભા જાડેજાએ પોતાની રજૂઆત કરી હતી. તેમની પાસે કુલ 9740 ચોરસ મીટર જેટલી સિંચાઈની જમીન છે, જેમાં તેઓ વાવેતર કરવા ઇચ્છતા હતા. આ માટે અગાઉ તેમણે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીશ્રી સમક્ષ અરજી કરી હતી, પરંતુ લાંબા સમયથી જમીન ઉપયોગ અંગે અનિશ્ચિતતા હતી. આથી, અંતે તેમણે જિલ્લા સ્વાગત કાર્યક્રમનો સહારો લીધો.જિલ્લા સ્વાગતમાં અરજી રજૂ થતા જ જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારશ્રીની વાત ગંભીરતાથી સાંભળી અને તાત્કાલિક સંબંધિત અધિકારીઓને પ્રશ્નના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપી. કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને જિલ્લા વહીવટીતંત્રની સક્રિય કામગીરીના પરિણામે ટૂંકા સમયગાળામાં જ પથુભા જાડેજાને તેમની જમીન પર આગામી પાંચ વર્ષ સુધી વાવેતર કરવાની પરવાનગી મળી ગઈ.આ હુકમ પ્રાપ્ત થતાં હવે તેઓ પોતાની જમીન પર મગફળી તેમજ અન્ય સિઝનલ પાકોનું વાવેતર કરી શકશે. વર્ષોથી ચાલતી અનિશ્ચિતતા દૂર થતાં ખેડૂતના ચહેરા પર સંતોષ અને વિશ્વાસ સ્પષ્ટ દેખાયો. પથુભા જાડેજાએ ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, “સ્વાગત કાર્યક્રમથી સામાન્ય માણસને સાચે ન્યાય મળે છે.”આ સમગ્ર ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે જ્યારે ટેક્નોલોજી અને સંવેદનશીલ શાસન એકસાથે કાર્ય કરે છે, ત્યારે નાગરિકોના પ્રશ્નો ઝડપથી અને અસરકારક રીતે ઉકેલી શકાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી શરૂ થયેલ જન ફરિયાદ નિવારણનો આ અભિગમ ‘સ્વાગત’ આજે સુશાસનનું મજબૂત મોડેલ બની ચૂક્યો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સ્વાગત કાર્યક્રમમાં ટેક્નોલોજીના નવા આયામો જોડ્યા છે, જેના કારણે ફરિયાદોના નિરાકરણમાં પારદર્શિતા, જવાબદારી અને ઝડપ આવી છે. રાજ્ય સ્વાગતથી લઈને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્વાગત સુધી આ વ્યવસ્થા વિસ્તરતા, હવે રાજ્યના અંતિમ નાગરિક સુધી સરકાર પહોંચતી બની છે.રાજકોટ જિલ્લા સ્વાગત કાર્યક્રમની આ સફળતા માત્ર એક કેસ પૂરતી સીમિત નથી, પરંતુ તે બતાવે છે કે સરકાર અને વહીવટીતંત્ર જો ઇચ્છે તો સામાન્ય નાગરિકના પ્રશ્નોનું નિરાકરણ માનવીય અભિગમ સાથે શક્ય છે. ખોખરી ગામના ખેડૂતને મળેલો ન્યાય એ વિશ્વાસને વધુ મજબૂત કરે છે કે સ્વાગત કાર્યક્રમ સાચા અર્થમાં જનહિત માટે કાર્યરત છે અને આવનારા સમયમાં પણ નાગરિકોના પ્રશ્નોના નિરાકરણમાં મહત્વની ભૂમિકા ભજવતો રહેશે. Previous Post Next Post