થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે પોલીસ પાસે 8 અરજીઓ, મંજૂરી સાથે કડક નિયમોનું ફરજિયાત પાલન જરૂરી Dec 27, 2025 થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. નાતાલના દિવસથી જ નવા વર્ષના સ્વાગત માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. શહેરના ભાગોળે આવેલા પાર્ટી પ્લોટ, રિસોર્ટ અને ફાર્મહાઉસમાં ખાનગી પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોય છે, જેને લઈ આ વર્ષે પોલીસ પાસે કુલ આઠ અરજીઓ મંજૂરી માટે આવી છે. આ તમામ અરજીઓ પર પોલીસ દ્વારા કડક નિયમો સાથે પરમીશન આપવામાં આવશે, અને નિયમોના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.આ બાબતે ડીસીપી ક્રાઇમ જગદિશ બાંગરવાએ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટની રાતે નાગરિકો સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે ક્રાઇમ બ્રાંચ તેમજ એસઓજીની ટીમો દ્વારા શહેરભરમાં સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને નશાખોરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે.ડીસીપી બાંગરવાએ વધુમાં જણાવ્યું કે, થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે અલગ-અલગ ઇવેન્ટ આયોજકો દ્વારા પોલીસ પાસે કુલ આઠ અરજીઓ આવી છે. આ તમામ સંચાલકોને ફરજિયાત રીતે ખાનગી સિક્યુરિટી વ્યવસ્થા રાખવા, પાર્ટી સ્થળે સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા તેમજ કોઈપણ પ્રકારના ડ્રગ્સ કે દારૂના સેવનને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત રાખવાની સૂચના આપવામાં આવી છે. પાર્ટીમાં આવનાર વ્યક્તિઓ પણ નશાની હાલતમાં ન હોવા જોઈએ તે બાબત ખાસ ધ્યાનમાં રાખવા જણાવાયું છે.પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ પણ સંચાલક કે પાર્ટી દરમ્યાન હાજર વ્યક્તિઓ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, મહિલાઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ પાર્ટીઓમાં સી-ટીમ તેમજ મહિલા પોલીસની ટીમ હાજર રહેશે, જેથી કોઈ પણ આવારા તત્વો પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.પોલીસના આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સુરક્ષિત વાતાવરણમાં નવા વર્ષની ઉજવણી કરવાની તક પૂરી પાડવાનો છે, જેથી થર્ટી ફર્સ્ટની રાત આનંદમય અને સલામત બની રહે. Previous Post Next Post