ઠંડીની તીવ્રતા: નલિયા 7°C, રાજકોટ 9.4°C, ગિરનાર 5.7°C, જુનાગઢમાં ભુજ કરતાં વધારે ઠંડી અનુભવાય Jan 03, 2026 રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છમાં શિયાળાએ આજે પોતાની અસલી તાકાત બતાવી હતી. ચાલુ સીઝનમાં પ્રથમ વખત ન્યુનતમ તાપમાન એક આંકડામાં ઉતરતાં વહેલી સવારથી જ કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. ઝાકળ, ઠંડા પવન અને ભેજના સંયોજનથી લોકો ઠુઠવાયા હતા અને જનજીવન પર ઠંડીની લહેરની સ્પષ્ટ અસર જોવા મળી હતી.ડિસેમ્બર મહિનો સામાન્ય કરતા ગરમ રહ્યો બાદ જાન્યુઆરીની શરૂઆતમાં અચાનક તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે સવારે રાજકોટ શહેરમાં લઘુતમ તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું હતું, જે ચાલુ શિયાળાની સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે. વહેલી સવારે લગભગ 6 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા અને વાતાવરણમાં ભેજ 92 ટકા સુધી પહોંચતાં શહેરના અનેક વિસ્તારોમાં ઝાકળ છવાઈ ગઈ હતી. ઠંડીના કારણે સવારથી જ લોકો ગરમ સ્વેટર, જેકેટ, શાલ અને ટોપીઓમાં લપેટાયેલા નજરે પડ્યા હતા. અનેક સ્થળોએ તાપણા સળગતા જોવા મળ્યા હતા.રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી કચ્છના નલિયા ખાતે નોંધાઈ હતી, જ્યાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી સુધી ઉતરી ગયું હતું. નલિયા સાથે રાજકોટ પણ આજે રાજ્યના સૌથી ઠંડા શહેરોમાં સામેલ રહ્યું હતું. બંને શહેરોમાં ભેજનું પ્રમાણ ઊંચું હોવાથી દૃશ્યતા પર પણ અસર પડી હતી અને વહેલી સવારમાં ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયું હતું.જુનાગઢમાં પણ આજે ઠંડીનો પારો નોંધપાત્ર રીતે નીચે ગયો હતો. શહેરમાં લઘુતમ તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગિરનાર પર્વત ઉપર તો તાપમાન 5.7 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ગિરનાર પર સહેલાણીઓ અને સાધુ-સંતો માટે ઠંડી અત્યંત કઠોર સાબિત થઈ હતી. ત્યાં પવનની ગતિ પ્રતિ કલાક 5.1 કિ.મી. નોંધાઈ હતી અને ભેજ 81 ટકા સુધી પહોંચ્યો હતો, જેના કારણે ઠંડીની તીવ્રતા વધુ વધી હતી. ભુજ કરતા જુનાગઢમાં વધુ ઠંડી નોંધાતા હવામાન નિષ્ણાતો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.પોરબંદર અને ભુજમાં પણ આજે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. પોરબંદરમાં લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી અને ભુજમાં પણ 11.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં વહેલી સવારે 12.8 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી અને ગાંધીનગરમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી. દમણમાં 17 ડિગ્રી, દિવમાં 15.8 ડિગ્રી, દ્વારકામાં 15.1 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, ઓખામાં 18.2 ડિગ્રી તથા વેરાવળમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. સુરતમાં પણ 16 ડિગ્રી સુધી પારો ઘટ્યો હતો.ભાવનગર અને ગોહિલવાડ પંથકમાં સવારથી જ ઠંડો પવન ફૂંકાતો રહ્યો હતો. ભાવનગરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું અને પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી હતી. ભેજનું પ્રમાણ 82 ટકા હોવાથી ઠંડીની તીવ્રતા વધુ અનુભવી હતી. લોકો અનિવાર્ય કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળતા નજરે પડ્યા હતા.જામનગર સહિત સૌરાષ્ટ્ર–કચ્છમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં અચાનક વધારો થયો છે. જામનગરમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું અને પવનની ગતિ 7.2 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચતાં શહેરીજનો ઠુઠવાયા હતા. મોડી રાત્રિથી સવારે 8 વાગ્યા સુધી રોડ રસ્તાઓ પર અવરજવર ઓછી જોવા મળી હતી. હવામાં ભેજ 76 ટકા સુધી વધતાં ઝાકળ છવાઈ રહી હતી.હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ પોષ સુદ પૂનમ આસપાસ દર વર્ષે ઠંડીની તીવ્રતા વધતી હોય છે અને આ વર્ષે પણ પોષ મહિનાની શરૂઆતમાં જ સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. ઉત્તર દિશાથી ફૂંકાતા ઠંડા પવન અને આકાશ સ્વચ્છ રહેવાના કારણે આવનારા દિવસોમાં પણ રાત્રીના તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઠંડીની આ લહેરને કારણે લોકોના દૈનિક જીવન પર સ્પષ્ટ અસર પડી છે અને આગામી દિવસોમાં પણ શિયાળો પોતાની હાજરી વધુ મજબૂતીથી નોંધાવશે તેવું લાગી રહ્યું છે. Previous Post Next Post