ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનું સમાપન, ડ્રગ્સ સામેની લડાઈને ‘જંગ’ ગણાવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક સંદેશ

ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનું સમાપન, ડ્રગ્સ સામેની લડાઈને ‘જંગ’ ગણાવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક સંદેશ

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. સમાપન પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી કાર્યવાહી અંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ડ્રગ્સ પકડવું માત્ર એક અભિયાન નહીં, પરંતુ આવનારી પેઢી અને સમગ્ર સમાજને બચાવવાનો એક જંગ છે.”

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો અને પરિવારજનોને ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત રાખવા માટે આ લડાઈ સતત અને કડક રીતે લડવી પડશે. ડ્રગ્સ સામેની કાર્યવાહી અંગે કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મયોગીઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ સખ્તાઈ અને નિષ્ઠાપૂર્વક આ જંગ લડી રહી છે.
 


કોન્ફરન્સ દરમિયાન જિલ્લા એસપી અને પોલીસ કમિશનરો દ્વારા રજૂ કરાયેલા સંશોધનાત્મક અને પ્રાયોગિક પ્રેઝન્ટેશન અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તેમાં નવીન વિચારો, ટેકનોલોજીનો ઉપયોગ અને સંસ્થાકીય ટીમવર્કનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યો છે. આ પ્રયાસો અન્ય જિલ્લા અને શહેરોમાં પણ અમલમાં મૂકવામાં આવશે, જેનાથી રાજ્યની કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

નાયબ મુખ્યમંત્રીએ ખાસ ભાર આપતાં કહ્યું હતું કે, રાજ્યના છેવાડાના ગરીબો, મહિલાઓ, માતાઓ, વૃદ્ધો તેમજ સંકટમાં ફસાયેલા નાગરિકો માટે ગુજરાત પોલીસ જ સૌથી મોટો આધાર છે. આ લોકોનો પોલીસ પરનો વિશ્વાસ ક્યારેય તૂટવો ન જોઈએ. નાગરિકોની ફરિયાદોને ગંભીરતાથી સાંભળીને સમયસર અને અસરકારક કામગીરી કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જાય છે. પોલીસ અધિકારીઓ જો સામાન્ય નાગરિકોને સરળતાથી મળે, તો ગુનાખોરી સામે જરૂરી અને ચોક્કસ માહિતી પણ ઝડપથી મળે છે.

હર્ષ સંઘવીએ અમદાવાદ અને સુરત પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરીની વિશેષ પ્રશંસા કરી હતી. તાજેતરમાં સુરતમાં હાઇબ્રીડ ગાંજાની મોટી જપ્તીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2022ની સરખામણીએ ડ્રગ્સ સંબંધિત કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ગુજરાત પોલીસની સક્રિય અને અસરકારક કામગીરી દર્શાવે છે. ડ્રગ્સ માફિયા સામે માનવતાની દ્રષ્ટિએ નહીં, પરંતુ કડકાઈથી કાર્યવાહી ચાલુ રાખવાની જરૂર છે.

આ પ્રસંગે વર્ષ 2022, 2023 અને 2024 દરમિયાન વિશેષ કામગીરી બદલ રાજ્યના કુલ 36 ઉચ્ચ પોલીસ અધિકારીઓને પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમાંથી ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત 31 અધિકારીઓને નાયબ મુખ્યમંત્રીના હસ્તે પદક આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત, ‘યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલેન્સ ઇન્વેસ્ટિગેશન’, ‘સ્પેશીયલ ઓપરેશન એવોર્ડ’ તેમજ એક મહિલા પોલીસ અધિકારીને ‘જીવન રક્ષા પદક-2024’થી સન્માનિત કરવામાં આવ્યા.

સમાપન સમારોહમાં રાજ્ય પોલીસ વડા (DGP) વિકાસ સહાયે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં યોજાયેલી આ ઐતિહાસિક કોન્ફરન્સ ગુજરાત પોલીસ માટે હકારાત્મક પરિવર્તન લાવનારી સાબિત થશે. કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થા, ક્રાઈમ કંટ્રોલ, ટેકનોલોજી, વેલફેર અને વહીવટી મુદ્દાઓ પર સર્વગ્રાહી ચિંતન થયું છે, જેનો અમલ આગામી સમયમાં તમામ એકમોમાં કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, કર્મચારીઓને તેમની રેન્કના આધારે નહીં, પરંતુ તેમના અનુભવ અને કુશળતાના આધારે મૂલવવા જોઈએ. ટીમ લીડર તરીકે અધિકારીઓ જો દરેક કર્મચારીની સાથે ઉભા રહેશે, તો પોલીસ તંત્ર વધુ મજબૂત, વિશ્વસનીય અને અસરકારક બનશે.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ