ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ગુમાવ્યા બાદ દિગ્ગજ ભારતીયને ઈંગ્લેન્ડનો કોચ બનાવવાની માગ! Dec 25, 2025 ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી એશિઝ ટેસ્ટ સીરિઝમાં સતત ત્રણ મેચ હાર્યા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારે સંકટમાં મુકાઈ ગઈ છે. 0-3થી પાછળ રહી સીરિઝ ગુમાવ્યા બાદ કેપ્ટન બેન સ્ટોક્સ અને હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમની ‘બેઝબોલ’ વ્યૂહરચનાની તીવ્ર ટીકા શરૂ થઈ છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓએ હવે ટીમના કોચિંગ સેટઅપમાં મોટો ફેરફાર કરવાની માંગ ઉઠાવી છે.ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને ઇંગ્લેન્ડનો આગામી હેડ કોચ બનાવવા માટે જોરદાર ભલામણ કરી છે. પાનેસરના કહેવા પ્રમાણે, ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવા માટે ઇંગ્લેન્ડને એવા કોચની જરૂર છે જેને કંગારૂ ટીમ સામે સફળતાનો અનુભવ હોય. મોન્ટી પાનેસરે શું કહ્યું?એક ઇન્ટરવ્યુમાં મોન્ટી પાનેસરે જણાવ્યું હતું કે,“રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તેમણે ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરઆંગણે હરાવ્યા છે. તેઓ જાણે છે કે ઓસ્ટ્રેલિયા સામે માનસિક, શારીરિક અને વ્યૂહાત્મક રીતે કેવી રીતે લડવું. ઇંગ્લેન્ડ જો આગળ વધવું ઈચ્છે છે, તો શાસ્ત્રીને જવાબદારી સોંપવી જોઈએ.” રવિ શાસ્ત્રીનો શાનદાર ટ્રેક રેકોર્ડરવિ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક સફળતા મેળવી છે. 2018-19માં ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી હતી. ત્યારબાદ 2020-21માં 36 રનથી ઓલઆઉટ થયા બાદ પણ ભારતીય ટીમે અદભૂત વાપસી કરી અને ઇજાઓથી ભરેલી ટીમ સાથે ફરી સીરિઝ જીતવાનો ઇતિહાસ રચ્યો હતો. આ સફળતા આજે પણ વૈશ્વિક ક્રિકેટમાં કોચિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. ‘બેઝબોલ’ વ્યૂહરચના પર ઊઠતા સવાલમે 2022માં બ્રેન્ડન મેક્કુલમ કોચ બન્યા બાદ ઇંગ્લેન્ડે શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 11માંથી 10 ટેસ્ટ જીતી લીધા હતા. પરંતુ હવે આક્રમક ‘બેઝબોલ’ શૈલી ઓસ્ટ્રેલિયા જેવા મજબૂત બોલિંગ યુનિટ સામે નિષ્ફળ સાબિત થઈ રહી છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક અભિગમ ઇંગ્લેન્ડ માટે આત્મઘાતી બની રહ્યો છે. ECB પર દબાણ વધ્યુંબ્રેન્ડન મેક્કુલમનો કરાર 2027ના વર્લ્ડ કપ સુધી છે, પરંતુ એશિઝમાં 0-3થી પાછળ રહી ગયા બાદ જો ઇંગ્લેન્ડ 0-5થી વ્હાઇટવોશ થાય, તો ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) માટે કડક નિર્ણય લેવાની ફરજ પડી શકે છે. આવી સ્થિતિમાં રવિ શાસ્ત્રીનું નામ સૌથી મજબૂત વિકલ્પ તરીકે સામે આવી રહ્યું છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે — શું રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડના કોચ બનવાની ઓફર સ્વીકારશે? આ પ્રશ્ન હાલ ક્રિકેટ જગતમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. Previous Post Next Post