દેશના સૌથી સ્વચ્છ શહેરમાં ઝેરી પાણી 3ના મોત, 100થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું સામે આવ્યું Dec 31, 2025 દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાંથી એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. સ્વચ્છતામાં વારંવાર પ્રથમ ક્રમે રહેલું ઈન્દોર શહેર હવે પીવાના દૂષિત પાણીના કારણે હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં પીવાના પાણીમાં ઝેરી તત્વો ભળતા ત્રણ લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે બીમાર બની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચિંતા ફેલાવી દીધી છે.અહેવાલ મુજબ, ભગીરથપુરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો સતત મળી રહી હતી. સ્થાનિકોએ નગર નિગમ અને વહીવટી તંત્રને વારંવાર આ અંગે જાણ કરી હતી, છતાં યોગ્ય પગલાં સમયસર લેવામાં આવ્યા ન હતા. પરિણામે આ પાણી પીવાથી મોટી સંખ્યામાં લોકોને ઉલટી, દસ્ત, પેટદર્દ અને ડિહાઈડ્રેશન જેવી ગંભીર તકલીફો શરૂ થઈ હતી. સ્થિતિ વધુ વણસતા દર્દીઓને નજીકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.આ દૂષિત પાણી પીવાના કારણે 70 વર્ષીય નંદલાલ પાલ, 60 વર્ષીય ઉર્મિલા યાદવ અને 65 વર્ષીય તારા કોરીના મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. જો કે, સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે મૃત્યુઆંક વધુ છે અને ઓછામાં ઓછા 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ 111 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા ભગીરથપુરા અને આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક આરોગ્ય તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને દવાઓ આપવામાં આવી રહી છે અને ગંભીર કેસોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.આ ઘટનાની ગંભીરતા જોતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમની સૂચનાથી નગર નિગમના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક ઝોનલ ઓફિસર અને એક આસિસ્ટન્ટ એન્જિનિયરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે એક સબ-એન્જિનિયરની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે IAS અધિકારીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.મુખ્યમંત્રી મોહન યાદવે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારોને રૂપિયા 2 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે ઈન્દોરના કલેક્ટર અને મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે કે દરેક દર્દીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે તેમજ પાણી પુરવઠા વ્યવસ્થામાં ક્યાં ખામી છે તેની તાત્કાલિક ઓળખ કરી સમસ્યાનો નિકાલ કરવામાં આવે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નર્મદા નદીનું પાણી પૂરું પાડતી પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળી ગયું હોવાની પૂરી શક્યતા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જે શહેર દેશભરમાં સ્વચ્છતાનું મોડેલ ગણાય છે, ત્યાં પીવાના પાણીની સુરક્ષામાં આવી ગંભીર લાપરવાહી કેવી રીતે થઈ શકે. રહેવાસીઓએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે મજબૂત વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.આ સમગ્ર ઘટનાએ સ્વચ્છતા અને આરોગ્ય વ્યવસ્થાની વાસ્તવિકતા સામે મોટો સવાલ ઉભો કર્યો છે. માત્ર દેખાવની સ્વચ્છતા નહીં પરંતુ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાની ગુણવત્તા જાળવવી કેટલીઘણી મહત્વપૂર્ણ છે તે ઈન્દોરની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે. Previous Post Next Post