રાજકોટ-ભાવનગર-જામનગર-જૂનાગઢ માટે સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ લોન્ચ, રૂ.1.80 લાખ કરોડના પ્રોજેક્ટ્સ જાહેર Jan 13, 2026 વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ગુજરાતના લોજિસ્ટિક્સ ક્ષેત્રને નવી દિશા આપતી મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ગુજરાતમાં ઉન્નત લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા માટે રાજ્ય અને શહેર લોજિસ્ટિક્સ યોજનાઓનું સંકલન’ વિષય પર યોજાયેલા સેમિનારમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ માટે ‘સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ’ તેમજ સમગ્ર રાજ્ય માટે ‘ગુજરાત સ્ટેટ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન’નું ભવ્ય રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી ડો. જયરામભાઈ ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સેમિનાર દરમિયાન લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ત્રણ મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ યોજનાઓ રાજ્યની આર્થિક ગતિશીલતા વધારવા અને ઉદ્યોગોને વધુ કાર્યક્ષમ માળખું પૂરુ પાડવા માટે માઈલસ્ટોન સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ઉદ્યોગ મંત્રી ડો. જયરામભાઈ ગામિતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય અને શહેર સ્તરની લોજિસ્ટિક્સ યોજનાઓનું સંકલન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝન અને ‘આત્મનિર્ભર ભારત’ મિશન સાથે સંપૂર્ણપણે સુસંગત છે. તેમણે ઉમેર્યું હતું કે, લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં સુધારાઓ થવાથી ઉદ્યોગોનો ખર્ચ ઘટશે, પરિવહન વધુ ઝડપી બનશે અને રાજ્યની સ્પર્ધાત્મક ક્ષમતા વધશે.આ માસ્ટર પ્લાન અને સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ અંતર્ગત અંદાજે રૂ. 1.80 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સની પાઈપલાઈન તૈયાર કરવામાં આવી છે. આ તમામ પ્રોજેક્ટ્સનું અમલીકરણ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કો વર્ષ 2026 થી 2030 દરમિયાન રૂ. 41.9 હજાર કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું આયોજન છે. બીજો તબક્કો વર્ષ 2031 થી 2035 દરમિયાન રૂ. 1.16 લાખ કરોડના રોકાણ સાથે અમલમાં મૂકવામાં આવશે, જ્યારે ત્રીજો અને અંતિમ તબક્કો વર્ષ 2036 થી 2047 દરમિયાન રૂ. 21.9 હજાર કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ માટે તૈયાર કરાયેલા સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા, માલસામાનના પરિવહનને સુવ્યવસ્થિત બનાવવા, પર્યાવરણને અનુકૂળ લોજિસ્ટિક્સ મોડલ વિકસાવવા અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર કેન્દ્રિત રહેશે. ખાસ કરીને બંદરો, ઔદ્યોગિક વિસ્તારો અને શહેરોના આંતરિક માર્ગજાળને વધુ કાર્યક્ષમ બનાવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.સેમિનારમાં ફ્લેન્ડર્સ-બેલ્જિયમના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનર સુશ્રી ઈવા વર્સ્ટ્રેલેન, નિપ્પોન કોઈ ઈન્ડિયાના ટાકુયા નાકાગાવા, એપીએમ ટર્મિનલ્સના શ્રી ક્લિન્ટ કાર્માઈકલ અને ડીપી વર્લ્ડ GCC ના યુસુફ તાંબવાલા સહિતના આંતરરાષ્ટ્રીય વક્તાઓએ પણ હાજરી આપી હતી. તેમણે વૈશ્વિક સ્તરે લોજિસ્ટિક્સ ક્ષેત્રના અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ, શૈક્ષણિક નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ પેનલ ચર્ચા દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા. લગભગ 100 જેટલા પ્રતિનિધિઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો.રાજ્ય સરકારની આ પહેલથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત આધાર મળશે, નવા રોજગાર અવસર ઊભા થશે અને ઉદ્યોગ વિકાસને વધુ વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. Previous Post Next Post