રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર સશક્ત નારી મેળાનો શુભારંભ, પ્રવિણાબેન રંગાણીના હસ્તે 112 સ્ટોલ સ્વદેશી વેચાણ

રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર સશક્ત નારી મેળાનો શુભારંભ, પ્રવિણાબેન રંગાણીના હસ્તે 112 સ્ટોલ સ્વદેશી વેચાણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અને મહિલા સશક્તિકરણને વેગ આપવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી રીતે યોજાતો ‘સશક્ત નારી મેળા’નો રાજકોટમાં ભવ્ય પ્રારંભ થયો છે. રાજકોટ શહેરના 150 ફુટ રિંગ રોડ પર આવેલા રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટ ખાતે આયોજિત આ મેળાનો ઉદ્ઘાટન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

‘સશક્ત નારી મેળા’ માત્ર એક વેચાણ મેળો નથી, પરંતુ નારીશક્તિ, સ્વદેશી ઉત્પાદનો અને આત્મનિર્ભરતાનો ઉત્સવ છે. ઉદ્ઘાટન પ્રસંગે પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, આ મેળો સુશાસન સપ્તાહ, હર ઘર સ્વદેશી અભિયાન અને વિકસિત ગુજરાત 2047ના રોડમેપ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. મહિલાઓ સ્વરોજગાર અને ઉદ્યોગ દ્વારા આત્મનિર્ભર બને તો સમગ્ર પરિવાર, સમાજ અને રાજ્ય આત્મનિર્ભર બનશે. તેમણે રાજકોટવાસીઓને અપીલ કરી હતી કે, વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ ખરીદી મહિલાઓના હાથે બનતા ઉત્પાદનોને પ્રોત્સાહન આપે.

ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર નારી થકી આત્મનિર્ભર પરિવાર અને તેમાંથી આત્મનિર્ભર ગુજરાત તથા આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. જ્યારે ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સરકાર આયોજિત આવા મેળાઓ મહિલાઓને માત્ર વેચાણનો મંચ જ નહીં પરંતુ માર્કેટિંગની વ્યવહારિક સમજ અને આત્મવિશ્વાસ પણ આપે છે, જે લાંબા ગાળે તેમને સ્વાવલંબી બનાવે છે.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ પ્રકારના વેચાણ સહ પ્રદર્શન મેળાઓ ગ્રામ્ય ઉદ્યોગકારો, મહિલા સ્વસહાય જૂથો, નાના વેપારીઓ અને કારીગરો માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બન્યા છે. મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા સ્વદેશી અને હસ્તનિર્મિત ઉત્પાદનોને સીધા ગ્રાહક સુધી પહોંચાડવાની આ એક અસરકારક વ્યવસ્થા છે. આવા મેળાઓથી સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળે છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણીએ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે લાઇવલીહૂડ મેનેજર વી.બી. બસીયાએ આભારવિધિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.

ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત આ ‘સશક્ત નારી મેળો’ તા. 21 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. મેળામાં કુલ 112 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. જેમાં ગ્રામ વિકાસ વિભાગના 30, મહિલા અને આર્થિક વિકાસ નિગમના 25, કોટેજ અને ઈન્ડસ્ટ્રીઝના 26, કૃષિ વિભાગના 15, વન અને પર્યાવરણ વિભાગના 4, કો-ઓપરેટિવ સેક્ટરના 10 તેમજ સેન્ટ્રલ જેલના 2 સ્ટોલનો સમાવેશ થાય છે.

મેળામાં વિવિધ પ્રકારની સ્વદેશી અને ઘરઉદ્યોગ આધારિત વસ્તુઓ ઉપલબ્ધ છે. તેમાં અડદના પાપડ, વિવિધ મુખવાસ, ખાટી અને ગોળ કેરી સંભાર, ગરમ મસાલા, થાબડી પેંડા, આયુર્વેદિક ઉત્પાદનો, ઓર્ગેનિક સાબુ-શેમ્પૂ, પર્સ અને હેન્ડબેગ, ભગવાનના વાઘા-વસ્ત્ર, પથ્થરની શિલ્પવસ્તુઓ સહિત અનેક ઉપયોગી અને પરંપરાગત ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

આ મેળો માત્ર ખરીદી માટે જ નહીં, પરંતુ મહિલાઓની મહેનત, સર્જનશીલતા અને આત્મવિશ્વાસને ઓળખવાનો એક ઉત્તમ અવસર છે. ‘સશક્ત નારી મેળા’ દ્વારા રાજકોટમાં મહિલા સશક્તિકરણનો સંદેશ વધુ મજબૂત બન્યો છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને નવી દિશા મળી છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ