નિરંજન શાહ સ્ટેડિયમમાં રોમાંચક જંગ : ભારત-એની બોલીંગ સમક્ષ દક્ષિણ આફ્રિકા-એના બેટર્સ ધ્રુજ્યા, 5 વિકેટે માત્ર 67 રન Nov 13, 2025 રાજકોટના ખંઢેરી ખાતે આવેલા નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત-એ અને દક્ષિણ આફ્રિકા-એ વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં આજે રસપ્રદ પરિસ્થિતિ સર્જાઈ હતી. દક્ષિણ આફ્રિકા-એએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલરોએ આરંભથી જ આક્રમક રમત દેખાડતાં મહેમાન ટીમના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. મેચના આરંભિક તબક્કામાં જ દક્ષિણ આફ્રિકાએ માત્ર 16 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, અને ત્યારબાદ પણ ટીમ સંભળી શકી નહોતી.ભારત તરફથી અર્શદીપ સિંહે પોતાની ઝેરભરી બોલીંગ સાથે શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાના બેટરોને બેકફૂટ પર ધકેલી દીધા હતા. પહેલી જ ઓવરમાં તેમણે ઓપનર રૂબીન હર્મનને ખાતું ખોલાવ્યા વિના જ તિલક વર્માના હાથમાં ઝીલાવી દીધો. આ જ ઓવરમાં ચોથા દડે વન-ડાઉન બેટર જોડર્ન હર્મન રનઆઉટ થઈ ગયો — તિલક વર્માના અદભુત થ્રોથી. માત્ર એક રનમાં બે વિકેટ ગુમાવતાં જ દક્ષિણ આફ્રિકાની સ્થિતિ નબળી પડી ગઈ હતી.બીજી ઓવરમાં પ્રસિધ્ધ કૃષ્ણાએ એકર મેનને અભિષેક શર્માના હાથમાં ઝીલાવી દેતાં મહેમાન ટીમનો સ્કોર 3 રનમાં 3 વિકેટ થયો હતો. એક તબક્કે એવું લાગતું હતું કે આખી ટીમ દશ રનમાં સમેટાઈ જશે.આ પછી મુન સામી અને કેસીલે થોડી પ્રતિરોધની ઝલક બતાવી હતી, પરંતુ 16 રનના સ્કોર પર અર્શદીપે ફરી હુમલો કરતા મુન સામીને 10 રને આઉટ કર્યો. આ સાથે દક્ષિણ આફ્રિકા 16 રનમાં 4 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. ત્યારબાદ કેસીલે અને ફોરસ્ટરે 37 રનની ભાગીદારી બનાવી ટીમને થોડો આધાર આપ્યો હતો. જ્યારે સ્કોર 53 રન થયો ત્યારે નિશાંત સિંધુએ કેસીલને ઇશાન કિશન દ્વારા શાનદાર સ્ટમ્પીંગ કરાવી આ ભાગીદારી તોડી નાખી.છેલ્લા સમાચાર મુજબ દક્ષિણ આફ્રિકા-એનો સ્કોર 5 વિકેટે 67 રન હતો. ફોરસ્ટર 26 અને પોટગીટર 11 રને બેટિંગ કરી રહ્યા હતા.ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ ઝટકીને દક્ષિણ આફ્રિકાને શરૂઆતમાં જ ભારે દબાણમાં મૂકી દીધું, જ્યારે પ્રસિધ્ધ કૃષ્ણા અને નિશાંત સિંધુએ 1-1 વિકેટ લીધી હતી.રાજકોટની વિકેટ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ ગણાય છે, પરંતુ આજે ભારતીય બોલરોએ લાઇન અને લેમ્બના શાનદાર સંયોજનથી પ્રવાસી ટીમના બેટરોને સંભાળવાનો મોકો જ આપ્યો નહીં.જો ભારત-એ પોતાની બોલીંગ ફોર્મ જાળવી રાખશે, તો આ પ્રથમ વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકા-એ માટે સંઘર્ષપૂર્ણ સ્થિતિ નિશ્ચિત છે. Previous Post Next Post