ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી Jan 16, 2026 સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ સવારના વહેલા કલાકોમાં ઠંડા પવનો સાથે શિયાળાની અસર અનુભવાઈ હતી, જો કે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં આંશિક વધારો નોંધાતા ઠંડીની તીવ્રતા થોડી ઘટતી જોવા મળી હતી. અમરેલી, નલિયા, જામનગર અને જુનાગઢ શહેરોમાં આજે પણ સિંગલ ડિઝિટ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જેના કારણે વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો.સૌથી ઠંડુ સ્થળ તરીકે ગિરનાર પર્વત આજે પણ 3.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડોગાર બની રહ્યો હતો. ગિરનાર ઉપર હિમ સમાન ઠંડીના કારણે વાતાવરણમાં બરફીલા પવનની અસર જોવા મળી હતી. જુનાગઢ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન 8.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે જામનગરમાં 9.5 ડિગ્રી, અમરેલીમાં 9.4 ડિગ્રી અને નલિયામાં 9.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.બીજી તરફ રાજકોટ સહિતના કેટલાક શહેરોમાં સવારના તાપમાનમાં આંશિક વધારો થતા ઠંડીની તીવ્રતા ઘટતી જોવા મળી હતી. રાજકોટ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી નોંધાયું હતું. પોરબંદરમાં 13.6, વેરાવળમાં 14.5, ભાવનગરમાં 14.4, ભુજમાં 12 ડિગ્રી, વડોદરામાં 11.8, અમદાવાદમાં 14.5 તથા સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો હતો. દિવમાં આજે સવારે 10.3 ડિગ્રી તાપમાન નોંધાતા તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. જ્યારે દ્વારકામાં 17.5, કંડલામાં 12.2 અને ઓખામાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરિયાઈ પવનની અસરથી કેટલાક વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બન્યો હતો.હવામાન વિભાગના અહેવાલ મુજબ કાશ્મીરમાં ભારે બરફવર્ષાના કારણે ઉત્તર ભારતમાં સર્જાયેલી ઠંડીની અસર સૌરાષ્ટ્ર-કચ્છ સુધી પહોંચી છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તરાયણની રાત્રે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. પારો 7.5 ડિગ્રી સુધી નીચે ઉતરી જતા ઠંડા પવનો સાથે જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. અનેક વિસ્તારોમાં મહત્તમ પારો એક સાથે 5 ડિગ્રી સુધી ઘટી ગયો હતો. આજે પણ મહત્તમ તાપમાન કેટલાક સ્થળોએ 9 ડિગ્રી સુધી નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાન 8.4 ડિગ્રી આસપાસ રહ્યું હતું. ગિરનાર ઉપર આજે પણ 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બરફીલા પવનની ગતિ ઘટીને પ્રતિ કલાક 2.6 કિલોમીટર નોંધાઈ હતી, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 84 ટકા થયું હતું.જામનગર શહેરમાં પોષ મહિનાના અંતિમ દિવસોમાં શિયાળો અસલ મિજાજમાં આવ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં ઠંડીનો પારો સતત નીચો રહેતા આજે ફરી એકવાર લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીના કારણે શહેરની બજારોમાં લોકોની અવરજવર ઘટી ગઈ હતી અને જાણે કુદરતી સંચારબંધી સર્જાઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.જામનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા રહેતા ઝાકળવર્ષા સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પવનની ગતિ પ્રતિ કલાક 2.9 કિલોમીટર નોંધાઈ હતી.ગોહિલવાડ પંથકમાં લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. ભાવનગર શહેરમાં આજે શુક્રવારે લઘુતમ તાપમાન ચાર ડિગ્રી વધીને 14.4 ડિગ્રી નોંધાયું હતું. સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા હતું, જ્યારે પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવાર અને રાત્રીના સમયે ઠંડી યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. Next Post