થર્ટી ફર્સ્ટે રાજકોટ રૂરલ પોલીસ એલર્ટ: જમીનથી આકાશ સુધી કડક બંદોબસ્ત, 1645 જવાનો કરશે પાર્ટીઓ પર નજર Dec 30, 2025 નવા વર્ષના સ્વાગત માટે સમગ્ર દેશ સાથે રાજકોટમાં પણ લોકો ઉત્સાહભેર થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. દર વર્ષે 31 ડિસેમ્બરની રાત્રે પાર્ટીઓ, ડીજે, ફાર્મ હાઉસ અને ખુલ્લા વિસ્તારોમાં ઉજવણી થતી હોય છે, પરંતુ આ ઉજવણી દરમિયાન દારૂ, ડ્રગ્સ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના બનાવો પણ સામે આવતાં હોય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં થતી ખાનગી પાર્ટીઓ પોલીસ માટે મોટો પડકાર બની રહે છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ રૂરલ પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને જમીનની સાથે આકાશી નજર રાખવાની તૈયારી કરી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3 એએસપી, 3 ડીવાયએસપી સહિત કુલ 1645 પોલીસ અધિકારી અને જવાનોનો જંબો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ આ વિશેષ સુરક્ષા આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. એસપીના જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જના આઈજી શ્રી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ નવા વર્ષ પહેલાંના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પોલીસને વિશેષ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. કારણ કે આ સમયગાળા દરમિયાન ઉજવણીના બહાને દારૂ-ડ્રગ્સ સેવન, અવ્યવસ્થિત વાહનચાલન અને યુવતીઓની છેડતી જેવા બનાવો થવાની શક્યતા રહે છે.મળતી માહિતી મુજબ, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં બે સ્થળો પર થર્ટી ફર્સ્ટની પાર્ટી યોજવાની અધિકૃત મંજૂરી આપવામાં આવી છે. તેમ છતાં, ફાર્મ હાઉસ, ફેક્ટરી, નદીના કિનારા તેમજ ખેતરોમાં પણ બિનમંજૂર પાર્ટીઓ યોજાય તેવી સંભાવના હોય છે. આવી પાર્ટીઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે.આ બંદોબસ્તમાં 3 એએસપી, 3 ડીવાયએસપી, 27 પીઆઈ, 42 પીએસઆઈ, 620 પોલીસ જવાનો, 700 જીઆરડી અને 250 હોમગાર્ડ ત્રણ દિવસ સુધી સતત ખડેપગે રહેશે. સાથે સાથે ઇમરજન્સી સેવા માટે 112 ની 23 બોલેરો ગાડીઓ અને 80 બાઇક્સ સાથે પોલીસ ટીમો સમગ્ર જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરશે.ખાસ વાત એ છે કે, આ વર્ષે પોલીસ દ્વારા ટેક્નોલોજીનો વિશેષ ઉપયોગ કરવામાં આવશે. 175 બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો ફરજ પર રહેશે અને જ્યાં પણ કાર્યવાહી કરવામાં આવશે તે તમામ કાર્યવાહી રેકોર્ડ કરવામાં આવશે. આથી પારદર્શક અને અસરકારક કાર્યવાહી શક્ય બનશે. કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ‘વોર રૂમ’એસપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, થર્ટી ફર્સ્ટના દિવસે કંટ્રોલ રૂમને સ્પેશિયલ ‘વોર રૂમ’ તરીકે કાર્યરત કરવામાં આવશે. અહીંથી 112 સેવા પર આવતા તમામ કોલ્સનું સતત મોનીટરીંગ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ફરિયાદ કે માહિતી મળતા જ નજીકની પોલીસ ટીમને તાત્કાલિક મોકલવામાં આવશે. દારૂ-ડ્રગ્સ કરનાર બચી શકશે નહીંરૂરલ પોલીસ દ્વારા દારૂ અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહી માટે ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. ફાર્મ હાઉસ, ખેતરો અને નદીના કિનારા જેવા ખુલ્લા વિસ્તારોમાં થતી પાર્ટીઓ પર નજર રાખવા માટે નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. સાથે સાથે પોલીસ ટીમો પાસે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ અને બ્રેથએનાલાઇઝર પણ રહેશે. જેથી નશાની હાલતમાં મળનાર શખ્સો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી શકાય. એસપીની અપીલનવા વર્ષના આગમન પૂર્વે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ તેમણે અપીલ કરી છે કે, લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહી પરિવાર અને મિત્રોની સાથે સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરે.અંતમાં, થર્ટી ફર્સ્ટની રાત્રે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તમામ એએસપી, ડીવાયએસપી અને પીઆઈની બેઠક બોલાવી કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આથી, આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પોલીસનો કડક પહેરો રહેવાનો છે. Previous Post Next Post