62 વર્ષની વયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ફરી કર્યા લગ્ન, આ મામલે રચ્યો ઈતિહાસ Nov 29, 2025 ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બાનીઝે 62 વર્ષની વયે તેમના દીર્ઘકાળીન જીવનસાથી જોડી હેડન સાથે લગ્ન કરીને ઈતિહાસ રચ્યો છે. દેશના રાજકીય ઈતિહાસમાં પહેલી વાર કોઈ કાર્યરત વડા પ્રધાને સત્તાના પદ પર રહીને લગ્ન કર્યા છે, જેને કારણે આ ઘટના માત્ર વ્યક્તિગત જીવનની ઉજવણી નહીં, પરંતુ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય પણ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને દુનિયાભરમાં આ સમાચારને લઈને ભારે રસ જોવા મળ્યો છે.કેનબેરામાં વડા પ્રધાનના નિવાસસ્થાન ‘ધ લોજ’ ખાતે આ અત્યંત સિંપલ પરંતુ ભાવનાત્મક લગ્ન સમારોહ યોજાયો હતો. સમારોહમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનોને આમંત્રીત કરવામાં આવ્યા હતા. મીડિયામાંથી તમામ માહિતી ગોપનીય રાખવામાં આવી હતી અને લગ્નની તારીખથી લઈને તૈયારીઓ સુધીનું બધું સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યું હતું. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે અલ્બાનીઝ અને હેડન પોતાના સંબંધને જેટલી સરળતા અને નમ્રતાથી જીવતા આવ્યા છે, એટલી જ સૌમ્યતા સાથે તેમણે લગ્નનો દિવસ પણ ઉજવ્યો.જોડી હેડન વ્યવસાયે ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રોફેશનલ છે અને વિમેન એમ્પાવર્મેન્ટ માટે સક્રિય રીતે કામ કરે છે. તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી અલ્બાનીઝ સાથે જાહેર અને રાજકીય કાર્યક્રમોમાં દેખાતા રહ્યા છે. 2022ની ચૂંટણી દરમિયાન પણ જોડી હેડન અલ્બાનીઝ સાથે દરેક મહત્વના ક્ષણે હાજર રહ્યા હતા. અલ્બાનીઝે ગત વર્ષે વેલેન્ટાઈન ડેના દિવસે હેડનને પ્રપોઝ કર્યું હતું, ત્યારથી જ તેમની લગ્ન અંગે ચર્ચા શરૂ થઈ હતી.હેડને લગ્ન માટે સિડનીના જાણીતા ડિઝાઈનર રોમન્સ વોઝ બૉર્ન દ્વારા ડિઝાઈન કરાયેલ સુંદર ડ્રેસ પહેર્યો હતો. અલ્બાનીઝે ક્લાસિક MJ બેલનું સૂટ પસંદ કર્યું હતું, જે તેમની સરળતા અને ભવ્યતા બંનેને પ્રતિબિંબિત કરે છે. સમારોહમાં સૌથી દિલચસ્પ ક્ષણોમાં વડા પ્રધાનનું પાલતુ કૂતરું ‘ટોટો’ રિંગ બેરર તરીકે દેખાયું. હેડનની પાંચ વર્ષની ભાણેજ એલા એલા પણ ફ્લાવર ગર્લ તરીકે હાજર રહી, જે લગ્નને વધુ પરિવારિક અને મીઠો સ્પર્શ આપતી હતી.સમારોહ બાદ મહેમાનોને સિડનીના ઈનર વેસ્ટની પ્રખ્યાત બ્રૂઅરી ‘વિલી ધ બોટમેન’ દ્વારા બનાવવામાં આવેલી ખાસ બિયર સર્વ કરવામાં આવી હતી. આ બધું દર્શાવે છે કે સમારોહ કેટલી સરળતા અને વિચારપૂર્વક આયોજન કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. કોઈ રાજકીય ચમક-ધમક નહીં, કોઈ વિશેષ પ્રોટોકોલ નહીં — માત્ર ઉજવણી, પરિવાર અને ખુશીના પળો.વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ નવનવદંપતી હવે ઓસ્ટ્રેલિયામાં જ હનીમૂન મનાવશે અને તેનો તમામ ખર્ચ તેઓ પોતાનાં અંગત ખર્ચમાંથી જ ઉઠાવશે. દેશના વડા પ્રધાન તરીકે આ એક જવાબદાર અને પ્રશંસનીય નિર્ણય છે, જેને કારણે લોકોના દિલમાં તેમના પ્રત્યે વધારે માન વધ્યો છે.આ લગ્નને કારણે એન્થોની અલ્બાનીઝના વ્યક્તિગત જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. અલ્બાનીઝે વર્ષ 2000માં કાર્મેલ ટેબટ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2019માં તેમના 19 વર્ષના લગ્નનો અંત આવ્યો હતો. પહેલા લગ્નમાંથી તેમને એક દીકરો છે. જીવનના આ નવા તબક્કામાં અલ્બાનીઝ અને હેડન એક નવી શરૂઆત કરી રહ્યા છે અને સમગ્ર ઓસ્ટ્રેલિયાથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.સોશિયલ મીડિયા પર પણ આ લગ્ન ચર્ચાનો મુખ્ય વિષય બન્યા છે. લોકો અલ્બાનીઝની સરળતા, નોર્મલ જીવનશૈલી અને તેમની માનવીય મૂલ્યોની પ્રશંસા કરી રહ્યા છે. એક વડા પ્રધાન તરીકે તેમની કામગીરી જેટલી ચર્ચાસ્પદ છે, એટલા જ તેમના વ્યક્તિગત જીવનના આ મહત્વના નિર્ણયને પણ લોકોએ દિલથી સ્વીકાર્યો છે.આ લગ્ન માત્ર બે હૃદયોના જોડાણ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયાના રાજકીય ઈતિહાસમાં નોંધપાત્ર ક્ષણ પણ છે. નવો દંપતી હવે પોતાના જીવનના આગળના સફરની શરૂઆત કરી ચૂક્યો છે, અને સમગ્ર દેશમાં તેમને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. Previous Post Next Post