ઝોમેટોમાં ફૂડ મંગાવ્યા બાદ રોકડથી ચૂકવણી પર વધુ ચાર્જ લાગશે Sep 14, 2026 મુંબઈ,ખાવાનું ઓનલાઈન મંગાવીને ડિલિવરી સમયે રોકડમાં પૈસા ચૂકવતા ગ્રાહકો માટે ઝોમેટોએ નવી ફી લાગુ કરી છે. બિલમાં આ ફી ‘ડિલિવરી સમયે ચુકવણી ફી’ તરીકે દેખાશે. રોકડમાં ચુકવણી કરનારા ગ્રાહકોએ હવે ઓછામાં ઓછા રૂ.5 વધારાના ચૂકવવા પડશે.નવી ફી માત્ર ડિલિવરી સમયે રોકડમાં ચુકવણી કરનારા ગ્રાહકો પર લાગુ થશે. ઓર્ડરની કુલ કિંમત પ્રમાણે આ ફી અલગ-અલગ હોઈ શકે છે. જોકે, આ ફી કયા આધારે નક્કી કરવામાં આવે છે તેની ચોક્કસ માહિતી ઝોમેટોએ હજુ આપી નથી. એક્સ પર એક યુઝરે કરેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોકડમાં ચુકવણી કરનારા ગ્રાહકો પાસેથી ઝોમેટો રૂ.30 સુધીની ફી લઈ શકે છે. પોસ્ટ પ્રમાણે, આ ફી ઓર્ડરની કુલ કિંમતના 2% જેટલી હોઈ શકે છે અને તેની મહત્તમ મર્યાદા રૂ.30 રહેશે. અગાઉથી ઓનલાઈન ચુકવણી કરનારા ગ્રાહકો માટે આ વધારાની ફી લાગુ નહીં પડે. ઝોમેટોના ઓર્ડરના બિલમાં રોકડ ચુકવણીની નવી ફી ઉપરાંત પ્લેટફોર્મ ફી, ડિલિવરી ચાર્જ, પેકિંગ ચાર્જ અને અન્ય લાગુ પડતા ખર્ચ પણ હોઈ શકે છે. ઓર્ડરની કિંમત અને ડિલિવરીના અંતર પ્રમાણે આ રકમ બદલાઈ શકે છે. Previous Post Next Post