જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ Jan 15, 2026 જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી પતંગરસીયાઓએ ભારે ઉત્સાહ સાથે કરી હતી, પરંતુ આ ઉત્સવ દરમિયાન પતંગના દોરાએ અનેક લોકોને ઈજા પહોંચાડી હતી. શહેર અને આસપાસના વિસ્તારોમાં માત્ર એક જ દિવસે પતંગના દોરાના કારણે કુલ 23 વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઈજાગ્રસ્તોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી સારવાર અને પાટા-પીંડી કર્યા બાદ 21 લોકોને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. જો કે, બે વ્યક્તિઓને ગંભીર ઈજા થતાં હાલ પણ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.ગંભીર રીતે ઈજાગ્રસ્તોમાં હાપા વિસ્તારમાં રહેતા 40 વર્ષના રાજેશ મકવાણા નામના યુવાનનો સમાવેશ થાય છે. રાજેશ ગઈકાલે બપોરે નવા ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગના દોરાએ તેમના ગળાના નીચેના ભાગને ગંભીર રીતે કપાઈ નાખ્યો હતો. ભારે રક્તસ્ત્રાવ થતા તેમને તાત્કાલિક લોહી નીતરતી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે.આ ઉપરાંત, આંબેડકર બ્રિજ પરથી પસાર થઈ રહેલા ડોલન સમીરભાઈ દાસ (ઉંમર 42) નામના યુવાનને પણ પતંગના દોરાથી ગંભીર ઈજા થતાં જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ પણ હાલ સારવાર હેઠળ છે.ઉત્તરાયણના ઉત્સાહ વચ્ચે આવી ઘટનાઓ સામે આવતાં ફરી એકવાર પતંગના દોરા, ખાસ કરીને ચાઇનીઝ દોરાના જોખમ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં વધુ સાવચેતી અને જાગૃતિ માટે પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. Next Post