ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

રાજકોટ,

સ્વાસ્થ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સિદ્ધિ

મહિલાઓમાં થતા ગંભીર એવા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રાજ્યની યુવતીઓ અને કિશોરીઓને સુરક્ષિત અને નિરોગી બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ કિશોરીઓને આ રસી આપીને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સર્વાઇકલ કેન્સર એ મહિલાઓમાં પ્રવર્તતી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે, જેનો સમયસર પ્રતિકાર કરવા માટે રસીકરણ અત્યંત અસરકારક માધ્યમ સાબિત થાય છે. આ ગંભીર બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તથા નાની વયથી જ કિશોરીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં વ્યાપક સ્તરે ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

સર્વાઇકલ કેન્સર સામે રાજ્ય સરકારની આરોગ્ય પહેલને મળી વ્યાપક સફળતા

આ અભિયાન અંતર્ગત શાળાઓ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વિશેષ શિબિરો યોજીને લક્ષ્યાંકિત જૂથની કિશોરીઓને HPV રસીના ડોઝ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. વાલીઓમાં પણ આ રસીકરણને લઈને સભાનતા વધતાં ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે, જેના પરિણામે માત્ર ટૂંકા સમયગાળામાં જ ૬ લાખથી વધુ રસીકરણનો આંકડો પાર થયો છે.

રાજ્ય સરકારના આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાથી ભવિષ્યની પેઢીને જીવલેણ કેન્સરના જોખમથી સુરક્ષિત કરી શકાશે. આરોગ્ય તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ અભિયાનને વધુ સઘન બનાવીને વધુમાં વધુ કિશોરીઓને આ રસીના સુરક્ષા કવચ હેઠળ આવરી લેવા માટેની કટિબદ્ધતા દોહરાવવામાં આવી છે.