નકલી દવાઓનો કારોબાર: સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવ પર ગંભીર જોખમ

નકલી દવાઓનો કારોબાર: સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવ પર ગંભીર જોખમ

ભારતમાં જેમ રોજિંદી ઉપયોગની વસ્તુઓની નકલ સરળતાથી બજારમાં પ્રવેશી જાય છે, તેમ હવે નકલી દવાઓનો ખતરનાક કારોબાર પણ ગંભીર સમસ્યા બની ગયો છે. ચિંતાજનક બાબત એ છે કે નકલી દવાઓ દેખાવમાં એટલી અસલી લાગે છે કે દર્દી તો દૂર, પરંતુ અનુભવી કેમિસ્ટ પણ ઘણી વખત તેની ઓળખ કરી શકતા નથી. પેકેજિંગ, ગોળીનો રંગ, આકાર અને બ્રાન્ડ નામ સુધી બધું જ અસલી જેવું હોવાથી નકલી દવાઓ દર્દીઓના જીવ માટે ઘાતક સાબિત થઈ રહી છે.

રાજકોટમાં અત્યાર સુધી નકલી દવાઓના મોટા કિસ્સાઓ સામે આવ્યા નહોતા, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી પરિસ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ, ગયા એક વર્ષમાં રાજકોટમાં નકલી દવાઓના ઓછામાં ઓછા ત્રણ ગંભીર કિસ્સા સામે આવ્યા છે, જેના કારણે શહેરના ફાર્મા વેપારીઓ અને કેમિસ્ટોમાં ચિંતા વધી છે. બે મહિના પહેલાં જ પ્રેગનન્સી તેમજ દાંત અને હાડકાની સર્જરીમાં ઉપયોગમાં લેવાતી નકલી દવાઓનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ જથ્થો માત્ર રાજકોટ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ તેનો સપ્લાય થતો હોવાનું બહાર આવ્યું હતું.

એક અંદાજ મુજબ, રાજકોટમાં દરરોજ અંદાજે રૂ. 2 કરોડની દવાઓનું વેચાણ થાય છે, જેમાં લાઈફ સેવિંગ તેમજ લાઈફસ્ટાઈલ ડિસીઝની દવાઓનો સમાવેશ થાય છે. શહેરમાં આશરે 1400 જેટલા કેમિસ્ટ સ્ટોર્સ મારફતે આ દવાઓનું વેચાણ થાય છે. આટલા મોટા માર્કેટમાં જો નકલી દવાઓ પ્રવેશ કરે, તો તેની અસર હજારો દર્દીઓના સ્વાસ્થ્ય પર પડે તે સ્વાભાવિક છે.

નકલી દવાઓમાં સામાન્ય રીતે ખોટી કે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આવી દવાઓ દર્દીને કોઈ ફાયદો કરતી નથી, ઉલ્ટું બીમારી વધારે ગંભીર બની શકે છે. ઘણી વખત યોગ્ય સારવાર ન મળવાથી દર્દીનું સ્વાસ્થ્ય બગડે છે અને ગંભીર સ્થિતિમાં જીવ પણ જોખમમાં મુકાય છે. ખાસ કરીને કેન્સર, હૃદયરોગ, પ્રેગનન્સી અને સર્જરી સંબંધિત દવાઓ નકલી હોવી દર્દી માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આ વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ કેમિસ્ટ એસોસિએશને તેના સભ્યોને ચેતવણી આપી છે કે કંપનીની અધિકૃત ચેનલ સિવાય અન્ય કોઈ સ્ત્રોતમાંથી દવાઓની ખરીદી ન કરવામાં આવે. એસોસિએશને સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ સભ્ય વેપારી બહારગામથી કે શંકાસ્પદ સ્ત્રોતમાંથી દવા ખરીદતો ઝડપાશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ કેમિસ્ટ એસોસિએશનના માનદ મંત્રી અનિમેશ દેસાઈ જણાવે છે કે, “નકલી દવાઓ એટલી કુશળતાથી બનાવવામાં આવે છે કે ઘણી વખત અમે પણ તેને તરત ઓળખી શકતા નથી. ક્યારેક મેગ્નિફાઇંગ ગ્લાસથી જોતા સ્પેલિંગની ભૂલ કે પેકેજિંગની નાની ત્રુટિ પરથી જ શંકા જાય છે.” આ સ્થિતિ દર્શાવે છે કે નકલી દવાઓ ઓળખવા માટે હાલ કોઈ મજબૂત અને સરળ મિકેનિઝમ ઉપલબ્ધ નથી.

ફાર્માસ્યુટિકલ કંપનીઓ નવી દવાઓના સંશોધન માટે કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. નકલી દવાઓનો કારોબાર માત્ર દર્દીઓ માટે જ નહીં, પરંતુ કંપનીઓ માટે પણ મોટું નુકસાન છે. તેમ છતાં, કંપનીઓ પણ નકલી દવાઓ ઓળખવામાં ઘણી વખત નિષ્ફળ જાય છે અને હવે આ સમસ્યાથી થાકી ગઈ હોવાનું તેઓ ખુદ સ્વીકારે છે.

હાલમાં કેટલીક મોટી ફાર્મા કંપનીઓએ દવાના પેકેટ પર QR કોડ લગાવવાનું શરૂ કર્યું છે, જેને સ્કેન કરીને દવા અસલી છે કે નકલી તેની માહિતી મળી શકે છે. પરંતુ ભારતમાં ગ્રાહકોમાં હજી એટલી જાગૃતિ નથી કે તેઓ દવા લેતા પહેલાં QR કોડ સ્કેન કરે. અવેરનેસનો અભાવ આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે.

નિષ્ણાતોનું માનવું છે કે જો સરકાર નકલી દવાઓ સામે સખ્ત અને સતત કાર્યવાહી નહીં કરે, તો આવનાર સમયમાં આ કાળો કારોબાર વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. દર્દીઓના જીવ સાથે થતી આ છેડછાડ રોકવા માટે સરકાર, ફાર્મા કંપનીઓ, કેમિસ્ટો અને સામાન્ય નાગરિકો – સૌએ મળીને જાગૃત થવાની જરૂર છે. નહીં તો નકલી દવાઓનો આ કારોબાર આરોગ્ય ક્ષેત્ર માટે સૌથી મોટો ખતરો બની રહેશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ