સરદાર પટેલની 150મી જન્મજયંતિ: વાસદમાં સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રાનું આયોજન Nov 18, 2025 સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં વાસદ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં સાંસદ મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાસદ ગામથી એસ.વી.આઈ.ટી. કેમ્પસ સુધી 5.5 કિલોમીટરની પદયાત્રા થઈ.પદયાત્રાના પ્રારંભે સાંસદ મિતેશભાઈ સહિતના મહાનુભાવોએ વાસદ ગામમાં આવેલી સરદાર પટેલની અર્ધપ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર અર્પણ કરી ભાવાંજલિ આપી. ત્યારબાદ પદયાત્રાને ફ્લેગ ઓફ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર રમતવીરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ નિવૃત્ત સૈનિકો દિલીપસિંહ મહીડા અને નરેન્દ્રસિંહ પરમારનું સાંસદ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું.પ્રસંગિક પ્રવચનમાં સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને સરદાર પટેલના દેશની આઝાદી અને 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવવામાં આપેલા યોગદાનની યાદ અપાવવી છે.તેમણે ઉમેર્યું કે, સરદાર પટેલના કાર્યોથી પ્રેરણા લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ દેશને એકતામાં જોડવા પ્રયત્નશીલ છે. કાર્યક્રમના અંતે સ્વદેશીના શપથ લીધા ગયા અને એસ.વી.આઈ.ટી. કેમ્પસના પ્રાંગણમાં ઊભા કરાયેલા સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર, એસ.વી.આઈ.ટી.ના ચેરમેન ભાસ્કરભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો, આરોગ્ય કર્મીઓ, વન કર્મીઓ, એન.એસ.એસ. અને માય ભારત (My Bharat)ના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. Previous Post Next Post