કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક-2036 માટે 25 હજાર ખેલાડીઓ તૈયાર કરવાની સરકારની નેમ, મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં ખેલ મહોત્સવનું સમાપન

કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક-2036 માટે 25 હજાર ખેલાડીઓ તૈયાર કરવાની સરકારની નેમ, મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં ખેલ મહોત્સવનું સમાપન

અમદાવાદ ખાતે 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ તથા 2036ના ઓલમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા આગામી વર્ષોમાં 25 હજાર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર કરવાની સ્પષ્ટ નેમ રાખવામાં આવી છે. આ માટે સમગ્ર દેશમાં સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે અને ખેલાડીઓને આધુનિક તાલીમ, કોચિંગ અને ટેકનોલોજીની સહાય પૂરી પાડવામાં આવશે, તેમ કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું.

શ્રી માંડવીયા પોરબંદર લોકસભા ક્ષેત્રના સાંસદ તરીકે સાંસદ ખેલ મહોત્સવ–2025ના સમાપન સમારોહમાં અધ્યક્ષ સ્થાને બોલી રહ્યા હતા. જૂનાગઢ સ્થિત સરદાર પટેલ સંકુલ ખાતે આયોજિત આ સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને દેશભરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેનાર ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, રમતગમત માત્ર વ્યક્તિગત વિકાસ નહીં પરંતુ યુવા નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ છે. ભારત સરકાર ખેલાડીઓને રમતગમતના ક્ષેત્રે આગળ વધારવા માટે તમામ જરૂરી સહાય અને સુવિધાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. તેમણે ખેલાડીઓને દેશ માટે રમતાં ભારતનો તિરંગો આંતરરાષ્ટ્રીય મેદાન પર લહેરાવવાની પ્રેરણા આપી હતી.

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ ખેલાડી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા બની ભારતનો ધ્વજ લહેરાવે છે, ત્યારે તે ગૌરવ માત્ર એક ખેલાડી પૂરતું સીમિત ન રહેતાં 140 કરોડ ભારતીયોનું ગૌરવ બની જાય છે. તેમણે ઉમેર્યું કે, પોરબંદર લોકસભા ક્ષેત્રના સાત વિધાનસભા વિસ્તારોમાંથી 12 થી 82 વર્ષની વયના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ રમતોમાં ભાગ લઈ ખેલ સંસ્કૃતિને મજબૂત બનાવી છે.
 


સાંસદ ખેલ મહોત્સવ–2025માં આશરે 38,000 જેટલા રમતવીરોએ નોંધણી કરાવી હતી, જે આ મહોત્સવની લોકપ્રિયતા અને ખેલાડીઓમાં રહેલા ઉત્સાહને દર્શાવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના ખડતલ, મહેનતુ અને મજબૂત બાંધાના યુવાઓમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવાની પ્રચંડ ક્ષમતા છે, જેને આ ખેલ મહોત્સવે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, તેમ શ્રી માંડવીયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, ખેલ મહોત્સવ દરમિયાન ખેલાડીઓના કૌશલ્યોનું મૂલ્યાંકન કરવા માટે **સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)**ના અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. પ્રતિભાશાળી ખેલાડીઓની નોંધ કરીને તેમને આગળની તાલીમ, કોચિંગ અને સ્પર્ધાત્મક તકો માટે ભારત સરકાર તરફથી પૂરતી સહાય અને સુવિધાઓ આપવામાં આવશે.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ જેવા અભિયાનોથી રાજ્ય અને દેશમાં રમતગમત માટે ઉત્સાહજનક વાતાવરણ ઊભું થયું છે. અહીંના મહેનતુ અને સશક્ત લોકોમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવાની સંપૂર્ણ ક્ષમતા છે, જેને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી શકે છે.

સમાપન સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે વિજેતા ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા ખેલાડી કુ. પ્રિયંકાબેન ગોસ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે આભાર વિધિ સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયાએ કરી હતી. સમારોહમાં મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, ધોરાજીના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, કમિશનર શ્રી તેજસ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા શ્રી મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, જેડીસીસી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ