રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ઉદ્યોગકારો સાથે સંવાદ, વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા આહવાન

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ઉદ્યોગકારો સાથે સંવાદ, વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા આહવાન

રાજકોટ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે વિસ્તૃત સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે સતત ઉદ્યોગકારોની સાથે ઊભી હોવાની સ્પષ્ટ ખાતરી આપી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં રોકાણ વધારવા અને વિકાસને નવી દિશા આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થવાની છે. તેમણે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારોને આ કોન્ફરન્સમાં સક્રિય ભાગ લેવા આહવાન કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર 11 જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવવાના છે, જેનાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને મોટો બૂસ્ટ મળશે.

આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજ્યની ઔદ્યોગિક નીતિ હેઠળ 10,435 ઉદ્યોગ સાહસિકોને કુલ રૂ. 956.51 કરોડની પ્રોત્સાહક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઉદ્યોગ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત 137 ઉદ્યોગકારોને રૂ. 661 કરોડના મંજૂરીપત્રો પણ આપવામાં આવ્યા હતા.
 


ઉદ્યોગકારોને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યના ઉદ્યોગકારો પોતાના સાહસ અને રોકાણ દ્વારા હજારો-લાખો યુવાનોને રોજગારી આપી તેમના સપનાઓ સાકાર કરી રહ્યા છે. આવા સમયે રાજ્ય સરકાર પણ ઉદ્યોગકારોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવી, તેમને સરળતાથી રોકાણ અને ઉત્પાદન કરી શકાય તે માટે સકારાત્મક અને સહયોગી અભિગમ સાથે કાર્ય કરી રહી છે.

તેમણે રાજકોટને ગુજરાતનું “ગ્રોથ એન્જિન” ગણાવ્યું અને જણાવ્યું કે શહેર આજે રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રે રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ અંગે વાત કરતા તેમણે કહ્યું કે એમ.એસ.એમ.ઈ. સેક્ટર રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે અને આ સેક્ટરને મજબૂત બનાવવા માટે વહીવટી તથા કાગળ પરની પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવામાં આવી રહી છે.
 


ઉદ્યોગ વિભાગની કામગીરીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે અગાઉ રોજે રોજ સરેરાશ 225 સબસીડી મંજૂર થતી હતી, જે હવે વધીને 450 થઈ ગઈ છે અને નજીકના ભવિષ્યમાં રોજ 700 સબસીડી મંજૂર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યમાં ટૂંકા સમયમાં 16થી વધુ જીઆઈડીસી માટે જમીનની ઓળખ અને ફાળવણી કરવાનું કાર્ય મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જે પ્રશંસનીય છે.

પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજકોટ રાજ્યનો એક મહત્વનો ઔદ્યોગિક ગઢ છે અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ ઉદ્યોગકારોના પ્રશ્નો સરકાર સમક્ષ સતત રજૂ કરતા રહે છે, જેના કારણે રાજકોટની વિકાસયાત્રાને વેગ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ એક સાથે સૌરાષ્ટ્ર-કચ્છ આવીને ઉદ્યોગકારોના પ્રશ્નો સ્થળ પર જ સાંભળે અને ઉકેલ લાવે તે સરકારની ઉદ્યોગપ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ચાલી રહેલી વિકાસની તેજ ગતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગ જગત માટે નવા યુગનું પ્રવેશદ્વાર બનશે અને જિલ્લા સ્તરે યોજાયેલા કાર્યક્રમોના પરિણામે કરોડો રૂપિયાના એમઓયુ સાકાર થઈ રહ્યા છે.
 


કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્માએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી અને રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રગણ્ય ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ