જીતુભાઈ ગોટેચા - અવનવા વિચારો અને ઘટનાઓના સર્જક Jan 15, 2026 જીતુભાઈ ગોટેચા વિશે આગળ વાંચતા પહેલા 'ફનસ્ટ્રીટ', 'ચિત્રનગરી', 'મિશન સ્માર્ટ સિટી'... એવું કંઈ યાદ આવે છે?હા... તે ઘટનાના સર્જક છે શ્રી જીતુભાઈ ગોટેચા. જીતુભાઈએ લાઈફની શરૂઆતમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તરીકે સેવા આપી. ચાલુ નોકરીએ ઘરની જરૂરિયાત પૂરી કરવા શેરબજારમાં ઝંપલાવ્યું અને સફળ થયા. 53 વર્ષની ઉંમરે સ્વેચ્છિક નિવૃત્તિ લઈને ઈમિટેશનના ધંધામાં ઝંપલાવ્યું. જે આજે ખૂબ જ મોટું સ્વરૂપ પકડી ચૂક્યો છે.જીતુભાઈને સતત સમાજલક્ષી વિચારો આવતા હતા, તેમાંથી તેમણે કંઈક જુદું જ અને અનોખું કરવાની ભાવનાથી "મિશન સ્માર્ટ સિટી" રજીસ્ટર્ડ ટ્રસ્ટની 2015 માં સ્થાપના કરી.તે વર્ષમાં રાજકોટની પ્રજા પાંચ રૂપિયાની નાની નોટની ખૂબ અછત અનુભવતી હતી. પ્લાસ્ટિકની થેલીમાં પાંચ રૂપિયાની ખરાબમાં ખરાબ નોટ માર્કેટમાં ચાલતી હતી, જેનાથી અસ્વચ્છતા, બીમારી, ગંદકી ફેલાતી હતી. જીતુભાઈએ કોઈને ન સુઝે તેવું બીડું ઝડપ્યું. શહેરની પાંચની નોટને સિક્કામાં ફેરવવાનું. તેમણે SBI બેંક દ્વારા, રિઝર્વ બેંકના સપોર્ટથી ત્રણ મહિનામાં 85 લાખ રૂપિયાની પાંચ રૂપિયાની નોટ પાછી લઈ, પ્રજાને પાંચ રૂપિયાના સિક્કા આપ્યા. આખા ય સૌરાષ્ટ્રમાંથી પાંચની નોટ પાછી લઈને પાંચ રૂપિયાના સિક્કા આપવા માટે રાજકોટ શહેરમાં 12 સેન્ટર ખોલ્યા હતા. આ કાર્યમાં તેમને રઘુવીર ક્રેડિટ કો.ઓ. સોસાયટીના સભ્યોનો સંપૂર્ણ સાથ મળ્યો હતો.ત્યારબાદ તેમણે રસ્તાઓ પરથી પસાર થતા, શહેરની દિવાલો પર રાજકીય લખાણો, નાટકો, સિનેમાના પોસ્ટરો, જાહેરાતોના કારણે બદસૂરત દિવાલો જોઈ અને તેમને રાજકોટને "ચિત્રનગરી" બનાવવાનો વિચાર આવ્યો. તેમણે સ્વખર્ચે રાજકોટ શહેરની દિવાલોને પેઈન્ટર્સ પાસે ચીતરવાનું ચાલુ કર્યું. તે સમયના મ્યુનિસિપલ કમિશનર શ્રી નેહરા સાહેબે પણ ખૂબ જ સહકાર આપીને કલરની વ્યવસ્થા કરી આપી, અને આમ, રાજકોટને ચિત્રનગરી બનાવવાનું શરૂ થયું. શહેરની ઘણી જ દિવાલો પરના સુંદર પેઈન્ટિંગ એ જીતુભાઈની દેન છે. શહેરને સુંદર બનાવવાના આ પ્રયત્નોમાંથી જ "મિશન સ્માર્ટ સિટી" ટ્રસ્ટ બન્યું. આજે 1200 થી વધુ કલાકારો આ ટ્રસ્ટ સાથે જોડાઈ ચૂક્યા છે. રાજકોટ, મોરબી, મકનસર, ચોટીલા, વાંકાનેર... વગેરે રેલ્વે સ્ટેશનો પર, અમદાવાદની સાબરમતી જેલમાં, બ્રિજની દિવાલો... એમ અનેક કેનવાસ પર જીતુભાઈ 13 હજારથી વધુ સકારાત્મક ચિત્રો દોરાવી ચૂક્યા છે અને હાલ પણ તે પ્રવૃત્તિ ચાલુ છે. ત્યારબાદ એક સુંદર વિચારમાં તેમને લાગ્યું કે બાળકો હોય કે મોટા, લોકોનો સમય મોબાઈલમાં જ જાય છે. ઘર નાના થઈ ગયા, સ્કૂલોમાં ગ્રાઉન્ડ જોવા મળતા નથી કે વાહન વ્યવહારને હિસાબે બાળકો શેરીમાં રમી શકતા નથી. તેથી તેમણે કોર્પોરેશન પાસે મંજૂરી માંગીને દર રવિવારે સવારે 7 થી 9 દરમિયાન રેસકોર્સમાં જૂની વિસરાઈ ગયેલ રમતો રમાડવાનું ચાલુ કર્યું, જેને "ફનસ્ટ્રીટ" નામ આપ્યું. આ ફનસ્ટ્રીટમાં મ્યુઝીકલ ચેર, લંગડી, ખોખો, લખોટી, ભમરડો, ચેસ, કેરમ, સાપસીડી, લુડો, ડાન્સ, ગરબા... સહિત 30 થી 35 રમતો રસ્તા પર રમાડવાનું ચાલુ કર્યું. જે આજે સુધી અનુકૂળ વાતાવરણ હોય ત્યારે ચાલુ છે. દર રવિવારે તેનો લાભ ત્રણ થી ચાર હજાર માણસો લે છે.હમણાં 2024માં તેમને ફરીથી અનોખો વિચાર આવ્યો કે, હાલમાં લોકો કોઈપણ પ્રસંગે જમવા ભેગા થાય છે તે એક ઔપચારિક પ્રક્રિયા થઈ જાય છે. ક્યાંય લાગણી કે પ્રેમ ખાસ જોવા મળતા નથી. તેથી તેમણે "ચાલો મળીએ – જમીએ, કારણ વગર" – કાર્યક્રમનું આયોજન તા. 31 માર્ચ 2024 ના રોજ કર્યો. તેમાં 60 વર્ષ જૂની રસોઈ અને મીઠાઇઓ જેમ કે, પુરી, રોટલી, છાલવાળું બટેટાનું શાક, વાલ-કઠોળ, ભરેલા ટમેટા, મીક્ષ ભજીયા, મોહનથાળ, બુંદી-લાડુ, ભાવનગરી ગાંઠિયા... જેવું મેનુ રાખ્યું. બધાને કહ્યું કે, ઝભ્ભો કે સફારી પહેરીને આવજો. બહેનો ગુજરાતી સાડીમાં આવે. ગાયક કલાકારો સાથે લગ્ન ગીતો, ફટાણાં, લોકગીતો રજૂ કર્યા. જમીન પર બેસીને પંગતમાં જમવાનું, પીરસવા માટે મીત્રો અને કુટુંબીજનો હતા. યજમાન પોતે આગ્રહ કરીને મીઠાઈના બટકા ખવડાવતા હતા. જૂના જમાના પ્રમાણે હેબત રાખીને વધાવો કે ચાંદલો લેવામાં આવ્યો કે જે 60 વર્ષ જૂની પરંપરા મુજબ 2, 5, 11, 21 કે 51 રૂ. રખાતા હતા. આ પ્રસંગની પ્રસીદ્ધી એટલી થઈ હતી કે તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ પ્રસંગમાં સૌની સાથે પંગતમાં બેસીને જમ્યા હતા. બધાયે ખૂબ જ લાગણી અને પ્રેમસભર આ પ્રસંગને માણ્યો હતો.બચપણમાં ખૂબ જ સંઘર્ષમય જીવનમાં માતા-પિતા અને મોટાભાઈ શ્રી મહેન્દ્રભાઈએ ખૂબ જ મહેનત કરીને જીતુભાઈને ભણાવ્યા હતા.તેમના આવા અવનવા વિચારો અને ઘટનાઓના સર્જનમાં તેમના દીકરા શ્રી મૌલિકભાઈ અને પુત્રવધૂ શ્રી રશ્મિબેનનો પણ મોટો ફાળો છે. જીતુભાઈના નવા ભાવિ વિચારોમાં શહેરને સ્વચ્છ બનાવવાની અને ટ્રાફિક અવેરનેસ માટે જાગૃતિ ફેલાવવાની ઇચ્છા છે.ચિત્રનગરી અને ફનસ્ટ્રીટની પ્રવૃત્તિઓ માટે જીતુભાઈને અત્યાર સુધીમાં ઘણા માન-સન્માન મળ્યા, જેમાં મુખ્યત્વે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મળેલ સન્માન છે. તે ઉપરાંત કિર્લોસ્કર ગૃપ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રઘુવીર ક્રેડિટ સોસાયટી, પુરુષાર્થ યુવક મંડળ, સોસીયો પ્રાઈડ એવોર્ડ અને તાજેતરમાં જ ગાર્ડી એવોર્ડ દ્વારા અને અનેક સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે.જીતુભાઈ સંદેશ આપે છે કે "જીવનનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો. જીવનમાં કોઈ ચોક્કસ ધ્યેય બનાવો, પોતાના અંગત શોખ જેવા કે વાંચન, સંગીત, ધર્મકાર્ય, લોકસેવા... વગેરે વિકસાવો. સમાજને ઉપયોગી પ્રવૃત્તિ કરો. અન્ય લોકોની પ્રેરણા બનો. સમાજમાં કંઈક એવું વિશિષ્ટ કરો કે સમાજ તમને યાદ રાખે." Previous Post Next Post