શેરબજારમાં ભારે કડાકો: પાંચ દિવસમાં સેન્સેક્સ 2 હજાર પોઈન્ટ તૂટ્યો, આ 5 કારણો બન્યા જવાબદાર Jan 09, 2026 ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે. વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા, અમેરિકાની નીતિઓમાં બદલાવ અને આંતરરાષ્ટ્રીય તણાવના માહોલ વચ્ચે બજાર દબાણમાં આવ્યું છે. BSE સેન્સેક્સ છેલ્લા પાંચ દિવસમાં 2,100 પોઈન્ટથી વધુ ગગડી ગયો છે. 2 જાન્યુઆરીએ 85,762ના સ્તરે રહેલો સેન્સેક્સ શુક્રવારે ઘટીને 83,506 સુધી આવી ગયો હતો. તે જ રીતે, નિફ્ટી પણ દબાણમાં આવી 25,700ના સ્તરથી નીચે સરકી ગયો છે.શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા પાછળ મુખ્યત્વે નીચેના પાંચ પરિબળો જવાબદાર માનવામાં આવે છે. 1. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીબજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા કરવામાં આવી રહેલી આક્રમક વેચવાલી છે. માત્ર 8 જાન્યુઆરીના રોજ જ વિદેશી રોકાણકારોએ 3,367.12 કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા હતા. વૈશ્વિક બજારોમાં વધતી અનિશ્ચિતતાને કારણે વિદેશી ભંડોળ ભારત જેવા ઉભરતા બજારોમાંથી પાછું ખેંચાઈ રહ્યું છે. 2. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનો ડરઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને ટેરિફ અંગેની નિવેદનબાજીએ રોકાણકારોની ચિંતા વધારી છે. ખાસ કરીને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવાની ધમકીએ બજારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. જો આવી નીતિ લાગુ પડે તો ભારત જેવા દેશો માટે આર્થિક પડકારો વધી શકે છે. 3. ટ્રમ્પ પ્રશાસન દ્વારા 50 ટકા સુધીનો ટેરિફભારત અને અમેરિકા વચ્ચે માર્ચથી અત્યાર સુધી છ રાઉન્ડની વાતચીત થઈ હોવા છતાં કોઈ નક્કર સમજૂતી થઈ શકી નથી. ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારત પર પહેલેથી જ કુલ 50 ટકા ટેરિફ (25 ટકા બેઝ અને 25 ટકા દંડરૂપે) લાદવામાં આવ્યો છે. આ મુદ્દે અનિશ્ચિતતા યથાવત રહેતાં રોકાણકારો સાવચેત વલણ અપનાવી રહ્યા છે. 4. ક્રૂડ ઓઈલના ભાવમાં તણાવરશિયાથી મળતા સસ્તા તેલના પુરવઠા અંગેની અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં વધારાએ ભારતીય બજાર પર નકારાત્મક અસર કરી છે. ભારત પોતાની મોટાભાગની તેલ જરૂરિયાત આયાત પર આધારિત હોવાથી ક્રૂડ મોંઘું થતા મોંઘવારી વધવાની સાથે દેશના કરંટ અકાઉન્ટ ડેફિસિટ (CAD) પર પણ દબાણ વધવાની આશંકા છે. 5. રૂપિયાનું ઐતિહાસિક ધોવાણભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને અમેરિકન ડોલર સામે 91ના સ્તરને પાર કરી ગયો છે. રિઝર્વ બેંકના હસ્તક્ષેપ છતાં રૂપિયામાં આવી રહેલા ઘટાડાએ વિદેશી રોકાણના પ્રવાહને અસર કરી છે, જેના કારણે શેરબજારમાં વધુ દબાણ જોવા મળી રહ્યું છે.આ તમામ પરિબળોના સંયુક્ત પ્રભાવથી શેરબજારમાં અસ્થિરતા યથાવત છે અને નજીકના સમયમાં રોકાણકારો માટે સાવચેતી રાખવી જરૂરી બની છે. Previous Post Next Post