સુરત પાલિકામાં ખળભળાટ: 25 જેટલા યુનિયનને કાયદેસરતા માટે નોટિસ, 20 વર્ષ જૂના રજીસ્ટ્રેશન વિનાના યુનિયનને ઓફિસ ખાલી કરવાનો આદેશ Nov 13, 2025 સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી અનેક યુનિયન કાર્યરત છે, પરંતુ એમાંના મોટાભાગના યુનિયનોએ પોતાની કાયદેસર માન્યતા માટે જરૂરી રજીસ્ટ્રેશન કરાવ્યું જ નથી. કેટલાક યુનિયનોનું રજીસ્ટ્રેશન સુરતની બહાર, જેમ કે મહારાષ્ટ્ર, અમદાવાદ અને ગાંધીનગરમાં થયેલું છે, જેને લઈ હવે પાલિકામાં મોટો વિવાદ ઉભો થયો છે.તાજેતરમાં પાલિકાના ડેપ્યુટી કમિશનર નિધિ શિવાયે પહેલીવાર હિંમતભર્યો નિર્ણય લઈ 25 જેટલા યુનિયનોને કાયદેસર પુરાવા રજૂ કરવાની નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવાયું છે કે, જે યુનિયનોનું રજીસ્ટ્રેશન સુરત બહાર થયું છે, તેઓનું કાર્યક્ષેત્ર સુરતમાં કેવી રીતે માન્ય હોઈ શકે તેની સ્પષ્ટતા જરૂરી છે. સાથે જ, સાત દિવસની અંદર તમામ દસ્તાવેજો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.આ નિર્ણય પછી સુરત પાલિકામાં વર્ષોથી હાવી રહેલા અનેક યુનિયનોમાં હડકંપ મચી ગયો છે. નોટિસમાં જણાવાયું છે કે, જો યોગ્ય પુરાવા રજૂ નહીં થાય, તો સંબંધિત યુનિયન સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.પાલિકા સ્રોતો અનુસાર, કેટલીક યુનિયનો છેલ્લા 20 વર્ષથી શ્રમ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, છતાં તેઓ પાલિકા ઓફિસોમાં બેઠા છે અને “માન્ય યુનિયન” તરીકે કામ કરે છે. આ સંદર્ભે પાલિકાએ સ્પષ્ટતા માંગીને એ યુનિયનોને ઓફિસ ખાલી કરવા માટે પણ નોટિસ આપી છે. ખાસ કરીને “લાલ વાવટા યુનિયન”ને સાત દિવસમાં ઓફિસ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.નોટિસ મળેલા યુનિયનોમાં સુરત સુધરાઈ કામદાર મંડળ, સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર મંડળ, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ, સુરત મહાનગરપાલિકા સેવક મંડળ, દક્ષિણ ગુજરાત ઔદ્યોગિક મજદૂર સંઘ, સુરત મહાનગરપાલિકા ટેક્નિકલ સ્ટાફ મંડળ અને અનેક અન્ય યુનિયનનો સમાવેશ થાય છે.ડેપ્યુટી કમિશનર નિધિ શિવાયે વધુમાં યુનિયનોને છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને પાલિકા દ્વારા આપવામાં આવેલી ઓફિસ ફાળવણીના પુરાવા રજૂ કરવા પણ કહ્યું છે.આ કાર્યવાહીથી સુરત પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત યુનિયનો સામે આવી રીતે કાયદેસરતાની તપાસ શરૂ થઈ છે. આ નિર્ણયને ઘણા લોકો સ્વચ્છ પ્રશાસન તરફનું મહત્વનું પગલું ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક યુનિયનના નેતાઓ આ નિર્ણયને “યુનિયન તોડવાની કોશિશ” કહી વિરોધ પણ કરી રહ્યા છે.હાલ, સમગ્ર સુરત પાલિકામાં આ નોટિસને લઈને ચર્ચાનો માહોલ ગરમાયો છે અને આગામી દિવસોમાં યુનિયનોની પ્રતિક્રિયા સાથે તંત્રની કાર્યવાહી પર સૌની નજર ટકી છે. Previous Post Next Post