રાજકોટથી લાંબા અંતરની ટ્રેનોના ભાડામાં રૂા.10થી 55 સુધીનો વધારો, મુસાફરો પર વધ્યો આર્થિક બોજ

રાજકોટથી લાંબા અંતરની ટ્રેનોના ભાડામાં રૂા.10થી 55 સુધીનો વધારો, મુસાફરો પર વધ્યો આર્થિક બોજ

રાજકોટ સહિત દેશભરના રેલ મુસાફરોને વર્ષના અંતે ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ભારતીય રેલવેએ આજથી લાંબા અંતરની ટ્રેનોના ભાડામાં દર કિલોમીટર દીઠ 1થી 2 પૈસાનો વધારો અમલમાં મૂક્યો છે, જેના કારણે રાજકોટથી ઉપડતી અને પસાર થતી અનેક લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી મોંઘી બની ગઈ છે. આ વધારાથી રાજકોટથી વિવિધ રાજ્યો તરફ જતાં મુસાફરોને હવે રૂા.10થી લઈને રૂા.55 સુધી વધારાનું ભાડું ચૂકવવું પડશે.

રેલવેના આ નિર્ણયથી મુંબઈ, દિલ્હી, પુના, બેંગ્લોર, હૈદરાબાદ, હરિદ્વાર, જમ્મુ-કાશ્મીર, રામેશ્વરમ, તમિલનાડુ અને જગન્નાથપુરી જેવા લાંબા અંતરના રૂટ પર સ્લીપર તેમજ એસી કોચની મુસાફરી વધુ મોંઘી થઈ છે. રાજકોટથી ઉપડતી દૈનિક, સાપ્તાહિક તેમજ પસાર થતી તમામ લાંબા અંતરની ટ્રેનોમાં આજથી આ ભાડા વધારો અમલમાં આવ્યો છે.

રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 215 કિલોમીટરથી ઓછી અંતરની મુસાફરી અને માસિક સીઝન ટિકિટ ધારકો માટે કોઈ વધારો લાગુ નહીં પડે. જોકે, 215 કિલોમીટરથી વધુ અંતરની મુસાફરી કરતા મુસાફરોને વધારાનું ભાડું ચૂકવવું પડશે. સ્લીપર કલાસમાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો અને મેઈલ-એક્સપ્રેસ એસી કોચમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો લાગુ કરાયો છે.

જો કોઈ મુસાફર નોન-એસી ટ્રેનમાં 500 કિલોમીટરની મુસાફરી કરે તો તેને સરેરાશ રૂા.10 જેટલો વધારાનો ખર્ચ સહન કરવો પડશે. લાંબા અંતરની મુસાફરીમાં આ વધારો નોંધપાત્ર બન્યો છે. રાજકોટથી રામેશ્વરમ સુધી સ્લીપર કલાસમાં રૂા.55, દિલ્હી રૂા.50, જમ્મુ-કાશ્મીર રૂા.40, બનારસ રૂા.35 અને હરિદ્વાર રૂા.30નો વધારો થયો છે.

એસી કોચમાં તો આ વધારો વધુ ભારે છે. રાજકોટથી રામેશ્વરમ માટે એસી કોચમાં રૂા.62, દિલ્હી રૂા.75, જમ્મુ રૂા.40, બનારસ રૂા.40 અને હરિદ્વાર રૂા.30 જેટલો વધારો થયો છે. સ્લીપરની સરખામણીએ એસી કોચનું ભાડું વધુ મોંઘું થતાં મધ્યમ વર્ગના અને નોકરીયાત મુસાફરો પર આર્થિક બોજ વધ્યો છે.

લાંબા અંતરની સાથે સાથે આંતરરાજ્ય અને જિલ્લાકક્ષાની મુસાફરીમાં પણ વધારો થયો છે. રાજકોટથી અમદાવાદ, વડોદરા (બરોડા), દ્વારકા અને સોમનાથ જેવા રૂટ પર રૂા.5થી 10 અને કેટલીક જગ્યાએ રૂા.20 સુધીનો વધારો લાગુ થયો છે. રાજકોટ-અમદાવાદ વંદે ભારત ટ્રેનના ભાડામાં પણ રૂા.5થી 10નો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

રેલવે દ્વારા નાના લોકલ રૂટના મુસાફરો અને સીઝન ટિકિટ ધારકોને આ વધારાથી રાહત આપવામાં આવી છે. 215 કિલોમીટર સુધીની મુસાફરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, સૌરાષ્ટ્ર અને રાજકોટના મુસાફરો માટે દેશના વિવિધ દૂરના રાજ્યોમાં જતાં ટિકિટ ભાડામાં વધારો થવાથી પ્રવાસ ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષમાં આ બીજી વખત રેલ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ગત 1લી જુલાઈ, 2025ના રોજ પણ ભારતીય રેલવેએ ભાડામાં વધારો કર્યો હતો. તે સમયે 500 કિલોમીટર સુધી કોઈ વધારો ન હતો, જ્યારે 501થી 1500 કિલોમીટર માટે રૂા.5, 2500 કિલોમીટર સુધી રૂા.10 અને 2501થી 3000 કિલોમીટર સુધી રૂા.15નો વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરીથી 26મી ડિસેમ્બરથી પ્રતિ કિલોમીટર 1થી 2 પૈસાનો વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે.

રેલવે તંત્રનું કહેવું છે કે આ ભાડા વધારો ઓપરેશનલ ખર્ચમાં વધારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા માટે જરૂરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વધારાથી રેલવેને અંદાજે રૂા.600 કરોડની વધારાની આવક થવાની સંભાવના છે.

પરંતુ મુસાફરોનું કહેવું છે કે સતત વધતા ભાડાંને કારણે રેલ મુસાફરી હવે ધીમે ધીમે મોંઘી બની રહી છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો અને પરિવાર સાથે પ્રવાસ કરતા મધ્યમ વર્ગ માટે આ વધારો મુશ્કેલીરૂપ સાબિત થઈ રહ્યો છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ