દેશની જાણીતી બેંકના શેર પર ફરી સંકટના વાદળો, ₹1960 કરોડના ફ્રોડ કેસમાં SFIO દ્વારા નવી તપાસ શરૂ Dec 25, 2025 દેશની જાણીતી ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંક માટે મુશ્કેલીઓ ફરી વધી રહી છે. આ વર્ષે સામે આવેલા લગભગ ₹1959.98 કરોડના મોટા છેતરપિંડીના કેસમાં હવે ફરી એકવાર તપાસ શરૂ કરવામાં આવી છે. ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય (SFIO) દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવતા રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે અને બેંકના શેરમાં ફરી કડાકાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.બેંકે તાજેતરમાં સ્ટોક એક્સચેન્જને આપેલી રેગ્યુલેટરી ફાઇલિંગમાં જાણકારી આપી હતી કે, SFIOએ કંપની એક્ટ, 2013ની કલમ 212 હેઠળ તપાસ શરૂ કરી છે. 23 ડિસેમ્બર, 2025ના રોજ SFIO તરફથી બેંકને પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં વિવિધ નાણાકીય વ્યવહારો અંગે વિગતવાર માહિતી અને દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. શું છે તપાસનો મુખ્ય મુદ્દો?આ તપાસમાં મુખ્યત્વે બેંકના ઇન્ટરનલ ડેરિવેટિવ્ઝ ટ્રેડના એકાઉન્ટિંગ, ‘અન્ય અસ્કયામતો અને જવાબદારીઓ’ હેઠળ દર્શાવાયેલા અસ્પષ્ટ બેલેન્સ અને માઇક્રોફાઇનાન્સ બિઝનેસમાંથી મળતી વ્યાજ તથા ફી આવકમાં થયેલી ગેરરીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.આ વર્ષના એપ્રિલ મહિનામાં બેંકના બાહ્ય ઓડિટરે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં ગંભીર અનિયમિતતાઓ દર્શાવી હતી, જેના કારણે 31 માર્ચ, 2025 સુધીના નફા-નુકસાન ખાતામાં ₹1959.98 કરોડની ગેરરીતિ સામે આવી હતી. અન્ય એક સ્વતંત્ર એજન્સીના રિપોર્ટ મુજબ, આ ગેરરીતિઓને કારણે બેંકની સંપત્તિ પર લગભગ ₹1979 કરોડની નકારાત્મક અસર થઈ હોવાનું અનુમાન છે. શેર પર શું થશે અસર?જ્યારે આ ફ્રોડ કેસ પહેલીવાર સામે આવ્યો હતો, ત્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ભારે તોફાન સર્જાયું હતું. ફેબ્રુઆરી 2025માં ₹1086 સુધી પહોંચેલો શેર, કૌભાંડના સમાચાર બાદ લગભગ 60 ટકા તૂટીને ₹606 સુધી આવી ગયો હતો. હાલ બુધવારના કારોબારમાં શેર ₹848.90 પર બંધ થયો હતો. જોકે, નાતાલ નિમિત્તે ગુરુવારે શેરબજાર બંધ હોવાથી હવે શુક્રવારે બજાર ખુલ્યા બાદ આ નવી તપાસની સીધી અસર શેર પર જોવા મળી શકે છે.નિષ્ણાતોનું માનવું છે કે SFIOની તપાસ આગળ વધતાં બજારમાં અનિશ્ચિતતા વધી શકે છે અને ટૂંકા ગાળામાં શેરમાં અસ્થિરતા રહેવાની પૂરી શક્યતા છે. Previous Post Next Post