અટલ સરોવર: રાજકોટ સ્માર્ટ સિટીની ઓળખ બનતું લોકપ્રિય પર્યટન અને પર્યાવરણ પ્રોજેક્ટ Jan 23, 2026 સ્માર્ટ સીટી રાજકોટ અંતર્ગત વિકસાવવામાં આવેલું અટલ સરોવર આજે શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. માર્ચ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન થયા બાદ અને 1 મે 2024ના રોજ ગુજરાત સ્થાપના દિવસથી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયેલા આ સરોવરને અત્યાર સુધીમાં 20 મહિનામાં 14 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. આ આંકડો પોતે જ અટલ સરોવરની લોકપ્રિયતા અને સફળતાનો સાક્ષી બની રહ્યો છે.અટલ સરોવર 75 એકરના વિશાળ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે, જેમાં પર્યાવરણ જતન સાથે આધુનિક સુવિધાઓનો સુંદર સંગમ જોવા મળે છે. ખાસ કરીને ‘Reduce, Reuse અને Recycle’ એટલે કે ‘થ્રી-આર’ સિદ્ધાંત પર આધારિત આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રથમ વખત અમલમાં મૂકાયો છે. સરોવર અંતર્ગત 25 એકરમાં 477 મિલિયન લિટર જેટલી વરસાદી પાણી સંગ્રહ ક્ષમતા ઊભી કરવામાં આવી છે, જ્યારે બાકીના 50 એકરમાં હરિયાળી, મનોરંજન અને જાહેર સુવિધાઓ વિકસાવવામાં આવી છે.અટલ સરોવર માત્ર જળ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ જ નથી, પરંતુ નાગરિકો માટે મનોરંજન અને આરામદાયક સમય પસાર કરવા માટેનું આદર્શ સ્થળ પણ છે. અહીં આવેલા વિશાળ બગીચા, બાળ ઉદ્યાન, ફેરિસ વ્હીલ, બોટિંગ સુવિધા અને ટોય ટ્રેન બાળકો અને પરિવાર માટે ખાસ આકર્ષણરૂપ છે. સાથે સાથે નાગરિકો માટે વિકસિત ચાલવાનો ટ્રેક અને સાઇકલ ટ્રેક આરોગ્યપ્રેમીઓ માટે વધારાનું આકર્ષણ બની રહ્યા છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી અટલ સરોવર ખાતે સોલર પેનલ યુક્ત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અંદાજે 600 ફોર-વ્હીલર અને 1000 ટૂ-વ્હીલર માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. આ પગલું સ્માર્ટ સીટીના ટકાઉ વિકાસના વિચારને વધુ મજબૂત બનાવે છે.આ ઉપરાંત, અટલ સરોવર ખાતે બે વિશાળ એમ્ફીથિયેટર, પ્રવેશ પ્લાઝા, પાર્ટી પ્લોટ, 16 દુકાનો ધરાવતું ઓપન ફૂડ કોર્ટ, 12 દુકાનો સાથેનું ક્લોઝડ ફૂડ કોર્ટ તેમજ ગ્રામહાટ અંતર્ગત 42 દુકાનો વિકસાવવામાં આવી છે. આ તમામ વ્યવસ્થાઓથી માત્ર મુલાકાતીઓને સુવિધા મળે છે એટલું જ નહીં, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને સતત આવકનું સ્ત્રોત પણ પ્રાપ્ત થાય છે. એક વિશાળ ધ્વજસ્તંભ, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા અટલ સરોવરને એક આધુનિક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે.રાજકોટ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ કુલ 930 એકરના ગ્રીનફિલ્ડ વિસ્તારમાં ત્રણ તળાવો વિકસાવવાનું આયોજન છે. તેનો મુખ્ય હેતુ સ્ટોર્મવોટર નેટવર્ક દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. અટલ સરોવર આ યોજનાનું પ્રથમ અને સૌથી સફળ ઉદાહરણ બનીને સામે આવ્યું છે.આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 136 કરોડ છે, જેમાં આગામી 15 વર્ષ સુધીના સંચાલન અને જાળવણીનો સમાવેશ થાય છે. ચોમાસામાં કુદરતી રીતે સરોવરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, જ્યારે ઉનાળા દરમિયાન સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ટીટીપીમાંથી રિસાઇકલ પાણી પુરું પાડવામાં આવે છે, જે પાણીના જવાબદાર ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ છે.કુલ મળીને અટલ સરોવર આજે માત્ર એક સરોવર નહીં પરંતુ રાજકોટ શહેરની ઓળખ, પર્યાવરણ સંરક્ષણનો મજબૂત પ્રયાસ અને નાગરિકો માટેનું સર્વાંગી મનોરંજન કેન્દ્ર બની ગયું છે. આગામી સમયમાં પણ અટલ સરોવર રાજકોટ અને સૌરાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તે નિશ્ચિત છે. Previous Post Next Post