શેરબજારનો ‘મહારથી’ નીકળ્યો કરિયાણાનો વેપારી, 100 સ્ક્વેર ફૂટની દુકાનનું રજિસ્ટ્રેશન ‘રિસર્ચ એનાલિસ્ટ’ તરીકે કરાવ્યું હતું Dec 30, 2025 શેરબજારમાં ઝડપી નફાની લાલચમાં ફસાતા રોકાણકારો માટે એક ચોંકાવનારો અને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દેશની ટોચની શેરબજાર નિયામક સંસ્થા સેબી (SEBI)એ તાજેતરમાં એવો હકીકતભર્યો ખુલાસો કર્યો છે કે સાંભળીને ખુદ અધિકારીઓ પણ અચંબામાં મુકાઈ ગયા. તમિલનાડુના મદુરાઈ શહેરમાં માત્ર 100 સ્ક્વેર ફૂટની એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવતો એક સામાન્ય વેપારી કાગળ પર સેબી રજિસ્ટર્ડ ‘રિસર્ચ એનાલિસ્ટ’ બની બેઠો હતો. આ મામલો બહાર આવતા સેબીએ તાત્કાલિક અસરથી પુરૂસ ખાન નામના આ વ્યક્તિનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે અને સમગ્ર પ્રકરણને ગંભીર બેદરકારી તથા રોકાણકારો સાથે થયેલી છેતરપિંડી તરીકે ગણાવ્યું છે.આ સમગ્ર મામલો વર્ષ 2022માં પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે એક રોકાણકારે સેબીના SCORES પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ www.optionresearch.in નામની વેબસાઈટ દ્વારા ‘શ્યોર શોટ’ શેરબજાર કોલ્સ આપવામાં આવતા હતા અને રોકાણકારોને થોડા જ સમયમાં પૈસા ડબલ થવાના મોટા વચનો આપવામાં આવતા હતા. ફરિયાદ કરનાર રોકાણકારે રૂ. 50,000 ચુકવી આ સર્વિસ લીધી હતી, પરંતુ થોડા જ સમયગાળામાં તેને અંદાજે રૂ. 4 લાખનું ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું.સેબીએ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આ વેબસાઈટ પર એક સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટનો રજિસ્ટ્રેશન નંબર દર્શાવવામાં આવ્યો હતો, જે પુરુસ ખાનના નામે નોંધાયેલો હતો. તપાસ દરમિયાન જ્યારે સેબીએ વર્ચ્યુઅલ સુનાવણી યોજી, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. સેબીના અધિકારી સંતોષ કુમાર શુક્લાએ નોંધ્યું કે પુરુસ ખાનને તો શેરબજારની મૂળભૂત જાણકારી પણ નહોતી. તે કોઈ એનાલિસ્ટ તો દૂર, પણ શેરબજારના શબ્દો પણ સમજવામાં અસમર્થ જણાયો. હકીકતમાં તે વ્યક્તિ મદુરાઈમાં નાની કરિયાણાની દુકાન ચલાવી બિસ્કિટ, તેલ, સાબુ અને દૈનિક ઉપયોગની વસ્તુઓ વેચતો હતો.પોતાના બચાવમાં પુરુસ ખાને સેબી સમક્ષ દલીલ કરી હતી કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેના જણાવ્યા મુજબ ‘ઓપ્શન રિસર્ચ કંપની’ (ORC) સાથે જોડાયેલા જી. ફહીથ અલીએ બેંક કર્મચારી હોવાનો ડોળ કરીને તેની પાસે સંપર્ક કર્યો હતો. અલીએ રિસર્ચ એનાલિસ્ટની નોકરી અપાવવાની લાલચ આપી તેના તમામ વ્યક્તિગત દસ્તાવેજો, પ્રમાણપત્રો, ઈ-મેલ આઈડી અને અન્ય વિગતો મેળવી લીધી હતી. બાદમાં આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના નામે સેબી રજિસ્ટ્રેશન કરાવ્યું અને શેરબજારની ખોટી ટિપ્સ આપી રોકાણકારોને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનું પુરૂસ ખાને જણાવ્યું હતું.જો કે, સેબીએ આ દલીલને સંપૂર્ણ રીતે સ્વીકારી નથી. સેબીના અવલોકનમાં આવ્યું કે પુરૂસ ખાને જાતે જ પોતાની વિગતો, ઈ-મેલ અને પાસવર્ડ અન્ય વ્યક્તિ સાથે શેર કર્યા હતા, જે ગંભીર બેદરકારી ગણાય છે. અગાઉ આ કેસમાં તેને શંકાનો લાભ આપીને નાણાકીય દંડમાંથી મુક્તિ અપાઈ હતી, પરંતુ તાજેતરના પુરાવાઓ અને રોકાણકારોને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને સેબીએ કડક વલણ અપનાવ્યું છે.આ વખતે સેબીએ માત્ર પુરુસ ખાનનું રિસર્ચ એનાલિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન રદ કર્યું નથી, પરંતુ આ કૌભાંડ સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે પણ કડક કાર્યવાહી કરી છે. સેબીએ સંબંધિત કંપનીઓ પર રૂ. 6-6 લાખનો દંડ ફટકાર્યો છે અને મુખ્ય આરોપીઓને રોકાણકારોને કુલ રૂ. 30.39 લાખ પરત ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાથે જ આ તમામ આરોપીઓ પર આગામી બે વર્ષ સુધી શેરબજારમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.આ સમગ્ર કિસ્સો રોકાણકારો માટે એક મોટી ચેતવણી સમાન છે. માત્ર કોઈ વ્યક્તિ અથવા વેબસાઈટ પાસે સેબી રજિસ્ટ્રેશન નંબર છે એટલા માટે અંધવિશ્વાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા ટિપ્સ આપનારની વિશ્વસનીયતા, અનુભવ અને ટ્રેક રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરવી અત્યંત જરૂરી છે. ઝડપી નફાની લાલચમાં લેવાયેલા ખોટા નિર્ણયો જીવનભરની કમાણી પર પાણી ફેરવી શકે છે, તેવો સ્પષ્ટ સંદેશો આ ઘટનાએ આપી દીધો છે. Previous Post Next Post