25 લાખ ઘરોમાં વીજળીનું બિલ 0! આ યોજનામાં ફ્રી 300 યુનિટ સાથે 78 હજારની સબસિડી: સરકારનો દાવો

25 લાખ ઘરોમાં વીજળીનું બિલ 0! આ યોજનામાં ફ્રી 300 યુનિટ સાથે 78 હજારની સબસિડી: સરકારનો દાવો

શિયાળામાં ગીઝર અને હીટર, જ્યારે ઉનાળામાં એસી અને ફ્રિજના ભારે વપરાશને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે વીજળીનું બિલ એક મોટી ચિંતા બની રહે છે. દર મહિને વધતું બિલ ઘરનાં બજેટને હચમચાવી નાખે છે. પરંતુ હવે કેન્દ્ર સરકારની એક મહત્વાકાંક્ષી યોજના લાખો પરિવારો માટે રાહત બનીને સામે આવી છે. ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ દેશના 25 લાખથી વધુ ઘરોમાં વીજળીનું બિલ શૂન્ય થઈ ગયું હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ફેબ્રુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની શરૂઆત કરી હતી. યોજનાનો મુખ્ય હેતુ ઘરગથ્થુ વીજળી ખર્ચ ઘટાડવાનો, સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાનો અને દેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના અંતર્ગત ઘરની છત પર સોલર પેનલ લગાવીને લાભાર્થીઓ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે છે.
 

સરકારનું મોટું લક્ષ્ય: 1 કરોડ ઘરો પર સોલર પેનલ

કેન્દ્ર સરકારનું લક્ષ્ય વર્ષ 2027 સુધીમાં દેશના 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર પેનલ લગાવવાનું છે. આ યોજના માત્ર વીજળી બિલમાં બચત પૂરતી સીમિત નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ એવી ક્લીન એનર્જીને પણ વેગ આપે છે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને પરંપરાગત ઊર્જા પરનો ભાર ઓછો કરવો એ પણ આ યોજનાના મુખ્ય ઉદ્દેશોમાં સામેલ છે.
 

ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનની બાબતમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં 4,93,161 ઘરોમાં સોલર પેનલ લગાવવામાં આવી છે. મહારાષ્ટ્ર 3,63,811 ઇન્સ્ટોલેશન સાથે બીજા અને ઉત્તર પ્રદેશ 3,02,140 સાથે ત્રીજા ક્રમે છે. આ યાદીમાં કેરળ (1,69,227) અને રાજસ્થાન (1,08,584) પણ ટોચના પાંચ રાજ્યોમાં સામેલ છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતના નાગરિકોએ નવી ટેક્નોલોજી અને સરકારી યોજનાનો ઝડપી સ્વીકાર કર્યો છે.
 

કેટલી મળે છે સબસિડી? જાણો વિગત

આ યોજનાની સૌથી આકર્ષક બાબત છે તેની મોટી સબસિડી. સરકાર દ્વારા સોલર પેનલ ઇન્સ્ટોલેશન માટે સીધી આર્થિક સહાય આપવામાં આવે છે.

  • 1 થી 2 કિલોવોટ સોલર સિસ્ટમ માટે ₹30,000 થી ₹60,000 સુધીની સબસિડી
  • 2 થી 3 કિલોવોટ અથવા તેથી વધુ ક્ષમતા ધરાવતી સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી

આ રકમ સીધી લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય છે. મહત્વની વાત એ છે કે સોલર પેનલનું આયુષ્ય અંદાજે 25 વર્ષનું હોય છે. એટલે એક વખતનું રોકાણ કર્યા બાદ લાંબા સમય સુધી વીજળી બિલની ચિંતા લગભગ સમાપ્ત થઈ જાય છે.
 

કેવી રીતે કરશો અરજી? સરળ ઓનલાઈન પ્રક્રિયા

પીએમ સૂર્ય ઘર યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને સરળ રાખવામાં આવી છે.

  1. સત્તાવાર વેબસાઇટ pmsuryaghar.gov.in પર જાઓ.
  2. ‘Apply for Rooftop Solar’ વિકલ્પ પસંદ કરો.
  3. તમારું રાજ્ય અને વીજ વિતરણ કંપની (જેમ કે PGVCL, MGVCL) પસંદ કરો.
  4. કન્ઝ્યુમર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ દ્વારા રજીસ્ટ્રેશન કરો.
  5. મંજૂરી મળ્યા બાદ રજિસ્ટર્ડ વેન્ડર પાસેથી સોલર પેનલ ઇન્સ્ટોલ કરાવો.
  6. નેટ મીટરિંગ પૂર્ણ થયા પછી સબસિડી સીધી ખાતામાં જમા થશે.
     

મધ્યમ વર્ગ માટે ગેમચેન્જર યોજના

વીજળી બિલમાં સતત વધારાથી પરેશાન મધ્યમ વર્ગ માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના સાચા અર્થમાં ગેમચેન્જર સાબિત થઈ રહી છે. સરકારનો દાવો છે કે લાખો પરિવારો આજે ‘શૂન્ય બિલ’ સાથે સ્વચ્છ ઊર્જાનો લાભ લઈ રહ્યા છે. આવનારા સમયમાં આ યોજના દેશના ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવશે, તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ