નીખાલસ સ્વભાવ અને સેવાભાવી એવા માણસાઈના ડૉક્ટર વસંતલાલ કાસુંદ્રા Dec 25, 2025 ડૉ. વસંતલાલ ભગવાનજીભાઈ કાસુંદ્રાને મળીએ તો ક્યારેય આપણને એવું ન લાગે કે કોઈ ખુબજ મોટા ગજાના ડૉક્ટર સાથે બેઠા છીએ. અત્યંત નીખાલસ સ્વભાવ ધરાવતા ડૉ. કાસુંદ્રા તેમની નજદીક આવતા તમામ લોકોને ખુબ જ ઊંડાણપૂર્વક, તલસ્પર્શી મેડિકલ ગાઈડન્સ નિસ્વાર્થ ભાવે આપે છે. ખુબ જ સંઘર્ષ કરીને ડૉક્ટરની ડિગ્રી ધારણ કરેલ કાસુંદ્રા સાહેબની જીવનયાત્રા સેવા તરફ વળી ચુકી છે. ચાલો આપણે તેમના યાત્રાનું દર્શન કરીએ.શીક્ષણ માટેનો અસાધા-રણ સંઘર્ષ. ડૉ. વસંતલાલ ભગવાનજી ભાઈ કાસુંદ્રા, (M.B.B.S., PHFI, CCEBDM, ACMDC, GDM, PGCDM) ડૉ. કાસુંદ્રાનો જન્મ ધુનડા નામના નાનકડા ગામડામાં થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા હોવાથી અગાઉ કોઈ ફેમિલી મેમ્બર મેડિકલ લાઈનમાં ન હતા.10 ધોરણ સુધી વી.સી. હાઈસ્કૂલ મોરબી, 11 અને 12 ધોરણ વલ્લભ વિદ્યાનગર અને M.B.B.S. તેમણે એમ.પી. શાહ જામનગર કોલેજમાં કર્યું. પિતાશ્રી મગન ભાઈ અને ગોવિંદભાઈ તથા ભાઈશ્રી દુર્લભજીભાઈએ પેટે પાટા બાંધીને તેમને ભણાવ્યા. વ્યાજે પૈસા લઈને પણ પુત્રના ડૉક્ટર બનવાના સ્વપ્નને પુરું કર્યું. ડૉક્ટર બનવાનો સંઘર્ષ અને પ્રેરણા. નાનકડા ગામડામાં જન્મેલા ડૉ. કાસુંદ્રા કોઈપણ મેડિકલ ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા ન હતા. તેમના દાદા અને બીજા સંબંધીની તબિયત ખરાબ રહેતી તેથી તેમને લઈને અવારનવાર મોરબી જવું પડતું અને તેમની તબિયત વધારે ખરાબ થતી. આવા સંજોગોમાં તેમણે વિચાર્યું કે નાનામાં નાના ગામડામાં પણ મેડિકલ સર્વિસ અને હેલ્થ હોવા જોઈએ. આ બાબતથી તેમણે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. તે જમાનામાં તેમના પિતાશ્રી મગનભાઈ પોતાના સંતાનોને ભણાવતા તેથી તે વખતનો સમાજ તેમના પર ખુબ જ નેગેટિવ કટાક્ષ કરતો કે છોકરાઓને ભણાવીને તમારે શું કરવું છે. તમામ અવરોધોને અવગણીને સંઘર્ષ, સમર્પણ અને અડગ મનોબળથી વસંતભાઈએ ડૉક્ટરની ડિગ્રી મેળવી.આ સમયગાળામાં તેમના માતા-પિતાએ આપેલો એક જીવનમંત્ર આજે પણ તેમના સમગ્ર તબીબી સેવાનો આધારસ્તંભ છે. “ડૉક્ટર બન્યા પછી તમારા દરવાજે આવતો કોઈપણ દર્દી ક્યારેય પૈસાની તકલીફથી સારવાર વગર પાછો ન જવો જોઈએ,કારણ કે દરેક વ્યક્તિની પરિસ્થિતિ એકસરખી હોતી નથી.” જીવનસાથી અને મિત્રો. ડૉ. વસંતલાલ કાસુંદ્રા માટે જીવનમાં સૌથી મોટું આશ્વાસન અને પ્રેરણા તેમના પત્ની શોભના કાસુંદ્રા છે. આ ઉપરાંત ડૉ. મનોહર કોરવાડીયા, ડૉ. દીપક મહેતા, ડૉ. રશ્મિકાંત ઉપાધ્યાય, ડૉ. કુમુદ પટેલ જેવા અનેક મિત્રોએ તેમની જીવનયાત્રામાં મહત્વનો હિસ્સો ભજવ્યો છે. અધૂરા સ્વપ્નાઓ છતાં પૂર્ણ સંતોષ. MBBS થયા બાદ તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાનું સ્વપ્ન ધરાવતા હતા, પરંતુ આર્થિક તંગીને કારણે તે થઇ ન શક્યું. તેમણે અભ્યાસ પૂરો કર્યા બાદ ચાર વર્ષ જસદણમાં અને બે વર્ષ કચ્છમાં ડૉક્ટર તરીકે ગવર્મેન્ટ જોબ કરી. 40 ઇનડોર પેશન્ટ સહિત ડેઇલી 600 પેશન્ટ સુધીની અથાગ મહેનત તેમણે કરી છે. ફક્ત મેડીકલ સારવાર જ નહીં પરંતુ પોસ્ટમોર્ટમ અને MLC સહિત તમામ જવાબદારી તે નિભાવતા હતા. તબીબી સેવાની શ્રદ્ધાથી શરૂઆત.1991 માં ડૉ. કાસુંદ્રાએ જસદણ ખાતે "શ્રદ્ધા ક્લિનિક" શરૂ કર્યું. તેમને ભગવાન પર પુરી શ્રદ્ધા હતી કે હું મારા આ મેડિકલ સારવારની યાત્રામાં જરૂર સફળ થઇશ, તેથી તેમણે "શ્રદ્ધા" નામ પાડ્યું. શરૂઆતમાં ખુબ જ આર્થિક મુશ્કેલી, શરૂઆતમાં ખુબ જ ઓછા દર્દીઓ, મર્યાદિત સાધનો વગેરે હોવા છતાં તેમણે દર્દીને ભગવાન સમજીને કોઈપણ ભેદભાવ વિના નિષ્ઠા અને સંવેદનશીલતાથી મેડિકલ સારવાર આપવાનું ચાલુ કર્યું અને સમય જતાં તેમની સેવાભાવનાથી શ્રદ્ધા ક્લિનિક લોકોનાવિશ્વાસનું કેન્દ્ર બની ગયું.2017માં તેમણે રાજકોટમાં "સેલસ હોસ્પિટલ" ચાલુ કરી. "Salus" નો મિનિંગ થાય છે "Goddess of Health". જસદણ થી વધુ તકલીફ ધરાવતા દર્દીઓને સતત રાજકોટ ટ્રાન્સફર કરવા પડતા અને તેમને પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને તેમણે વિશાળ સાત માળની પોતાની જ હોસ્પિટલ રાજકોટ પર બનાવી. તેમાં ઓર્થોપેડિક, ન્યુરોસર્જન, જનરલ સર્જરી, નાક કાન ગળાના સર્જન, I.C.U. વગેરે છે. સીટી સ્કેન, X-ray, સોનોગ્રાફી, બ્રેન મેપિંગ માઈક્રોસ્કોપ, લેબોરેટરી, મેડિકલ સ્ટોર વગેરે સગવડતા આ હોસ્પિટલમાં છે. પરિવાર - સહભાગીપણું અને સફળતા. ડૉ. કાસુંદ્રા સેલસ હોસ્પિટલના સ્થાપક તથા માલિક છે. તેમના પુત્ર M.B.B.S ડૉક્ટર અભી કાસુંદ્રા દ્વારા "AARNEA Biodom OF API" તથા "FALLON NUTRACELL PVT. Ltd." જેવા આરોગ્ય સંબંધિત ઉદ્યોગો પણ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે. કૌટુંબિક સેવાભાવનાના સંસ્કાર અને મેડિકલ લાઈનની ઘણી ન ગમતી બાબતો ધ્યાને લઈને તેમના ડૉક્ટર પુત્ર અલીએ દવાઓ બનાવવાનું રો મટીરીયલ નું પ્રોડક્શન નું કામ સંભાળ્યું છે. ડૉ. કાસુંદ્રાએ પોતાના ત્રણેય ભાઈઓના પુત્રોને વ્યવસાયિક રીતે સ્થિર કરીને ક્ષમતા મુજબ આગળ વધારીને સુખી પરિવાર બનાવવાની પોતાની ફરજ નિભાવી છે. સામાજિક સેવા - તબીબી સેવા અને માનવધર્મ.ડૉ. કાસુંદ્રાએ "ચિત્રકૂટ સોસાયટી ચેરીટેબલ ટ્રસ્ટ" તથા "ઉમા સદન" ખાતે નિયમિત રીતે નિઃશુલ્ક પરામર્શ આપવાનું ચાલુ રાખ્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન તેમની હોસ્પિટલનો મૃત્યુદર સૌથી ઓછો હતો. અત્યંત આધુનિક છતાં સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ ન્યૂનતમ ચાર્જીસ થી લોકોને તેમણે લાભ કર્યા હતા. સિદ્ધનાથ મંદિર, રામપાર્ક 1, પુના રોડ પાસે તેમણે અસંખ્ય ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડાયાબિટીસ અવેરનેસ પ્રોગ્રામ, ગાર્ડી કોલેજમાં કેન્સર વિશે જાગૃતિ લાવતો સેમિનાર, મારવાડી કોલેજમાં બ્લડ પ્રેશર વિશે જનજાગૃતિ રાખતી સ્પીચ આપેલ. આ તમામ જગ્યાએ તેમણે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ ગોઠવેલા હતા.2014માં ગંભીર અકસ્માતમાં ડૉ. કાસુંદ્રા ઘણા લાંબા સમય સુધી કોમામાં રહ્યા હતા. તે દરમ્યાન તેમના પેશન્ટોએ તેમના સાજા થવા બાબતે ભગવાનની અનેક માનતાઓ માની. પરિવાર, પેશન્ટો અને શુભેચ્છકોની દુવાથી અને પ્રાર્થનાથી તેમને નવજીવન મળ્યું. ત્યારબાદ પેશન્ટો દ્વારા લેવાયેલ માનતા પુરી કરવા તે ભારતના 17 જેટલા વિવિધ પ્રદેશોમાં ગયા ત્યરે તેમને ઈશ્વર તરફથી એક સંપૂર્ણ સત્યનો પ્રકાશ આપવામાં આવ્યો કે " ડોક્ટરનો કોઈ ધર્મ કે જાતિ નથી, માત્ર માનવતા અને દયાનો ધર્મ છે.” વ્યાવસાયિક ઓળખ અને સંગઠનાત્મક ભૂમિકા.ડૉ. કાસુંદ્રા ફેમિલી ફિઝિશિયન એસો-સિએશન ના ભુતપૂર્વ પ્રમુખ હતા. IMA - ગુજરાત - રાજકોટ ઝોનના પૂર્વ ઉપપ્રમુખ હતા. RSSDI ના સક્રિય સભ્ય છે. તબીબી ક્ષેત્રના અવિરત યોગદાન બદલ તેમને IMA Gujarat State Branch દ્વારા વર્ષ 2024-25 માટે "ડૉ. વી.જી. કારિયા બેસ્ટ ક્લિનિક એવોર્ડ" (MBBS લેવલ) આપવામાં આવેલ છે. તેમજ Diabetes India દ્વારા આવનારા વર્ષ 2026, હૈદરાબાદ ખાતે યોજાનારા Fellowship of India માટે તેમની પસંદગી કરવામાં આવી છે. બેસ્ટ હોસ્પિટલ એવોર્ડ ઇન ગુજરાત નો એવોર્ડ પણ તેમને મળેલ છે. ડાયાબિટીસ અને બીપી સામે જાગૃતિનો સંકલ્પ.ડૉ. કાસુંદ્રાનો દ્રઢ વિશ્વાસ છે કે "રોગ થયા પછીની સારવાર કરતા રોગ થતો અટકાવવો એ જ સાચી તબીબી સેવા છે." આ માટે તેમણે વિવિધ કોલેજો અને સામાજિક મંચો પર નિઃશુલ્ક વ્યાખ્યાનો આપ્યા છે અને તેમણે સ્પષ્ટ અને ભારપૂર્વક કહ્યું છે કે "કોઈપણ સામાજિક સંસ્થા, એજ્યુકેશન સંસ્થા - વગેરે તેમને આ પ્રકારના જાગૃતિ અભિયાન માટે વ્યાખ્યાન માટે બોલાવશે તો તે નિઃશુલ્ક સેવા આપશે. એટલું જ નહીં પણ તે સ્થળે તેમની હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ પણ ગોઠવવામાં આવશે. ભવિષ્યની દ્રષ્ટિ - સ્વસ્થ યુવા પેઢી તરફનો સંકલ્પ. ડૉ. કાસુંદ્રા કહે છે કે "સમાજનું સાચું ભવિષ્ય તેની યુવા પેઢીના સ્વાસ્થ્ય પર આધારિત છે. આજના સમયમાં બદલાતી જીવનશૈલીના કારણે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓ યુવાન વયે જ જોવા મળે છે જે ચિંતાજનક છે. તેઓ આંકડા દ્વારા સમજાવે છે કે વર્ષ 1991માં માત્ર 2% લોકો ડાયાબિટીસ થી પીડાતા હતા, ત્યારે આજે આ પ્રમાણ વધીને લગભગ 12% થયું છે. બદલાતી જીવનશૈલી, તમાકુ, દારૂ, નશીલા પદાર્થો, ધૂમ્રપાન આ માટે મુખ્ય જવાબદાર છે." તેઓ યુવાનોને વ્યાખ્યાનો દ્વારા સ્વસ્થ જીવનશૈલી, યોગ્ય આહાર અને વજન, નિયમિત વ્યાયામ અને માનસિક સંતુલન ના મહત્વ વિશે સમજાવે છે. અત્યારે મેદસ્વીપણું મુખ્ય રોગ થઇ ચુક્યો છે જે કેન્સર, બીપી, સુગર તરફ દોરી જાય છે. તેથી ડૉ. કાસુંદ્રા મેદસ્વીપણું દુર કરવા વિશેનું મહત્વ પણ તેમના સ્પીચમાં સમજાવે છે.ડૉ. કાસુંદ્રા એ કહ્યું છે કે "હું ભગવાન ને રોજ પ્રાર્થના કરું છું કે મને મારી મહેનતનું જ આપજો, ક્યારેય ખોટું મારી પાસે ન આવી જાય તેવું કરજો, તેથી કુદરતના ચમત્કાર અને ભગવાનના આશીર્વાદ મેળવતો રહું.” ડૉ. કાસુંદ્રાની જીવનયાત્રા સંઘર્ષથી સેવા તરફ, અને સેવાથી સન્માન તરફની એક પ્રેરણાદાયી કહાની છે. જે આજની પેઢી અને આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહેશે. Previous Post Next Post