કુવાડવા રોડ પરની સરકારી જમીન પર ગૌશાળાના દબાણનો મામલો: જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા Nov 13, 2025 રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર અનઅધિકૃત રીતે ગૌશાળાઓ ખડકાઈ ગયાની ફરિયાદ સામે આવતા જિલ્લા કલેકટર ડૉ. ઓમપ્રકાશે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.કલેકટર ડૉ. ઓમપ્રકાશે જણાવ્યું કે, પ્રાંત અધિકારી-2 અને તાલુકા મામલતદારને આ મામલે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સૂચના અપાઈ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારની સરકારી જમીન પર દબાણ ખડકાયાની માહિતી મળી રહી છે, જેના આધારે સ્થળ તપાસ શરૂ કરવામાં આવી છે.પ્રાથમિક માહિતી મુજબ, કુવાડવા રોડ પરની સરકારી ખરાબાની જમીન પર બે ગૌશાળાઓના દબાણ ખડકાયા હોવાની ચર્ચા છે. મામલતદાર કચેરી દ્વારા ખાસ તપાસ ટીમ બનાવીને સ્થળની મુલાકાત લેવામાં આવી છે અને જમીનની માપણી તેમજ કબજાનું આકારણ પણ કરવામાં આવી રહ્યું છે.કલેકટર ડૉ. ઓમપ્રકાશે સ્પષ્ટ કર્યું કે, સરકારી જમીન પર થયેલા દબાણ અંગે કોઈપણ પ્રકારની ઢીલાશ બરદાશ્ત નહીં કરવામાં આવે અને તપાસ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ કસુરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.સ્થાનિક સ્તરે આ તપાસને કારણે હલચલ મચી ગઈ છે, કારણ કે કુવાડવા રોડ વિસ્તાર શહેરના વિસ્તરણ સાથે ઝડપથી વિકાસ પામી રહ્યો છે અને સરકારી જમીનો પર દબાણના કિસ્સાઓ વધતા જતા તંત્ર સતર્ક બન્યું છે. Previous Post Next Post