રાજકોટ સહિત સૌરાષ્ટ્ર–કચ્છમાં વહેલી સવારથી ઝાકળવર્ષા, ઠંડીનો ચમકારો ફરી વધ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર–કચ્છમાં વહેલી સવારથી ઝાકળવર્ષા, ઠંડીનો ચમકારો ફરી વધ્યો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. ઉતર–પૂર્વીય પવનોના બદલે પશ્ચિમ દિશાના પવનો શરૂ થતા હવામાં ભેજનું પ્રમાણ મોટા ભાગના વિસ્તારોમાં 80થી 90 ટકા સુધી પહોંચી ગયું હતું. પરિણામે અનેક સ્થળોએ વહેલી સવારથી ઝાકળ અને ઘન ધુમ્મસ છવાઈ જતાં ઠંડીનો અહેસાસ ફરી વધ્યો હતો. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસ સુધી સવારના સમયે ઝાકળ અને ધુમ્મસ રહેવાની આગાહી કરી છે.

રાજકોટ શહેરમાં આજે સવારે હવામાં ભેજ 81 ટકા નોંધાયો હતો અને લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. વહેલી સવારથી શહેર અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ જતાં મુખ્ય માર્ગો અને હાઈવે પર વાહન ચાલકોને ખાસી મુશ્કેલી પડી હતી. દૃશ્યતા ઓછી થવાને કારણે અનેક વાહન ચાલકોને ગતિ ધીમી રાખવાની ફરજ પડી હતી.

સૌરાષ્ટ્ર–કચ્છમાં આજે સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી, જ્યાં લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. અમરેલીમાં 13.2 ડિગ્રી, રાજકોટ અને પોરબંદરમાં 14.2 ડિગ્રી, અમદાવાદમાં 14.8, ગાંધીનગરમાં 14, સુરતમાં 15.7, વડોદરામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં 15.6, ભુજમાં 15.7, કંડલામાં 16.5, વેરાવળમાં 18, દ્વારકામાં 18.5, ઓખામાં 19.8 અને દીવમાં 14.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ડિસામાં તાપમાન 13.6 ડિગ્રી સુધી ઘટ્યું હતું.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે ત્યાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું હતું. ગીરનાર પર્વત પર તો ઠંડી વધુ અનુભવાઈ હતી, જ્યાં પારો 8.8 ડિગ્રી સુધી નીચે ઉતર્યો હતો. વાતાવરણમાં ભેજ 82 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 2 કિલોમીટર જેટલી નોંધાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોમાં પણ આજે વહેલી સવારથી ઝાકળ અને ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે અહીં શિયાળામાં જોઈએ તેવી ઠંડી હજુ સુધી પડી નથી, પરંતુ આજે સવારથી ઠંડીનો અહેસાસ સ્પષ્ટ થયો હતો. ધુમ્મસના કારણે સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાના હાઈવે પર વાહન ચાલકોને વાહન ધીમા ચલાવવા પડ્યા હતા.

વહેલી સવારમાં ચાલવા નીકળેલા લોકો પણ પાછા ફરતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ જણાવ્યું કે લાંબા સમય બાદ આજે સાચી ઠંડી અનુભવાઈ છે. રાત્રિના સમયે ઝાકળ પડેલી હોવાના કારણે રસ્તાઓ અને ખુલ્લા વિસ્તારો ભીના જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાના રણ વિસ્તારમાં આજે વહેલી સવારે સૂર્યનારાયણના અનોખા દર્શન થયા હતા, જ્યાં આકાશમાં ધુમ્મસ અને ઝાકળ વચ્ચે મનમોહક નજારો જોવા મળ્યો હતો. આ નજારા વચ્ચે પણ અગરિયાઓ પોતાના દૈનિક કામમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નોંધાયો નથી અને તે સતત 29.6 ડિગ્રી આસપાસ રહ્યો છે. દિવસ દરમિયાન હળવી ધૂપ હોવા છતાં વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. જામનગરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 79 ટકા થયું હતું, જેના કારણે ઠંડી વધુ અનુભવાઈ હતી. પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાક 2.6 કિલોમીટર જેટલી રહી હતી.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ પવનોના કારણે ભેજ વધતા આગામી બે થી ત્રણ દિવસ સુધી સવારના સમયે ઝાકળ અને ધુમ્મસની સ્થિતિ યથાવત્ રહી શકે છે. આ દરમિયાન વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ વધશે, જ્યારે દિવસ દરમિયાન હળવી ધૂપ રહેવાની શક્યતા છે.

આ પરિસ્થિતિને કારણે લોકોએ ફરી એકવાર ગરમ વસ્ત્રો બહાર કાઢવા શરૂ કર્યા છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને વહેલી સવારમાં મુસાફરી કરનારાઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ