ઓખામાં કોસ્ટ ગાર્ડ જેટીના કામ દરમિયાન ફરી અકસ્માત: ત્રણ મજૂર દરીયામાં ખાબક્યા, રેસ્ક્યુ કરીને બચાવાયા Nov 13, 2025 દ્વારકા જિલ્લાના ઓખા બંદર વિસ્તારમાં ફરી એકવાર દુર્ઘટનાની ઘટના બની છે. અહીં કોસ્ટ ગાર્ડ જેટીના નિર્માણાધીન ભાગ ધસી પડતા ત્રણ મજૂરો દરીયામાં ખાબકયા હતા. ઘટના બનતાંજ સ્થળ પર ભારે અફડાતફડી મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, ઓખા ખાતે કોસ્ટ ગાર્ડની જેટીનું કામ બીએમએસ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુરુવારની સવારે જેટીનો એક ભાગ અચાનક ધસી પડતા ત્રણ મજૂર પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ નેવી અને મરીન પોલીસની ટીમો યુધ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.થોડી જ વારમાં ત્રણે મજૂરોને બચાવીને મીઠાપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સદભાગ્યે, સમયસર સહાય મળતા મોટી જાનહાનિ ટળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, 25 ડિસેમ્બર 2024ના રોજ પણ આ જ જેટીના નિર્માણ દરમ્યાન ક્રેઈન તૂટી પડવાની ઘટનામાં બે મજૂરોના મોત થયા હતા. સતત દુર્ઘટનાઓ સર્જાતાં જેટીનું કામકાજ અને તેની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે કામ દરમિયાન સુરક્ષા ધોરણોનું પાલન પૂરતું ન થવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાલમાં ઘટના અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. Previous Post Next Post