સવા માસમાં 17,256 નવી નોંધણી સાથે રાજકોટ જિલ્લો રાજ્યમાં પ્રથમ, આઈ.સી.ડી.એસ. લાભાર્થીઓ એક લાખ પાર

સવા માસમાં 17,256 નવી નોંધણી સાથે રાજકોટ જિલ્લો રાજ્યમાં પ્રથમ, આઈ.સી.ડી.એસ. લાભાર્થીઓ એક લાખ પાર

રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. (Integrated Child Development Services) વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ નોંધણી ઝુંબેશના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. જિલ્લામાં આઈ.સી.ડી.એસ. યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. ખાસ કરીને વંચિત લાભાર્થીઓની નોંધણી પ્રક્રિયામાં રાજકોટ જિલ્લાએ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જે જિલ્લાની કાર્યક્ષમ આયોજન ક્ષમતા અને ટીમવર્કને દર્શાવે છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ 19 નવેમ્બર, 2025થી આઈ.સી.ડી.એસ. યોજનાના વંચિત લાભાર્થીઓની નોંધણી માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશના પરિણામે સવા માસની ટૂંકી અવધિમાં કુલ 17,256 નવા લાભાર્થીઓને પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં સફળતાપૂર્વક નોંધવામાં આવ્યા છે.
 

છેવાડાના માનવી સુધી પહોંચવાનો સુવ્યવસ્થિત પ્રયાસ

આ વિશેષ ઝુંબેશ અંતર્ગત રાજકોટ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો, વાડી વિસ્તાર, ઔદ્યોગિક વસાહતો તેમજ ઝુંપડપટ્ટીઓમાં વસતા વંચિત પરિવારો સુધી પહોંચવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ‘ટેકો’ એપ્લિકેશન તેમજ ગ્રામ પંચાયતના જન્મ-મરણ રજીસ્ટરની માહિતીના આધારે આઈ.સી.ડી.એસ. યોજનાથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવી હતી.

આ યાદીમાં સમાવિષ્ટ શૂન્ય માસથી છ વર્ષ સુધીના બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આંગણવાડી કાર્યકરો અને મુખ્ય સેવિકાઓ દ્વારા રૂબરૂ મળીને યોજનામાં સામેલ કરવામાં આવ્યા હતા. જરૂરી આધાર પુરાવા એકત્ર કરીને તેમની નોંધણી પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં કરવામાં આવી હતી.
 

મેગા કેમ્પ અને આધાર કેમ્પથી નોંધણીમાં વેગ

ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લામાં તમામ આઈ.સી.ડી.એસ. ઘટક કચેરીઓ હેઠળ એવા 10 આંગણવાડી કેન્દ્રોની પસંદગી કરવામાં આવી હતી, જ્યાં નોંધણી પાત્ર વંચિત લાભાર્થીઓની સંખ્યા વધુ હતી. આ રીતે દરેક ઘટક કચેરી ખાતે દરરોજ 10 મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રમાણે જિલ્લામાં કુલ 120 મેગા કેમ્પો યોજાયા હતા. સાથે સાથે બાકીના આંગણવાડી કેન્દ્રોમાં પણ નોંધણીની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી હતી. જે લાભાર્થીઓ પાસે આધાર કાર્ડ ઉપલબ્ધ ન હતું અથવા જેમાં વિગતો અપડેટ કરવાની જરૂર હતી, તેમના માટે ખાસ આધાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પાત્ર લાભાર્થી યોજનાથી વંચિત ન રહે.
 

દૈનિક મોનિટરિંગ અને સમીક્ષા

જિલ્લા કક્ષાએ પ્રોગ્રામ ઓફિસર દ્વારા દૈનિક ઓનલાઇન વિડિયો કોન્ફરન્સ મારફતે નોંધણી ઝુંબેશની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. આ સતત મોનિટરિંગના કારણે કામગીરીમાં ગતિ અને પારદર્શિતા જળવાઈ રહી હતી.

હાલ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં તાલુકા કક્ષાની કુલ 12 આઈ.સી.ડી.એસ. ઘટક કચેરીઓ અને 1,360 આંગણવાડી કેન્દ્રો મારફતે છેવાડાના માનવી સુધી પોષણ અને આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. નોંધણી ઝુંબેશ પૂર્ણ થયા બાદ પણ વંચિત રહી ગયેલા લાભાર્થીઓની નોંધણીની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે.
 

વંચિત પાત્ર લાભાર્થીઓને અપીલ

આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી જનકસિંહ ગોહિલે જણાવ્યું છે કે, જે કોઈ પાત્ર લાભાર્થીઓ હજુ પણ યોજનાના લાભથી વંચિત હોય, તેમણે જરૂરી આધાર પુરાવા સાથે નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ, જેથી તેઓને સરકારની પોષણ અને આરોગ્ય સંબંધિત યોજનાઓનો લાભ મળી શકે.

રાજકોટ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશ રાજ્ય માટે એક ઉત્તમ મોડેલ સાબિત થઈ છે, જે “સમાવેશક વિકાસ” અને “છેવાડાના માનવી સુધી સેવા”ના સરકારના સંકલ્પને મજબૂત બનાવે છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ