બાળકોના આરોગ્યની સુખાકારી માટે સરકારનો સંકલ્પ: લોધિકા તાલુકાના ખીરસરા ગામના કિશોરને બ્લડ કેન્સરની નિઃશુલ્ક સારવારથી મળ્યો નવો જીવનાવસર

બાળકોના આરોગ્યની સુખાકારી માટે સરકારનો સંકલ્પ: લોધિકા તાલુકાના ખીરસરા ગામના કિશોરને બ્લડ કેન્સરની નિઃશુલ્ક સારવારથી મળ્યો નવો જીવનાવસર

બાળકોના આરોગ્ય અને ભવિષ્યની સુરક્ષા માટે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતો “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” (RBSK) અનેક પરિવારો માટે આશાનો દીવો સાબિત થઈ રહ્યો છે. લોધિકા તાલુકાના ખીરસરા ગામના સામાન્ય પરિવારમાં ઉછરેલા 16 વર્ષના કિશોરની જીવનકથા તેનો જીવંત ઉદાહરણ છે. અચાનક બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમતા આ કિશોરને આર.બી.એસ.કે. અંતર્ગત સમયસર નિદાન અને વિનામૂલ્યે સુપર સ્પેશ્યાલિસ્ટ સારવાર મળી, જેના કારણે આજે તે સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યો છે.

હંમેશા ચહેરા પર સ્મિત, આંખોમાં સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યની આશાઓ ધરાવતો આ કિશોર થોડા સમયથી સતત થાક, કમજોરી અને તબિયત નાદુરસ્ત રહેવાની ફરિયાદ કરતો હતો. રક્તકણોની ઘટતી માત્રા અને આરોગ્ય બગડતા પરિવાર ચિંતામાં મુકાયો. સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાને દીકરાની ગંભીર બીમારી અને મોંઘી સારવારનો ખર્ચ સાંભળી જાણે ધરતી પગમાંથી સરકી ગઈ હોય તેવી લાગણી થઈ.

આવી મુશ્કેલ ઘડીમાં આશાનું કિરણ બની આવ્યો સરકારશ્રીનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. કિશોરની શાળામાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવેલી નિયમિત આરોગ્ય તપાસ દરમિયાન તેના લક્ષણો અસામાન્ય જણાતા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી. પ્રાથમિક તપાસ બાદ કિશોરને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ આસારવા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો.

અમદાવાદમાં છ મહિનાથી વધુ સમય સુધી ચાલેલી લાંબી અને કઠિન સારવાર દરમિયાન કિશોરે અદમ્ય હિંમત દાખવી. બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતા તેને ઉચ્ચ કક્ષાની સારવાર મળી અને આખરે તે બીમારીમાંથી સંપૂર્ણપણે સાજો થયો. સૌથી મહત્વની બાબત એ છે કે આ સમગ્ર સારવાર દરમિયાન પરિવારને એકપણ રૂપિયો ખર્ચવો પડ્યો નથી.

કિશોરના પિતાએ લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે, “મારો દીકરો અચાનક ખૂબ જ કમજોર થવા લાગ્યો હતો. સામાન્ય કામ કરવામાં પણ તેને તકલીફ પડતી. શાળામાં આર.બી.એસ.કે. ટીમની તપાસ બાદ સમયસર રિપોર્ટ કરાવાયા અને યોગ્ય સારવાર મળી. આજે મારો દીકરો સ્વસ્થ છે. હું સરકાર, જિલ્લા આરોગ્ય વિભાગ અને આર.બી.એસ.કે. ટીમનો દિલથી આભાર માનું છું.”

કિશોરની માતાએ પણ ભાવુક થઈને જણાવ્યું હતું કે, “મારા દીકરાને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી નવો જન્મ મળ્યો છે. છ મહિના સુધી ચાલેલી સારવારમાં તેણે ક્યારેય હિંમત હારી નથી. સરકારની આ યોજના ગરીબ પરિવારો માટે ભગવાન સમાન છે.”
 


લોધિકા તાલુકામાં આર.બી.એસ.કે. ડોક્ટર શાહિન અઘામે માહિતી આપતા જણાવ્યું હતું કે, “આર.બી.એસ.કે. અંતર્ગત નવજાત શિશુથી લઈ 18 વર્ષ સુધીના શાળાએ જતા અને ન જતા તમામ બાળકોની આરોગ્ય તપાસ અને જરૂરિયાત મુજબ સુપર સ્પેશ્યાલિસ્ટ સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. જન્મજાત ખામીઓ, વિકાસમાં વિલંબ, હ્રદયરોગ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સહિતના ગંભીર રોગોમાં ત્વરિત નિદાન અને સારવાર કરવામાં આવે છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “આ કિશોરની બીમારી પણ નિયમિત આરોગ્ય તપાસ દરમિયાન ઝડપાઈ હતી. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ, આર.બી.એસ.કે. લોધિકા ટીમના ડો. મોહિતસિંહ જાડેજા, શ્રી ખુશ્બુબેન સિંગલ અને શ્રી નિખિલભાઈના સંયુક્ત પ્રયત્નોથી આજે આ કિશોર સ્વસ્થ જીવન જીવી રહ્યો છે.”

હાલમાં આ કિશોર ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યો છે અને ફરીથી પોતાના સપનાઓ તરફ આગળ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં હાલ આર.બી.એસ.કે. અંતર્ગત 42 બાળકો કેન્સરની વિનામૂલ્યે સારવાર લઈ રહ્યા છે. સમયસર નિદાન અને સારવાર દ્વારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો સરકારનો સંકલ્પ આ ઘટનાથી સ્પષ્ટ થાય છે.

You may also like

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ૨૫થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ૨૫થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

ગાંધીનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ ધરાશાઈ થતાં દબાયેલા 15નું રેસ્ક્યૂ

ગાંધીનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ ધરાશાઈ થતાં દબાયેલા 15નું રેસ્ક્યૂ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ