હોકી ટીમના વાઇસ કેપ્ટન હાર્દિકસિંહ ખેલરત્ન માટે નોમીનેટ, અર્જુન એવોર્ડ માટે 21 ખેલાડીઓના નામ જાહેર Dec 25, 2025 ભારતીય રમતજગતમાં વર્ષ 2025 માટેના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રમત પુરસ્કારોની પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ભારતીય પુરુષ હોકી ટીમના વાઇસ કેપ્ટન હાર્દિકસિંહને દેશના સર્વોચ્ચ રમત સન્માન એવા મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર માટે નોમીનેટ કરવામાં આવ્યા છે. જ્યારે અર્જુન એવોર્ડ માટે વિવિધ રમતોના કુલ 21 ખેલાડીઓના નામોની ભલામણ કરવામાં આવી છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ વર્ષે અર્જુન એવોર્ડની યાદીમાં એક પણ ક્રિકેટરનો સમાવેશ થયો નથી.પસંદગી સમિતિની બેઠક બાદ આ નામોની જાહેરાત કરવામાં આવી હતી. હાર્દિકસિંહ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય હોકી ટીમના મુખ્ય સ્તંભ તરીકે ઉભરી આવ્યા છે. તેઓ ટોક્યો ઓલિમ્પિક તેમજ પેરિસ ઓલિમ્પિક ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની મિડફિલ્ડ પરની મજબૂત પકડ, ગોલ બનાવવાની ક્ષમતા અને ટીમને સંતુલિત રાખવાની ભૂમિકા બદલ તેઓ સતત પ્રશંસા પામ્યા છે. એશિયા કપ સહિત અનેક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં હાર્દિકસિંહના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેમને ખેલરત્ન માટે નોમીનેશન મળ્યું છે.અર્જુન એવોર્ડ માટે પસંદ થયેલા ખેલાડીઓમાં વિવિધ રમતોના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનો સમાવેશ થયો છે. ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ, ડેકાથલેટ તેજસ્વીન શંકર, ચેસ ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતી સહિત કુલ 21 ખેલાડીઓના નામો ભલામણ કરવામાં આવ્યા છે. દિવ્યા દેશમુખ માત્ર 19 વર્ષની ઉંમરે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ચેસ ખેલાડી બનીને ઇતિહાસ રચી ચૂકી છે, જેના કારણે તેમનું નામ ખાસ ચર્ચામાં રહ્યું છે.આ વર્ષે પ્રથમ વખત યોગાસન રમતને પણ અર્જુન એવોર્ડ માટે સ્થાન મળ્યું છે. યોગાસન ખેલાડી આરતી પાલનું નામ અર્જુન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવ્યું છે. આરતી પાલ નેશનલ અને એશિયન સ્તરે ચેમ્પિયન રહી ચૂકી છે. મહત્વની વાત એ છે કે 2026 એશિયન ગેમ્સમાં યોગાસનને સત્તાવાર રમત તરીકે સામેલ કરવામાં આવ્યું છે, જેના કારણે યોગને રમત તરીકે નવી ઓળખ મળી છે.અર્જુન એવોર્ડની યાદીમાં એથ્લેટિક્સ, બોક્સિંગ, શૂટિંગ, જીમ્નેસ્ટિક્સ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, રેસલિંગ, કબડ્ડી, ખો-ખો, પોલો, નૌકાયન અને પેરા સ્પોર્ટ્સ જેવી અનેક રમતોના ખેલાડીઓનો સમાવેશ થયો છે. શૂટર મેહુલી ઘોષ, જીમ્નેસ્ટ પ્રણતી નાયક, બેડમિન્ટન જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ, રેસલર સોનમ મલિક જેવા જાણીતા નામો પણ યાદીમાં છે.ખાસ વાત એ છે કે આ વર્ષે કોઇ પણ ક્રિકેટરને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો નથી. છેલ્લે વર્ષ 2023માં ભારતીય ક્રિકેટર મોહમ્મદ સમીને આ સન્માન પ્રાપ્ત થયું હતું. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે પસંદગી સમિતિએ વિવિધ રમતોને પ્રોત્સાહન આપવાનો અભિગમ અપનાવ્યો છે.એવોર્ડ માટે ભલામણ કરાયેલા નામોમેજર ધ્યાનચંદ ખેલરત્ન : હાર્દિકસિંહ (હોકી)અર્જુન એવોર્ડ : તેજસ્વીન શંકર (એથ્લેટિક્સ), પ્રિયંકા (એથ્લેટિક્સ), નરેન્દ્ર (બોક્સિંગ), વિદિત ગુજરાતી (ચેસ), દિવ્યા દેશમુખ (ચેસ), ધનુષ શ્રીકાંત (બધિર નિશાનેબાજી), પ્રણતી નાયક (જીમ્નેસ્ટિક), રાજકુમાર પાલ (હોકી), સુરજીત (કબડ્ડી), નિર્મલા ભાટી (ખો-ખો), રૂદ્રાક્ષ ખડેલવાલ (પેરા શૂટિંગ), એકતા ભયાન (પેરા એથ્લેટિક્સ), પદ્મનામસિંહ (પોલો), અરવિંદસિંહા (નૌકાયન), અખિલ શ્યોરામ (શૂટિંગ), મેહુલી ઘોષ (શૂટિંગ), સુતીર્થા મુખર્જી (ટેબલ ટેનિસ), સોનમ મલિક (રેસલિંગ), આરતી પાલ (યોગાસન), ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ (બેડમિન્ટન), લાલરેમ્સયામી (હોકી), મોહમ્મદ અફજલ (એથ્લેટિક્સ) અને પૂજા (કબડ્ડી).આ પસંદગીઓ ભારતીય રમતજગતની વૈવિધ્યસભર પ્રતિભાને પ્રોત્સાહન આપતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. Previous Post Next Post