અમિત શાહ, CM–DCMએ પતંગ ચગાવી ઉજવી ઉત્તરાયણ, ગૌપૂજન અને પરિવાર સાથે સંસ્કૃતિનો સંદેશ, અમદાવાદમાં ઉત્સવ Jan 15, 2026 અમદાવાદમાં ગઈકાલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી રાજકીય અગ્રણીઓની હાજરીથી વિશેષ બની ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારજનો સાથે ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો. પતંગ ચગાવવાથી લઈને ગૌપૂજન અને દાન સુધી, પરંપરા અને સંસ્કૃતિનો સુમેળ જોવા મળ્યો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ આવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે નવા વાડજ સ્થિત અભિષેક એપાર્ટમેન્ટ ખાતે પરિવાર સાથે પતંગ મહોત્સવ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે પત્ની સોનલબેન શાહ, પુત્ર જય શાહ સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા. ઉત્તરાયણની ઉજવણી પૂર્વે અમિત શાહ ભગવાન જગન્નાથના દર્શન માટે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમણે ભગવાનના દર્શન કર્યા બાદ ગૌ માતાની પૂજા કરી ઘાસનું દાન પણ કર્યું હતું. ગૃહમંત્રીના આગમનથી મંદિરમાં ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.જગન્નાથ મંદિરના દર્શન બાદ અમિત શાહ નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જ્યાં તેમણે MIG-2 આવાસ યોજનાનું ભૂમિપૂજન કર્યું હતું. આ અવસરે તેમણે રાજ્યના નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ ઉત્તરાયણ પર્વને અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે અમદાવાદના વાડીગામ ખાતે મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવી પર્વનો આનંદ માણ્યો હતો. “જેમ પતંગ આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે” એવી ભાવના સાથે મુખ્યમંત્રીએ પતંગ ઉડાવ્યા હતા. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ પોળના રહીશોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ હર્ષનાદ અને અભિવાદન સાથે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના મગદલ્લા વિસ્તારમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે રિવુલેટ રેસિડેન્સીના ધાબા પર પતંગ ચગાવી પેચ લડાવ્યા હતા. સ્થાનિક રહીશોએ “કાઈપો ચે…”ના નાદ સાથે ઉત્સવમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત પીપલોદ ખાતે ગોવર્ધન હવેલીમાં ગૌ માતાને ઘાસ ખવડાવી ગૌપૂજન પણ કરવામાં આવ્યું હતું.મકરસંક્રાંતિ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ઉત્તરાયણ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પ્રેમ અને આત્મીયતાનો જીવંત અનુભવ છે. રંગબેરંગી પતંગો ગુજરાતની જીવંતતા અને ઉત્સવપ્રેમ દર્શાવે છે. પતંગની ડોર આપણને સંતુલન, શિસ્ત અને ધીરજ શીખવે છે.”તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તરાયણ પર્વે ઘર-ઘરમાં બનતું ઉંધીયું, તલના લાડુ, ચીકી અને પરંપરાગત સ્વાદો એકતા અને સંસ્કૃતિના પ્રતિક છે. જેમ ઉંધીયું વિવિધ શાકભાજીના મિશ્રણથી સ્વાદિષ્ટ બને છે, તેમ ગુજરાતની બહુરંગી સંસ્કૃતિ એકતાના તાંતણે ગૌરવશાળી બની છે. Next Post