ડોલર સામે રૂપિયો તૂટતાં વિદેશ પ્રવાસ 8થી 10 ટકા મોંઘો, ઇન્ટરનેશનલ યાત્રા પર ભારે અસર અને પ્રવાસીઓમાં કચવાટ Dec 19, 2025 ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનથી દેશની આંતરરાષ્ટ્રીય યાત્રા અને પ્રવાસ ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને દિવાળી બાદ શરૂ થતી કારતક-માગશર માસની લગ્નસરાની સીઝનમાં હનીમુન અને ફેમિલી ઇન્ટરનેશનલ ટુર પેકેજ પર મોટો ફટકો પડ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયો ડોલર સામે લગભગ 6થી 7 રૂપિયા સુધી તૂટતા વિદેશ પ્રવાસનો કુલ ખર્ચ 8થી 10 ટકા સુધી વધી ગયો છે, જેના કારણે પ્રવાસીઓ તેમજ ટુર-ટ્રાવેલ્સ એજન્ટો બંનેમાં કચવાટ જોવા મળી રહ્યો છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિદેશ યાત્રા માટે ટુર પેકેજ બુક કરાવતા હોય છે. દુબઈ, યુએસએ, જાપાન, શ્રીલંકા, બાલી, સિંગાપોર, વિયેતનામ જેવા દેશો હનીમુન કપલ્સ અને ગ્રુપ ટુર માટે સૌથી વધુ લોકપ્રિય છે. પરંતુ હાલની સ્થિતિમાં ડોલર મજબૂત થવાથી હોટલ બુકિંગ, લોકલ ટ્રાન્સપોર્ટ, દર્શન સ્થળોની ટિકિટ તેમજ ભોજન સહિતના તમામ ખર્ચમાં વધારો થયો છે. તેની સીધી અસર ટુર પેકેજના ભાવ પર પડી છે.ટુર-ટ્રાવેલ્સ એજન્ટોના જણાવ્યા મુજબ, પેકેજ ટુરમાં સામાન્ય રીતે અગાઉથી ભાવ નક્કી કરી લેવામાં આવતા હોય છે. પરંતુ અચાનક ડોલર વધતા ઘણા એજન્ટોના માર્જિન ધોવાઈ ગયા છે. કેટલાક કિસ્સાઓમાં એજન્ટોને ગ્રાહકોને જૂના ભાવ પર જ ટુર પૂરી પાડવી પડી રહી છે, જેથી નફામાં મોટો ઘટાડો થયો છે. રાજકોટના જાણીતા ટુર-ટ્રાવેલ્સ સંચાલકો કહે છે કે, જો આવી જ સ્થિતિ આગળ પણ ચાલુ રહેશે તો નાના અને મધ્યમ સ્તરના એજન્ટો માટે ટકી રહેવું મુશ્કેલ બની શકે છે.આ સાથે એરલાઈન્સ કંપનીઓએ પણ એરફેરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ઇંધણ ખર્ચ, વૈશ્વિક બજારમાં માંગ-પુરવઠાની અસમતુલા અને કરન્સી ફેરફારને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ભાડા ઊંચા ગયા છે. પરિણામે, હનીમુન માટે વિદેશ જવાની યોજના બનાવતા યુવા કપલ્સ હવે વધુ ખર્ચને કારણે મુંજવણ અનુભવી રહ્યા છે. ઘણા લોકો વિદેશ ટુરને સ્થગિત કરી સ્થાનિક અથવા ડોમેસ્ટિક ડેસ્ટિનેશન તરફ વળતા જોવા મળી રહ્યા છે.લગ્નસરાની સીઝન પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે હનીમુન ટુરની માંગ વધી જાય છે, પરંતુ આ વર્ષે વધતા ખર્ચે આ માંગને અસર પહોંચાડી છે. એક વર્ષના ગાળામાં ઇન્ટરનેશનલ ટુરના ખર્ચમાં કુલ મળીને 8થી 10 ટકાનો વધારો નોંધાયો છે, જે સામાન્ય મધ્યમ વર્ગના પ્રવાસી માટે મોટો આર્થિક બોજ સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને યુરોપ અને અમેરિકા જેવા દેશોની ટુર હવે વધુ ખર્ચાળ બની ગઈ છે.આગામી 25 ડિસેમ્બરના ક્રિસમસ અને નાતાલ પર્વની રજાઓને ધ્યાનમાં રાખીને સામાન્ય રીતે વિદેશ પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ થતું હોય છે. પરંતુ હાલની સ્થિતિમાં વિદેશી ટુર માટે ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ ખર્ચ વધારાની ફરિયાદ કરી રહ્યા છે, જ્યારે એજન્ટો પોતાના માર્જિન બચાવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે.ટુરિઝમ ઉદ્યોગના જાણકારો માને છે કે, જો રૂપિયો ડોલર સામે વધુ તૂટશે તો આવનારા સમયમાં વિદેશ પ્રવાસ હજી મોંઘો બનશે. આવી સ્થિતિમાં સરકાર તરફથી કોઈ રાહત કે નીતિગત સહાય મળે તો જ ઉદ્યોગને સંભાળવું સરળ બનશે. હાલ તો ડોલર ઈફેક્ટના કારણે ઇન્ટરનેશનલ યાત્રા સામાન્ય લોકોની પહોંચથી ધીમે ધીમે દૂર થતી જઈ રહી છે, જે પ્રવાસ ઉદ્યોગ માટે ચિંતાજનક સંકેત ગણાય છે. Previous Post Next Post