RMCએ 18 વર્ષ પહેલા જંક્શન રોડ પર કરેલું ડિમોલિશન કોર્ટે ગેરકાયદે ઠેરવ્યું

RMCએ 18 વર્ષ પહેલા જંક્શન રોડ પર કરેલું ડિમોલિશન કોર્ટે ગેરકાયદે ઠેરવ્યું

રાજકોટ ,

આર્થિક સંકડામણ અને આઘાતમાં 18 વર્ષો દરમ્યાન ૩૦ વેપારીઓનાં મોત અને એકનો આપઘાત

રાજકોટના અત્યંત વ્યસ્ત અને ધમધમતા જંક્શન મેઈન રોડ પર આજથી ૧૮ વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૮માં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી 82 જેટલી કેબિનો અને દુકાનો પર થયેલી ડિમોલિશનની એક કાર્યવાહી સામે આખરે ન્યાયનો સૂરજ ઉગ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા મનમાની ચલાવીને અચાનક ચલાવવામાં આવેલા આ બુલડોઝર રાજને અદાલતે ૧૮ વર્ષના લાંબા અંતરાલ બાદ સત્તાવાર રીતે ગેરકાયદે જાહેર કર્યો છે. આ ચુકાદાએ તંત્રની મનસ્વી કાર્યવાહી સામે એક મોટો સવાલ ઊભો કર્યો છે.

વર્ષ ૨૦૦૮માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા અચાનક ડિમોલિશનના કારણે અહીં વર્ષોથી વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નિરાશ્રિત થઈ આવેલા અસંખ્ય વેપારીઓ રાતોરાત બેરોજગાર બની ગયા હતા. અચાનક રોજગારી છીનવાઈ જવાથી અને માથે દેવું થઈ જવાથી વેપારીઓની આર્થિક કમર ભાંગી ગઈ હતી. પરિણામે, તીવ્ર માનસિક તાણ, આઘાત અને આર્થિક અસક્ષમતાના કારણે તબક્કાવાર ૩૦ જેટલા વેપારીઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વેપારીએ આઘાતમાં આવીને આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધું હતું. આ એક એવી કરુણાંતિકા હતી જેના ઘા પીડિત પરિવારો માટે ક્યારેય રૂઝાયા નહોતા.

કોર્ટના ઐતિહાસિક અને માનવતાવાદી ચુકાદાથી પીડિત પરિવારોને વૈકલ્પિક જગ્યા મળવાનો માર્ગ મોકળો 

આ લડાઈ એટલી લાંબી અને ખર્ચાળ સાબિત થઈ કે શરૂઆતમાં લડત આપનાર ૮૨ વેપારીઓમાંથી આર્થિક અક્ષમતા અને ગરીબીના કારણે મોટાભાગના લોકો પાછા હટી ગયા હતા. આખી ય કાનૂની લડાઈમાં માત્ર ૩૬ વેપારીઓ જ એવા હતા કે જેઓ છેક સુધી મક્કમ રહીને અદાલતમાં કાનૂની જંગ લડતા રહ્યા. આખરે આ અડગ મનોબળ અને સત્યની જીત થઈ છે. કોર્ટે તંત્રની કાર્યવાહીને ગેરકાયદે ઠેરવીને પીડિતો માટે રાહતના દરવાજા ખોલી આપ્યા છે. આ માનવતાવાદી ચુકાદાને પગલે હવે વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહેલા મૃતક વેપારીઓના પરિવારો અને બાકી રહેલા તમામ પીડિતોમાં એક નવી આશા જાગી છે કે તેમને યોગ્ય વૈકલ્પિક જગ્યા કે ન્યાય મળશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1900, 2012 અને 2013માં સ્ટેન્ડિંગ બેઠકમાં આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવાના ઠરાવો થયા હતા પણ તેનો અમલ હજી સુધી થયો નથી ત્યારે જ કોર્ટનો આ નિર્ણય આવતા હવે કોર્પોરેશનની ભૂમિકા પર સૌની નજર મંડાયેલી છે.